મનોબળ દઢ કરવા શું કરવું? * શુરવીરનો સંગ કરવો. * સાત્વિક કાર્યો કરવા. * સત્સંગ કરવો. * સદગ્રથો વાંચવા અને * નિર્મળ હ્રદયવાળી વ્યક્તિનો સહવાસ રાખવો.
પદાર્થ કે વ્યક્તિ પ્રત્યેનું આકર્ષણ કયાં સુધી રહે? * તેનો ઉપયોગ થઈ શકે ત્યા સુધી. * આત્મચક્ષુનો ઉપયોગ ન કરીએ ત્યા સુધી. * પદાર્થ કે વ્યક્તિના મુળ સ્વરુપનું દર્શન ન થાય ત્યા સુધી. * છીછરી અથવા માયાવી નજર હોય ત્યા સુધી.
સફળતા પ્રાપ્ત કરવાની ચાવીઓ કઈ? * અખુટ શ્રધ્ધા,જબરો આત્મવિશ્વાસ. * સાહસિક વૃતિ. * પરિસ્થિતિનો સરખો ખ્યાલ. * લક્ષ્ય ભણીની અવિરત ગતિ. * જે કાંઈ કરી રહ્યા હોઇએ તેનો મજબુત પાયો નાખવો. * આંતરિક અને બાહ્ય શક્તિઓનો પુરેપુરો ઉપયોગ. * ભયભીત દષ્ટિએ ભવિષ્ય ન જોવું.
આશ્રમજીવન કોને કહેવાય ? * જેમાં સાદાઈ,સરળતા અને નિર્દોષતા હોય. * જેમાં સ્વચ્છતા,શાંતી અને આનંદ હોય. * જેમાં નિષ્ઠા,સ્વાવલંબન અને અપેક્ષારહિત હોય. * ઉપાસના,ભગવત્સ્મરણ, અભ્યાસ,વૈરાગ્યવ્રુતિ અને સેવાભાવના હોય. * મનન-ચિંતન હોય. * સર્વનું ભલું કરવાનો નિરંતર ભાવ હોય. * પ્રાણીમાત્ર પ્રત્યે સમતા અને પ્રેમ હોય. * બેઠાડુ જીવન ન હોય.
પરમ પ્રેમનો અનુભવ કયારે થાય? * પરમાત્મા પ્રત્યે પુર્ણ સમર્પિત ભાવ હોય ત્યારે. * પોતાપણાનો ભાવ મટે ત્યારે. * અહંકારનું પુર્ણપણૅ વિસર્જન થાય ત્યારે. (અહંની હાજરી હોય છે ત્યાં સુધી પ્રેમની કુપણો ફુટતી નથી અહંનો લય થતાં પ્રેમનું પુષ્પ પરિપુર્ણ ખીલી ઊઠે છે) * સર્વ કોઈનો આપણામાં સમાવેશ થઈ જાય અને આપણે કોઈની બહાર રહીએ ત્યારે પ્રેમથી પુર્ણતાનો અનુભવ થાય છે.
સૌથી સુંદર કોણ છે ? * જેના નેત્રોમાં પરમાત્માની ચમક છે અથવા પરમાત્માની ઝાંખી થાય છે. * જેને જોઈને પરમાત્માને પામવાની તીવ્ર ઝાંખના જાગે છે. * જેનાં અંગેઅંગમાં પરમાત્માનું સ્પંદન છે.જેના હલન-ચલનમાં ઊઠવા-બેસવામાં,બોલવામાં કહોકે એના પ્રત્યેક કર્મ- અકર્મમાં,એની હાજરીમાં પરમાત્માની ઉપસ્થિતિ વર્તાય છે.
ચિત્તને ઉદ્વેગ કેમ થાય છે ? * દુ:ખનો અનુભવ નથી ગમતો તે કારણે. * રાગ-દ્વેષનિ પ્રબળતાને કારણે. * અજ્ઞાન ભર્યું પડયું છે એટલે. * વાસનાઓને તૃપતી નથી મળતી તે કારણે. * સંસારી પદાર્થોમાં મન રચ્યુપચ્યું રહે છે તે કારણે. * શુભ વિચારોને આચરણમાં નથી મુકતા એટલે.
આપણી સાથે રહેતા હોય તેની સાથેના વ્યવહારમાં કઈ કાળજી રાખવી ? * બને ત્યા સુધી આપણા વાણી અને વ્યવહારથી સામાને દુઃખ,ક્ષોભ કે ઓછપનો ભાવ ન આવે તેની કાળજી રાખવી. * આપણી વાણી અને આચરણ એવા હોવા જોઈએ કે સામાને શાંતિ અને આનંદ મળે. એટલે કાંઈ પણ બોલતા પહેલા કે કાંઈ પણ કરતા પહેલા એટલું તો વિચારી લેવું કે એનાથી કોઈના શાંતિ કે આનંદ નષ્ટ તો નહિ થઈ જાય ને.
મૂર્ખ કોને કહેવાય ? * આગ લાગે ત્યારે કુવો ખોદવા જાય. * દુશ્મનો ચડી આવે ત્યારે કિલ્લો ચણવાની તૈયારી કરે. * જે સ્વાર્થમાં રચ્યોપચ્યો રહે. * જે જગતને રાજી રાખવાના પ્રયત્નો કર્યા કરે છે. * જે પોતાનું હિત-અહિત શેમાં છે તે ન સમજે. * જે કરવા જેવું છે તે ન કરે અને જે ન કરવા જેવું હોય તેની પાછળ મથ્યા કરે. * જે સીધી સાદી વાતને મચડીને અનર્થ ઉભો કરે.
ત્યાગ કયારે સિધ્ધ ગણાય ? * મે ત્યાગ કર્યો છે એવો ભાવ પણ ન રહે ત્યારે. * પરમાત્માને પામવા સિવાયની કોઈ ઇચ્છા ન રહે ત્યારે – ત્યાગને ઇશ્વરના સંદર્ભમાં જોવો જોઈએ.ત્યાગ કરવાનું સામર્થ્ય ઇશ્વર પાસેથી જ મળૅ છે. -આપણે કશુજ નથી પછી ત્યાગ શેનો કરવાનો.