અમે નિસરણી બનીને દુનિયામાં ઊભા રે
ચડનારા કોઈ નો મળ્યા
અમે દાદરો બનીને ખીલા ખૂબ ખાધા રે
તપસ્યાના ફળ નો મળ્યા
માથડાં કપાવ્યા, અમે ઘંટીએ દળાણા
ચૂલે ચડ્યા ને પછી પીરસાણાં રે
જમનારા કોઈ નો મળ્યા
નામ બદલાવ્યા અમે પથિકોને કાજે
કેડો બનીને જુગ જુગ સૂતાં રે
ચાલનારા કોઈ નો મળ્યા
કુહાડે કપાણા અમે, આગ્યુંમાં ઓરાણા
કાયા રે બાળીને ખાખ કીધી રે
ચોળનારા કોઈ નો મળ્યા
પગે બાંધ્યા ઘૂઘરાં ને માથે ઓઢી ઓઢણી
ઘાઘરીયુ પહેરીને પડમાં ઘૂમ્યાં રે
જોનારા કોઈ નો મળ્યા
સ્વયંવર કીધો, આવ્યા પુરુષો રૂપાળાં,
કરમાં લીધી છે રૂડી વરમાળા રે
મૂછાળા કોઈ નો મળ્યા
‘કાગ’ બ્રહ્મલોક છોડ્યો પતિતોને કાજે
અમે હેમાળેથી દેયું પડતી મેલી રે
ઝીલનારા કોઈ નો મળ્યા