શિવરાત્રીનું મંગલ પર્વ ભારતનાં લાખો મંદિરોમાં ભક્તિભાવથી મનાવાય છે. શિવના ભક્તો આ પર્વ પર ઉપવાસ, જાગરણ, પૂજા અને આરાધના કરી શિવની ઉપાસના કરે છે. પરંતુ કોઈને જાણ નથી કે શિવ કોેણ છે ? શિવનો રાત્રિ સાથે શો સંબંધ છે. ? શિવરાત્રીના પર્વનું રહસ્ય શું છે ? પરમપિતા શિવ પરમાત્મા નિરાકાર અને જયોતિબિંદુ સ્વરૂપ છે. સાકારમાં દર્શન અને પૂજા માટે શિવલિંગની પ્રતિમા બનાવેલ છે. શિવ રૂપમાં બિંદુ પણ ગુણોમાં સિંધુ છે. શિવનો અર્થ થાય છે કલ્યાણકારી પરમાત્મા. સર્વ માનવ આત્માઓના પરમકલ્યાણકારી છે. તેઓ સુખકર્તા અને દુઃખ હર્તા છે. શિવનાં મંદિરો પરમાત્માનાં મહાન કર્તવ્યનાં સૂચક છે. જેમકે અમરનાથ, સોમનાથ, પાપકટશ્વર, મુક્તેશ્વર, ત્રિભુવનેશ્વર, ભોલેનાથ વિગેરે શિવને ત્રિમૂર્તિ શિવ કહે છે. જેમાં યાદગીરી રૂપે શિવલિંગ પર ત્રિપુંડ્ર કરવામાં આવે છે. બ્રહ્મા, વિષ્ણુ અને શંકરના રચયિતા હોવાતી તેમને ત્રિમૂર્તિ કહે છે.શિવરાત્રી નિમિત્તે ભક્તો દ્વારા કરાતાં ઉપવાસનું આધ્યત્મિક રહસ્ય એ છે કે પરમાત્મા જેઓ ઉપર વાસ કરે છે અર્થાત પરમધામમાં રહે છે. ત્યાં મન-બુદ્ધિને સ્થિર કરી તેમને યાદ કરવા. ભક્તો જાગરણ કરે છે વાસ્તવમાં અજ્ઞાન નિદ્રામાંથી આત્માને આપણે જાગૃત કરીએ એ જ સાચું જાગરણ છે. શિવ પર ધતૂરા, કરણ, બીલી જેવાં પુષ્પો ચઢે જે સુગંધરહિત અને નકામાં હોય છે એટલે કે બુરાઈઓ, વિકારો જે આપણી પાસે છે તેને શિવ પર અર્પણ કરવાના છે. શિવરાત્રી પર ભાંગ પીને નશો કરવામાં આવે છે. વાસ્તવમાં પરમાત્મા શિવના સત્ય જ્ઞાનના સ્મરણથી ખુશી અને આનંદના નશામાં રહેવાનું છે. શિવલિંગ પર સતત ટપકતી જલધારાનું આધ્યાત્મિક રહસ્ય એ છે કે, પરમાત્મા શિવને નિરંતર સતત બુદ્ધિથી યાદ કરવાના છે. પરમાત્મા શિવ અજન્મા છે અર્થાત તેઓ મનુષ્યોની જેમ જન્મ અને મરણના ચક્રથી ન્યારા છે.તેઓ દિવ્ય અવતરણ કરે છે. પોતે સદા શિવ એટલે કે સદા જયોતી સ્વરૂપ હોવાને લીધે અશરીરી છે. તેથી તેઓ અકર્તા અને અભોક્તા છે. શિવ સ્વયંભુ કહે છે. તેઓ સ્વયં પ્રગટ થાય છે. અર્થાત સ્વયં અવતરણ કરે છે શિવ પિતા પરમધામનિવાસી છે. સૂર્ય, ચંદ્ર અને તારામંડળથી પણ પાર તેઓ છઠ્ઠા પરલોક બ્રહ્મલોકમાં નિવાસ કરે છે. શિવરાત્રી એ નિરાકાર શિવ પરમાત્માના સૃષ્ટિ પર દિવ્ય અવતરણના યાદગારનું મહાન પર્વ છે. સમગ્ર સૃષ્ટિ પર જયારે અજ્ઞાન અંધકાર વ્યાપે છે, ચારેકોર ઘોર પાપાચાર, અત્યાચાર અને આતંકને કારણે માનવ આત્માઓ દુઃખી અને અશાંત થઈને પરમાત્માને પોકારે છે કે ‘ હે પ્રભુ, આ દુઃખની દુનિયામાંથી પાર લઈ જાઓ’ ત્યારે જ્ઞાનસૂર્ય શિવ પરમાત્મા બ્રહ્મના તનના માધ્યમથી સૃષ્ટિ પર દિવ્ય અવતરણ કરે છે તેઓ તે દ્વારા વર્તમાન કળિયુગી, પતિત સૃષ્ટિના મહાપરિવર્તન બાદ નૂતન સતયુગ, દૈવી સૃષ્ટિની સ્થાપનાનું કાર્ય ગુપ્ત રીતે કરે છે.