કોણ અજાણ્યું હોય ? લીલા તેમજ સુકામેવા તરીકે વપરાતાં આ અંજીર એ ઉંબરાની જાતિના ફળ છે. તેના ફળની આકૃતિ અને તેમાંનો ગર્ભ પણ ઉંબરાનાં ફળ જેવો જ હોય છે. તેનાં વૃક્ષો પણ ઉંબરાની જેમ ક્ષીરી વૃક્ષ ( જેમાંથી દૂધ નીકળે તેવાં હોય)છે. ગુણકર્મો ઃ આશરે પંદરથી સોળ ફૂટ ફૂટ ઊંચાં અંજીરનાં વૃક્ષોને ચૂના તથા ભેજવાળી જમીન માફક આવે છે. ભારતમાં કાશ્મીર, પૂના, નાસિક, ઉત્તરપ્રદેશ,બેંગલોર,મૈસૂરમાં તેનું વાવેતર થાય છે. ભારતમાં જે અંજીર થાય છે તે બહુ મોટા અને સ્વાદિષ્ટ હોતાં નથી. ઉત્તમ પ્રકારના અંજીર તેા અરબસ્તાનથી જ આવે છે. આયુર્વેદ પ્રમાણે અંજીર સ્વાદિષ્ટ-મધુર, શીતળ, પૌષ્ટિક, પચવામાં ભારે, વાયુ અને પિત્તનાશક, રકત વિકૃતિઓને મટાડનાર અને મળને સરકાવનાર છે. નાન અંજીર આનાથી થોડા જુદા ગુણવાળા હોય છે. સૂકા અંજીર સ્નેહવર્ધક, વાયુનું અનુલોમન કરનાર, દમ, ઉધરસ, કબજિયાત અને રકતલ્પતા મટાડનાર છે.રાસાયણિક દૃષ્ટિએ અંજીરમાં પ્રોટિન ૧.૩ ટકા, ખનિજ ૦.૬ ટકા, કાર્બોહાઈડ્રેટ ૧૭ ટકા, કેલ્શિયમ ૦.૦૬ ટકા, ફોસ્ફરસ ૦.૦૩ ટકા, લોહ ૧.૨ મિ.ગ્રા. તેમ જ બીજા કેટલાક વિશિષ્ટ ઘટકો રહેલા છે. ઉપયોગો ઃ અંજીર સ્વાદિષ્ટ અને ઉત્ત પૌષ્ટિક મેવો છે. શિયાળામાં તેનું સેવન કરવાથી શરીર પુષ્ટ થાય છે. રોજ સવારે એક સૂકા અંજીરની સાથે પાંચથી દસ બદામ દૂધમાં નાખી, બરાબર ઉકાળી, તેમાં જરૂર પૂરતી સાકર મેળવીને ધીમે ધીમે એ દૂધ પી જવું. આ રીતે અંજીરનું સેવન કરવાથી તેની પોષણ શકિતનો શ્રેષ્ઠ લાભ મળે છે. અંજીર રકતની શુદ્ધિ કરનાર છે. એટલે રકતનાં રોગોમાં તે ઉત્તમ પરિણામ આપે છે. રોજ રાત્રે ત્રણ નંગ અંજીર અને કાળી સૂકી દ્રાક્ષ ( બીજ કાઢેલી) પંદર નંગ લઈ, એક ગ્લાસ દૂધમાં સારી રીતે ઉકાળીને પછી એ દૂધ ધીમે ધીમે પી જવું. અંજીર અને દ્રાક્ષ ચાવીને ખાઈ જવા. થોડા દિવસમાં આ ઉપચારથી કબજિયાત દૂર થાય છે અને મળશુદ્ધિ થવાથી રકત પણ શુદ્ધ થવા લાગે છે. અંજીર વાયુનો નાશ કરનાર હોવાથી શ્વાસ-દમની તકલીફમાં સારું પરિણામ આપે છે. દમના દર્દીઓ માટે અહીં અંજીરનો એક સરળ ઉપચાર પ્રયોગ રજૂ કરું છું. અંજીર અને ગોરખ આમલી આશરે -પાંચ – પાંચ ગ્રામ જેટલા લઈ, એક સાથે ખૂબ ચાવીને ખાઈ જવા. સવારે અને સાંજે આ રીતે થોડા દિવસ ઉપચાર કરવાથી શ્વાસ-દમ બેસી જાય છે અને હૃદય પરનું દબાણ દૂર થાય છે. અંજીર રકતસ્ત્રાવી હરસ-મસાનું અકસીર ઔષધ છે. જેમને મળમાર્ગમાં મસામાંથી રકતસ્ત્રાવ થતો હોય તો તેમણે થોડા દિવસ આ પ્રમાણે ઉપચાર કરવો. બેથી ત્રણ નંગ સૂકા અંજીર રોજ રાત્રે પાણીમાં પલાળી દેવા અને સવારે ખૂબ ચાવીને ખાઈ જવા. એ જ રીતે બીજા બે -ત્રણ અંજીર સવારે પલાળી દઈ સાંજે ખાઈ જવા. દસથી બાર દિવસ આ ઉપચાર કરવો. રકતસ્ત્રાવી મસા શાંત થઈ જશે. અંજીર પચવામાં ભારે છે તેથી તેનો ઉપયોગ પાચનશકિતને અનુસરીને કરવા જેવો છે, વધારે ખાવાથી તે પેટમાં શૂળ પેદા કરે છે. ઘણાને એનાથી ચૂંક પણ આવે છે. અંજીરને ખૂબ ચાવીને ખાવા જોઈએ. બરાબર ચાવીને ખાવાથી તે પચવામાં સરળ પડે છે.