અહિંસા ધર્મ :
40. અહિંસા મોટો ધર્મ છે – એમ સર્વ શાસ્ત્રમાં કહ્યું છે.
41. કોઈ જીવ-પ્રાણીમાત્રની હિંસા ન કરવી. જાણીને તો જૂ, માંકડ, ચાંચડ આદિક જીવની પણ હિંસા ક્યારેય ન કરવી.
42. દેવતા અને પિતૃના યજ્ઞ માટે પણ હિંસા ન કરવી.
43. ધનાઢ્ય ગૃહસ્થ સત્સંગીઓએ હિંસાએ રહિત યજ્ઞ કરવા.
44. સ્ત્રી, ધન અને રાજ્યની પ્રાપ્તિ માટે પણ કોઈ મનુષ્યની હિંસા કોઈ પ્રકારે ક્યારેય પણ ન જ કરવી.
45. કોઈપણ રીતે આત્મહત્યા ન કરવી, તીર્થમાં પણ નહીં, ક્રોધે કરીને કે ક્યારેય કોઈ અયોગ્ય આચરણ થઈ જાય તો મુંઝાઈને પણ આત્મહત્યા ન કરવી.
46. ક્યારેક પોતાથી અથવા કોઈ બીજાથી અયોગ્ય આચરણ થઈ ગયું હોય તો શસ્ત્રથી પોતાના કે બીજાના અંગનું છેદન ન કરવું. ક્રોધે કરીને પણ પોતાન કે બીજાના અંગનું છેદન ન કરવું.
નૈતિક સદ્દાચાર :
47. જુગાર રમવો નહિ.
48. ચોરી ન કરવી. ધર્મકાર્ય માટે પણ ચોરી ન કરવી.
49. ધણિયાતાં કાષ્ઠ, પુષ્પ આદિક વસ્તુ તેના ધણીને પૂછ્યા વિના ન લેવાં.
50. કોઈનો વિશ્વાસઘાત ન કરવો.
51. પોતાના સ્વાર્થ માટે પણ કોઈ ઉપર મિથ્યા આરોપ ન મૂકવો.
52. કોઈની પણ ગુપ્ત વાત કોઈ ઠેકાણે જાહેર કરવી જ નહિ.
53. પોતાનો તથા પારકાનો દ્રોહ થાય તેવું સત્ય વચન ક્યારેય ન બોલવું.
54. લાંચ ન લેવી.
55. ગાળ તો ક્યારેય ન દેવી.
56. પોતે પોતાનાં વખાણ ન કરવાં.
57. ચોરમાર્ગે પેસવું નહિ અને નીસરવું નહિ.
58. ધણિયાતા સ્થાનમાં તેના ધણીને પૂછ્યા વિના ઉતારો ન કરવો.
સામાજિક – વ્યાવસાયિક નીતિ :
59. પોતાને યોગ્ય હોય એવો ઉદ્યમ વ્યવસાય પોતાના સામર્થ્ય પ્રમાણે કરવો.
60. જે મનુષ્ય જેવા ગુણે યુક્ત હોય તેને તેવું કાર્ય વિચારીને જ સોંપવું, પણ જે કાર્યમાં યોગ્ય ન હોય તેને તે કાર્ય ક્યારેય ન સોંપવું.
61. પોતાના સેવક(નોકર-મજૂર)ની સામર્થ્ય પ્રમાણે અન્ન-વસ્ત્રે યોગ્ય સંભાવના નિરંતર રાખવી.
62. મજૂરની જેટલું ધન-ધાન્ય આપવાનું કહ્યું હોય તે પ્રમાણે જ આપવું, પણ તેથી ઓછું ન આપવું.
63. દુષ્ટ લોકોની સાથે વ્યવહાર ન કરવો.
64. પોતાનો વંશ ને કન્યાદાન છાનું ન રાખવું.
65. દરેક વ્યક્તિને ઘટે તેવા વચને કરીને દેશકાળાનુસારે યથાયોગ્ય બોલાવવી, પણ એથી બીજી રીતે ન બોલાવવી.
66. જેનું જેવી રીતે સન્માન કરવું ઘટતું હોય તેનું તેવી રીતે જ સન્માન કરવું પણ સમર્દષ્ટિએ કરીને એ મર્યાદાનું ઉલ્લંઘન કરવું નહિ.
67. ગુરુ, રાજા, વૃદ્ધ, ત્યાગી, વિદ્ધાન અને તપસ્વી આવે ત્યારે સન્મુખ ઊઠવું, અને એમનું સન્માન કરવું.
68. ગુરુ, દેવ ને રાજાની સમીપે તથા સભામાં પગ ઉપર પગ ચઢાવીને ન બેસવું તથા વસ્ત્રથી ઢીંચણને બાંધીને ન બેસવું. (શિષ્ટ વર્તન રાખવું.)
69. પોતાના ગુરુ સંગાથે ક્યારેય પણ વિવાદ ન કરવો. પોતાના સામર્થ્ય પ્રમાણે અન્ન-વસ્ત્રાદિકે કરીને તેમને પૂજવા.
70. ગુરુનું અપમાન ન કરવું.
71. શ્રેષ્ઠ મનુષ્ય, લોકને વિષે પ્રતિષ્ઠિત, વિદ્વાન તથા શસ્ત્રધારીનું અપમાન ન કરવું.
72. રાજા તથા રાજાના માણસ સંગાથે વિવાન ન કરવો.
73. માતા, પિતા, ગુરુ તથા રોગાતુર મનુષ્યની સેવા જીવનપર્યંત પોતાના સામર્થ્ય પ્રમાણે કરવી.
74. અતિથિની પોતાની શક્તિ પ્રમાણે અન્નાદિકથી સેવા કરવી.
75. વિચાર્યા વિના તત્કાળ કાંઈ કાર્ય ન કરવું પરંતુ ધર્મ સંબંધી કાર્ય તો તત્કાળ કરવું.
76. પોતે જે વિદ્યા ભણ્યા હોઈએ તે બીજાને ભણાવવી.
77. દેવકર્મ ને પિતૃકર્મ સામર્થ્ય પ્રમાણે કરવું.