આયુર્વેદમાં લીમડાના અનેક પ્રકાર બતાવાયા છે. જેમાં મુખ્યત્વે લીમડો, મીઠો લીમડો (કઢી પત્તાં) બકાયન લીમડો, અરડૂસાની એક જાત વગેરે વગેરે…. લીંમડો સ્વાદમાં કડવો છે. તે અનેક રોગમાં અક્સિર છે. તેના ઘણા ફાયદા છે. તે ખૂબ ગુણકારી છે. તેના તમામ ભાગ (છાલ, પાંદડા, ડાળી, ફૂલ, ફળ) કડવા છે જોકે પાકી લીંબોળી સહેજ મીઠી હોય છે. જેથી કાગડા તથા નાનાં બાળકોને થોડે અંશે પસંદ છે. લીમડાની લીંબોળીના મીંજમાંથી તેલ કાઢવામાં આવે છે. જેને નીમ્બ તેંલ કહેવામાં આવે છે. જો માથામાં જૂ-લીખ પડી ગયા હોય તો લીમડાનું તેલ માથામાં લગાવી ૬ કલાક પછી માથું સારા સાબુ તથા શેમ્પૂથી ધોઈ નાખો. ૯૦થી ૯૫ ટકા જૂ-લીખ નાશ પામશે. બે ત્રણ વખત આમ કરવાથી માથું એકદમ ચોખ્ખું ચણાક થઈ જશે. ચૈત્ર મહિનો ચાલે છે ત્યારે લીમડાને નવા ફૂલ તથા પાન આવે છે. લીમડાનાં ફૂલમાં પાન તથા ફૂલમાં ઔષધીય ગુણ ખૂબ પ્રગટે છે. આથી આ માસ દરમિયાન આયુર્વેદે જણાવ્યું છે કે દરરોજ સવારે નરણે કોઠે લીમડાના ફૂલ તથા નાની કૂણાં પાતનો કલ્ક (ચટણી) બનાવી તેને પાણીમાં ઓગાળી, સિંઘવ અજમો, હિંગ જીરું તથા કાળાં મરીના સમભાગે બનાવી ખૂબ લસોટેલા પાવડર સાથે લેવાથી કોઈ જાતનો તાવ-તરિયો આવતા નથી. શરીરમાં કડવાશ થવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. લોહીના રક્તકણોનો જથ્થો વધે છે. લીમડાની એક આંગળી જેટલી ડાળ લઈ તેનું નિયમિત દાતણ કરવાથી દાંત નીરોગી બને છે. પાયોરિયા મટે છે. દાંતમાંથી લોહી-પરું પડતાં હોય તો તે બંધ થાય છે. લીમડામાં પ્રોટીન, કાર્બોહાઈડેટ, ફાઈબર, કેલ્શિયમ મેગ્નેશિયમ, આયર્ન, સોડિયમ, કોપર, સલ્ફર, વિટામિન ‘એ’, ‘બી’,‘સી’ પુષ્કળ પ્રમાણમાં હોય છે. જે આપણા શરીર માટે ખૂબ સ્વાસ્થ્યવર્ધક છે. શરીર ઉપર ખાસ, ફોડકી, અળાઈ કે ચામડીના કોઈ રોગ થયા હોય તો લીમડાનાં પાન ઉકાળી તે પાણીથી નિયમિત નાહવાથી જે તે તકલીફ દૂર થાય છે.