એકાદશ અધ્યાય: વિશ્વરૂપદર્શનયોગ શ્ર્લોક નં ૩૪ થી ૪૪
દ્રોણં ચ ભીષ્મં ચ જયદ્રથં ચ કર્ણં તથાન્યાનપિ યોધવીરાન્।
મયા હતાંસ્ત્વં જહિ મા વ્યથિષ્ઠા યુધ્યસ્વ જેતાસિ રણે સપત્નાન્।।૩૪।।
ગુજરાતી ભાંષાન્તર ઃ દ્રોણ, ભીષ્મ, જયદ્રથ, કર્ણ તથા અન્ય મહાન યોદ્ધાઓ પહેલાંથી જ મારા વડે હણાઈ ચુક્યા છે. માટે તું તેમનો વધ કર અને લેશમાત્ર વ્યથિત થઈશ નહિ. માત્ર યુદ્ધ કર અને યુધ્ધમાં તું તારા શત્રુઓને પરાસ્ત કરીશ. ||૩૪||
સઞ્જય ઉવાચ
એતચ્છ્રુત્વા વચનં કેશવસ્ય કૃતાઞ્જલિર્વેપમાનઃ કિરીટી।
નમસ્કૃત્વા ભૂય એવાહ કૃષ્ણં સગદ્ગદં ભીતભીતઃ પ્રણમ્ય।।૩૫।।
ગુજરાતી ભાંષાન્તર ઃ સંજયે ધ્રુતરાષ્ટ્રને કહ્યું : હે રાજા, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનાં મુખેથી આ વચનો સાંભળ્યા પછી, ધ્રુજી રહેલા અર્જુને તેમને હાથ જોડી વારંવાર નમસ્કાર કર્યા અને ડરતાં ડરતાં ભગવાન કૃષ્ણને ગદગદ કંઠે આ પ્રમાણે કહ્યું. ||૩૫||
અર્જુન ઉવાચ
સ્થાને હૃષીકેશ તવ પ્રકીર્ત્યા જગત્ પ્રહૃષ્યત્યનુરજ્યતે ચ।
રક્ષાંસિ ભીતાનિ દિશો દ્રવન્તિ સર્વે નમસ્યન્તિ ચ સિદ્ધસઙ્ઘાઃ।।૩૬।।
ગુજરાતી ભાંષાન્તર ઃ અર્જુને કહ્યું : હે ઋષિકેશ, આપનાં નામના શ્રવણથી જગત હર્ષ પામે છે અને એ રીતે પ્રત્યેક વ્યક્તિ આપના પ્રતિ અનુરક્ત થાય છે. સિદ્ધ પુરુષો આપને સાદર નમસ્કાર કરી રહ્યા છે, પરંતુ અસુરો ભયભીત છે અને તેઓ ચારે તરફ ભાગી રહ્યા છે. એ યોગ્ય જ થયું છે. ||૩૬||
કસ્માચ્ચ તે ન નમેરન્મહાત્મન્ ગરીયસે બ્રહ્મણોપ્યાદિકર્ત્રે।
અનન્ત દેવેશ જગન્નિવાસ ત્વમક્ષરં સદસત્તત્પરં યત્।।૩૭।।
ગુજરાતી ભાંષાન્તર ઃ હે મહાત્મા, બ્રહ્માથી પણ શ્રેષ્ઠ આપ આધ્યશ્રષ્ટા છો. તો પછી, તેઓ આપને સાદર પ્રણામ કેમ ન કરે? હે અનંત, હે દેવેશ, હે જગન્નીવાસ, આપ જ પરમ અવિનાશી સ્ત્રોત છો. સર્વ કારણોના કારણરૂપ છો તથા આ ભૌતિક જગતથી પર છો. ||૩૭||
ત્વમાદિદેવઃ પુરુષઃ પુરાણ- સ્ત્વમસ્ય વિશ્વસ્ય પરં નિધાનમ્।
વેત્તાસિ વેદ્યં ચ પરં ચ ધામ ત્વયા તતં વિશ્વમનન્તરૂપ।।૩૮।।
ગુજરાતી ભાંષાન્તર ઃ આપ આદ્ય પરમેશ્વર, સનાતન પુરુષ તથા આ દ્રશ્ય જગતના અંતિમ આશ્રયસ્થાન છો. આપ જ સર્વજ્ઞ છો અને આપ જ સર્વેગ્નેય છો. આપ જ પરમ આશ્રયસ્થાન રૂપ છો અને ભૌતિક ગુણોથી પર છો. હે અનંતરૂપ, આ સંપૂર્ણ દ્રશ્ય જગત આપના દ્વારા વ્યાપ્ત છે. ||૩૮||
વાયુર્યમોગ્નિર્વરુણઃ શશાઙ્કઃ પ્રજાપતિસ્ત્વં પ્રપિતામહશ્ચ।
નમો નમસ્તેસ્તુ સહસ્રકૃત્વઃ પુનશ્ચ ભૂયોપિ નમો નમસ્તે।।૩૯।।
ગુજરાતી ભાંષાન્તર ઃ આપ વાયુ છો તથા સર્વોપરી નિયંતા પણ છો, આપ અગ્નિ છો, જળ છો તથા ચંદ્ર પણ છો. આપ પ્રથમ જીવાત્મા બ્રહ્મા છો અને આપ પ્રપિતામહ છો. તેથી આપને હજાર વાર નમસ્કાર છે અને મારા વારંવાર નમસ્કાર છે. ||૩૯||
નમઃ પુરસ્તાદથ પૃષ્ઠતસ્તે નમોસ્તુ તે સર્વત એવ સર્વ।
અનન્તવીર્યામિતવિક્રમસ્ત્વં સર્વં સમાપ્નોષિ તતોસિ સર્વઃ।।૪૦।।
ગુજરાતી ભાંષાન્તર ઃ આપને સન્મુખથી, પાછળથી અને ચારે બાજુથી નમસ્કાર હો! હે અનંતવીર્ય, આપ જ અપાર પરાક્રમના સ્વામી છો! આપ સર્વ વ્યાપક છો અને તેથી આપ જ સર્વસ્વ છો. ||૪૦||
સખેતિ મત્વા પ્રસભં યદુક્તં હે કૃષ્ણ હે યાદવ હે સખેતિ।
અજાનતા મહિમાનં તવેદં મયા પ્રમાદાત્પ્રણયેન વાપિ।।૪૧।।
યચ્ચાવહાસાર્થમસત્કૃતોસિ વિહારશય્યાસનભોજનેષુ।
એકોથવાપ્યચ્યુત તત્સમક્ષં તત્ક્ષામયે ત્વામહમપ્રમેયમ્।।૪૨।।
ગુજરાતી ભાંષાન્તર ઃ આપને મારા મિત્ર તરીકે માનીને મેં આપને “હે કૃષ્ણ”, ”હે યાદવ”, ”હે સખા” જેવા અવિચારી સંબોધનોથી બોલાવ્યા છે, કારણ કે હું આપના મહિમાથી અજાણ હતો. મેં મુર્ખામીથી કે પ્રેમવશ જે કંઈ કર્યું હોય તે માટે કૃપા કરી મને ક્ષમા કરો. મેં ઘણી વાર વિનોદમાં વિશ્રામના સમયે, સાથે સુતી વખતે, સાથે બેઠા હોઈએ ત્યારે અથવા સાથે જમતી વેળા, કોઈ વાર એકલા તો કોઈ વાર ઘણા મિત્રો વચ્ચે આપનો અનાદર કર્યો છે. હે અચ્યુત, કૃપા કરી આપ મારા આ સર્વ અપરાધો ક્ષમા કરો. ||૪૧,૪૨||
પિતાસિ લોકસ્ય ચરાચરસ્ય ત્વમસ્ય પૂજ્યશ્ચ ગુરુર્ગરીયાન્।
ન ત્વત્સમોસ્ત્યભ્યધિકઃ કુતોન્યો લોકત્રયેપ્યપ્રતિમપ્રભાવ।।૪૩।।
ગુજરાતી ભાંષાન્તર ઃ આપ આ સંપૂર્ણ જગતના, સ્થાવર અને જંગમ સર્વના પિતા છો. આપ તેના પરમ પૂજ્ય આધ્યાત્મિક ગુરુવર્ય છો. આપનો કોઈ સમોવડિયો નથી અને ન તો કોઈ આપની સાથે સમરૂપ થઇ શકે તેમ છે. તેથી હે અપરિમેય શક્તિશાળી પ્રભુ, ત્રણે લોકમાં આપથી અધિક શ્રેષ્ઠ કોણ હોઈ શકે? ||૪૩||
તસ્માત્પ્રણમ્ય પ્રણિધાય કાયં પ્રસાદયે ત્વામહમીશમીડ્યમ્।
પિતેવ પુત્રસ્ય સખેવ સખ્યુઃ પ્રિયઃ પ્રિયાયાર્હસિ દેવ સોઢુમ્।।૪૪।।
ગુજરાતી ભાંષાન્તર ઃ આપ જીવમાત્રના પૂજનીય પરમેશ્વર છો. તેથી હું આપને સાદર સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું છું અને આપની કૃપાની યાચના કરું છું. જેવી રીતે પિતા પુત્રનું ઉદ્ધત વર્તન સહન કરે છે, એક મિત્ર પોતાના મિત્રનું તોછડું વર્તન સહી લે છે અથવા પતિ પોતાની પત્નીનો અપરાધ સહન કરી લે છે, તેમ આપ કૃપા કરીને આપના પ્રતિ થયેલા અપરાધોને સહ્ય ગણશો. ||૪૪||