વીરભદ્ર મંદિર, લેપાક્ષી-આંધ્ર પ્રદેશ-ભારતના પ્રસિદ્ધ જોવા લાયક સ્થળ
આપણા દેશમાં પૌરાણિક તથા મધ્યકાલીન જમાનાનાં ઘણાં મંદિરો છે. એ મંદિરો મોટે ભાગે પત્થરોનાં બનાવતા, એટલે એવાં ઘણાં મંદિરો આજ સુધી ટકી રહ્યાં છે. આ મંદિરો એ આપણો સાંસ્કૃતિક વારસો છે. હેરીટેજ દ્રષ્ટિએ પણ આવાં મંદિરોનું મૂલ્ય ઘણું છે. આવાં મંદિરો જોવાની એક ઓર મજા છે.
આ ગામ બેંગ્લોરથી ઉત્તરમાં ૧૨૦ કી.મી.દૂર આંધ્ર-કર્ણાટકની બોર્ડર પર છે. મંદિર કાચબા આકારની નાની ટેકરી પર આવેલું છે. દક્ષિણ ભારતના પ્રમુખ મંદિરોમાં લેપાક્ષી મંદિર પોતાના વૈભવશાળી ઇતિહાસ માટે પ્રસિદ્ધ છે. આ મંદિર દક્ષિણ આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લામાં આવેલું છે. આ મંદિર હેન્ગિંગ પિલર ટેમ્પલ પણ કહેવાય છે.
મંદિરનુ બાંધકામ આશરે ૧૫૩૦ની સાલ બંધાયેલું છે. વિજયનગર સામ્રાજ્યના સુબા એવા બે ભાઈઓ વિરુપન્ના અને વીરન્ના નાયકે તે બાંધ્યું છે. તેનું સ્થાપત્ય વિજયનગર સ્ટાઈલનું છે. દીવાલો, થાંભલા અને છત પર કોતરણી અને પેઈન્ટીંગ કરેલાં છે. તેમાં રામાયણ અને મહાભારતના પ્રસંગોનું નિરૂપણ છે. મંદિરમાં ૧૦૦ થાંભલાવાળો રંગ મંડપ (ડાન્સ હોલ) છે, એમાં એક થાંભલો લટકતો છે, એટલે કે તે જમીનને અડતો નથી, જમીન અને થાંભલા વચ્ચેની જગામાં કાગળ પસાર થઇ શકે એટલી જગા છે. કેટલાક થાંભલા પર સાડીની બોર્ડરની ડીઝાઈન કંડારેલી છે. વીરભદ્ર મંદિર હમ્પીની યાદ અપાવી જાય. મંદિરમાં કેટલાક ભાગનું બાંધકામ અધૂરું છોડી દીધેલું છે.
મુખ્ય મંદિર વીરભદ્ર સ્વામીનું છે. મંદિરની જોડે લીંગ પર ફેણધારી નાગની મોટી મૂર્તિ છે. ભગવાનનો નંદી મુખ્ય મંદિરથી ૨૦૦ મીટર દૂર છે. તે ૧૫ ફૂટ ઉંચો અને ૨૭ ફૂટ લાંબો તથા એક જ પત્થરમાંથી કોતરેલો છે. આ ઉપરાંત અહીં ગણેશ,શિવ, ભદ્રકાલી, વિષ્ણુ અને લક્ષ્મીની મૂર્તિઓ છે.
બેંગ્લોરથી NH44 પર ૧૦૭ કી.મી. જાવ, પછી કોડીકોન્ડા જંકશન આગળ ડાબી બાજુ વળો, પછી ૧૬ કી.મી. જાવ એટલે આ મંદિરે પહોંચી જવાય. બેંગ્લોરથી એક દિવસની ટ્રીપ કરી શકાય, સવાર જઈને સાંજે પાછા.આવી જવાય
મંદિરમાં દર્શન કરવાનો સમય સવારના ૫ થી સાંજના ૯ સુધી દરરોજ.
ફોટોગ્રાફી: મંદિરમાં બધે છૂટ છે.ત્યા જવાનો અનુકૂળ સમય સપ્ટેમ્બર થી ફેબ્રુઆરી, ચોમાસામાં જુલાઈ-ઓગસ્ટમાં પણ જવાય, ઉનાળામાં ખૂબ ગરમી લાગે.છે
લેપાક્ષીથી ઉત્તરમાં ૬૩ કી.મી.પુટ્ટાપરથી (સત્ય સાઈબાબાવાળું)મંદિર પણ જોવાલાયક છે.
અહીં દેવીને ભદ્રકાલી કહેવાય છે. આ મંદિર 16મી સદીમાં બનાવાયું હતું અને આ સંપૂર્ણપણે એક જ પત્થરની સંરચના છે. મંદિર વિજયનગરી શૈલીમાં બનાવાયું છે. આ મંદિરમાં એક પત્થર પર પદચિહ્ન પણ છે અને એવી માન્યતા છે કે તે માતા સીતાના પગના નિશાન છે.