વૃંદાવન :
વૃંદાવન ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તર પ્રદેશ રાજ્યના મથુરા જિલ્લાનું શહેર છે. વૃંદાવન મથુરાથી છ માઈલ દુર છે. રેલ્વે રસ્તે એનું અંતર નવ માઈલ જેટલું છે. લગભગ ૫૦૦૦ વર્ષ પહેલા કૃષ્ણ ભગવાને અહી લીલા કરી હતી. વૃંદાવનમા અનેક કુંડો, મંદિરો, નદીના ઘાટો, વગેરે આવેલા છે. લગભગ દરેક વૃક્ષ પર શ્રી રાધા લખ્યુ હોય છે.
અત્રેના કેટલાંક મંદિરોમાં બાંકે બિહારી મંદિર, રંગજી મંદિર, ગોવિંદ દેવ મંદિર અને મદન મોહન મંદિરનો સમાવેશ થાય છે. અત્રેનું ઇસ્કોન મંદિર વધારે જૂનું નથી અને તેમાં મોટી સંખ્યામાં વિદેશી પર્યટકો શાંતિ અને જ્ઞાનપ્રાપ્તિ માટે આવે છે. જ્યાં વેદો અને શ્રીમદ ભાગવત ગીતાનું શિક્ષણ અંગ્રેજીમાં આપવામાં આવે છે. અત્રે ઘણા મંદિર કૃષ્ણની સંગિની રાધાને સમર્પિત છે.આમાંથી જ એક છે રાધા ગોકુલનંદ મંદિર અને શ્રી રાધા રાસ બિહારી અષ્ટ સખી મંદિર. અષ્ટ સખીએ રાધાની આઠ સખીઓ સાથે છે, જેમણે રાધા અને કૃષ્ણની વચ્ચે પ્રેમમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી.
વૃંદાવનમાં રહેવા માટે અનેક ધર્મશાળાઓ છે. સ્ટેશનની બાજુમાં જ મિરજાપુરવાળાની ધર્મશાળા છે. બીજી ધર્મશાળાઓ મંદિરોની પાસે પણ આવેલી છે. તેમાંથી ગમે તેમાં રહી શકાય.
વૃંદાવનના નામકરણ પાછળની એક પ્રાચીન નાનકડી કથા જાણવા જેવી છે. એ કથા પ્રમાણે ‘બ્રહ્મવૈવર્તપુરાણ’માં કહેવામાં આવી છે. સત્યયુગમાં મહારાજા કેદારની પુત્રી વૃંદાએ શ્રીકૃષ્ણને પતિરૂપે પ્રાપ્ત કરવાનો સંકલ્પ કર્યો. એણે એ વનમાં લાંબો વખત અપ્રતિમ તપ કર્યું. ભગવાન શ્રીકૃષ્ણ પ્રસન્ન થયા. એમણે દર્શન આપ્યું. ત્યારથી વૃંદાના તપની સ્મૃતિમાં એ વન વૃંદાવન તરીકે ઓળખાયું
વાગે છે રે વાગે છે,
વૃંદાવન મોરલી વાગે છે … ટેક
તેનો શબ્દ ગગનમાં ગાજે છે
વૃંદાવન મોરલી વાગે છે … વૃંદાવન
વૃંદા તે વનને મારગ જાતાં,
વા’લો દાણ દધિનાં માગે છે. … વૃંદાવન
વૃંદા તે વનમાં રાસ રચ્યો છે,
વા’લો રાસમંડળમાં બિરાજે છે. … વૃંદાવન
પીળાં પીતાંબર જરકસી જામા,
હાથે પીળો પટકો બિરાજે છે. … વૃંદાવન
કાને તે કુંડળ માથે મુગટ ને,
મુખ પર મોરલી બિરાજે છે. … વૃંદાવન
વૃંદા તે વનની કુંજગલીનમાં,
વા’લો થનક થૈ થૈ નાચે છે. … વૃંદાવન
બાઈ મીરાં કે પ્રભુ ગિરધર નાગર,
દર્શનથી દુઃખડાં ભાંગે છે. … વૃંદાવન