શ્રીકૃષ્ણ અડધી રાત્રે જન્મ્યા હતા, રામ ખરા બપોરે. રાતના અંધારામાં શ્રીકૃષ્ણે જન્મીને મોટો સંદેશ એ આપ્યો કે તમારા જીવનમાં જો અંધકાર છે તો તમે પ્રકાશની શોધમાં હશો તોપણ હું તમારા જીવનમાં આવી જઈશ.જે સમયે શ્રીકૃષ્ણ જન્મ્યા બાદ મથુરાથી ગોકુલ લવાયા હતા અને નંદબાબાને ચૂપચાપ યશોદાની પાસે રાખવામાં આવ્યા ત્યારે ગોકુલવાસી ગાઢ નિંદર માણી રહ્યા હતા.કથા એવી છે કે શ્રીકૃષ્ણ પહેલાં યશોદાજીને ત્યાં જોગમાયાએ જન્મ લીધો હતો. ભગવાનના આવતાં પહેલાં માયા આવી જાય છે અને માયા ઊંઘાડે છે તથા જ્યારે માયાના પતિ આવે છે તો તે જગાડે છે. જીવનમાં ભગવાનના આવવાનો અર્થ એ જ છે કે આપણે માયાથી મુક્ત થઈ જઈએ.
પોતાના મૃત્યુ સમયે પણ કૃષ્ણ ઉદ્ધવને આ જ ઉપદેશ આપી ગયા હતા કે હું ચૂપચાપ આવ્યો હતો અને અંતમાં ચૂપચાપ જતો રહીશ. જીવન-મૃત્યુ વચ્ચે શ્રીકૃષ્ણએ આખી લીલા બતાવી દીધી છે. તેઓ કહે છે કે જેમને આ બંને યાદ છે, તેમને મધ્યનું જીવન જીવવામાં મુશ્કેલી નથી નડતી. આથી આપણે પણ જન્મ અને મૃત્યુના અર્થને સમાન મહત્વથી સમજીએ અને મધ્યના જીવનને દિવ્ય બનાવીએ.