હાં…મણિયારો તે મણિયારો તે
હલું હલું થઈ રે વિયો રે…
મુઝા દલડાં ઉદાસીમાં હોય રે
છેલ મુઝો, વરગાણી મણિયારો
હે છેલ મુઝો, પરદેશી મણિયારો… મણિયારો…..
હાં…મણિયારો તે કળાયેલ મોરલો રે
કાંઈ હું રે ઢળકતી ઢેલ રે
છેલ મુઝો, વરગાણી મણિયારો…. મણિયારો…..
હાં…મણિયારો તે મહેરામણ મીઠડો
કંઈ હું તો સમદરિયાની લહેર રે
હેલ મુઝો, હાલારી મણિયારો… મણિયારો…..
હાં…મણિયારો જી અષાઢીલો મેહુલો રે
કાંઈ હું તો વાદળ કેરી વીજ રે
છેલ મુઝો, હાલારી મણિયારો… મણિયારો…..
હાં…અણિયાળી રે ગોરી તારી આંખડી રે
હાં રે હુ રે આંજેલ એમાં મેશ રે
છેલ મુઝો, વરણાગી મણિયારો
છેલ મુઝો, હાલારી મણિયારો… મણિયારો
હાં…મણિયારો તે અડાભીડ આંબલો ને
કાંઈ હું રે કોયલડીનો કંઠ રે
છેલ મુઝો, હાલારી મણિયારો
હે છેલ મુઝો, પરદેશી મણિયારો… મણિયારો
હાં…પનિહારીનું ઢળકતું બેડલું રે
કાંઈ હું રે, છલકતું એમાં નીર રે
છેલ મુઝો, વરણાગી મણિયારો
છેલ મુઝો, હાલારી મણિયારો… મણિયારો…