આશરે ૧૨૦૦૦ વર્ષ પૂર્વે પાલનપુર અને ગામના એક સ્થાને હનુમાજીની મૂર્તિ ધરતીમાંથી પ્રગટ થયાના એંધાણ પ્રાપ્ત થયા હતા. આજે પણ જે જગ્યાએથી આ વિશાળ મૂર્તિ મળી આવી હતી ત્યાં મોટો ખાડો છે. જયાં ખાડો પડી ગયેલ છે ત્યાં આજે પણ મૂર્તિ પૂજનની પૂર્ણ વિધિ કરી તેલ સિંદૂર ચઢાવાય છે. આ કારણે હનુમાનજીનું નામ છબીલા સાગર હનુમાન રાખવામાં આવ્યું છે. ચૌધરી પરિવારના માણસો બળદગાડામાં મૂર્તિ લઈને ઉત્તર ગુજરાત તરફ આવતા હતા ત્યાં દિવસ આથમી જતા જંગલમાં જ રાત્રિરોકાણ કરવું પડ્યું. પરોઢિયે બ્રહ્મ મૂહૂર્તમાં હનુમાનજીને લઈને પ્રયાણ કરતા રસ્તામાં જ બળદગાડું થંભી ગયું અનેક પ્રયત્ન છતાં ગાડું આગળ ખસતું ન હતું. બળદોને માર મારવા છતાં બળદો ટસથી મસ થતા ન હતા. ઓચિંતા જ બળદ પરની સમાણ તૂટી ગઈ. આથી લોકોને એણ થયું કે હનુમાનજીની મરજી અહીંથી આગળ જવાની નથી. એટલે ત્યાં જ મંદિર બંધાવી પ્રાણપ્રતિષ્ઠા કરી હનુમાનજીની સ્થાપના કરી. સમાણ તૂટી જવાના કારણે ત્યાં વસેલ ગામનું નામ સમૌઉ આપવામાં આવ્યું. પ્રભુનું પ્રાગટ્ય પોષ માસના કૃષ્ણપક્ષ અષ્ટમીના દિને સમસ્ત ગામ પાટોત્સવ મનાવે છે. અણુંજો પાળવામાં આવે છે. બધા જ વર્ગના લોકો રજા પાળે છે. તે દિવસે યજ્ઞ-ત્યાગ,ભજન-કીર્તન થાય છે અને આ પુણ્યપર્વની ઉજવણીનો મહોત્સવ પ્રતિ વર્ષ મનાવાય છે. અહીં આવી દર્શનાર્થી ભાવિકભક્ત જે કોઈ માન્યતા-બાધા-આખડી રાખે છે પરિપૂર્ણ થાય છે. કોઈ પણ સગર્ભા સ્ત્રી અત્રે આવી દર્શન કરી હનુમાનદાદાને અડદની દાળના વડાનો ભોગ ધરાવે તો તેની મનોકામના પૂર્ણ થાય છે. વિશ્વભરમાં આ અનોખી ૧૧ ફુટ ઊંચી મૂર્તિ બેનમૂન શિલ્પ સ્થાપત્ય ધરાવે છે. સમૌઉ જવા અમદાવાદથી વિસનગર જતી બસ વાયા ગોઝારિયા સુધી ત્યાંથી પૂર્વમાં ત્રણ કિ.મી. અમદાવાદથી લોકલ ટ્રેનમાં આંબલિયાસણથી ગોઝારિયા જઈ શકાય છે.