સેલના નામે ગ્રાહકો સાથેથતી છેતરામણી
‘સેલ’ના નામે ઘણી વાર ગ્રાહકો સાથે છેતરામણી થતી હોય છે. એવામાં તમે ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ફરિયાદ કરી શકો છો.
આ જકાલ તમે અખબારનું પાનું ખોલો એટલે સેલની જાહેરાતો જ મોટા ભાગે વાંચવા મળે. સેલની વાત આવે ત્યારે સ્ત્રીઓ તલપાપડ બની જાય છે અને જ્યાંત્યાં ખરીદી કરવા દોડી જાય છે. આખા વર્ષ દરમિયાન સ્ત્રીઓ સેલની રાહ જોતી હોય છે. સેલ દરમિયાન દુકાનદારો અને મોટા મોલવાળા મોટા મોટા હોડિગ્સ બનાવે છે. ટીવી તેમ જ પેપરમાં પણ ખૂબ જાહેરાત આપે છે. આનાથી લલચાઇને મહિલાઓ ખરીદી કરવા નીકળી પડે છે. સેલમાં ખરેખર તો ખૂબ જ છેતરપિંડી થતી હોય છે. વર્ષ દરમિયાન જે માલ વેચાતો ન હોય કે વેચાયો ન હોય કે કાઢી નાખવાનો આ એક કીમિયો છે. આ જ દુકાનમાં તમને નવો સામાન ન્યુ અરાઇવલ તરીકે પણ જોવા મળે છે અને કેના પર જે રકમ લખી હશે, તેના પર તમને ડિસ્કાઉન્ટ નહીં મળે. સેલ માટેનું બીજું કારણ એ છે કે ફેશન સતત બદલાતી રહે છે એટલે સેલ દરમિયાન જૂનો સ્ટોક ખાલી કરી નવી ફેશનનો સ્ટોક રાખવામાં આવે છે. મોટા ભાગે સેલ વર્ષના સાતમા-આઠમા મહિનામાં રાખવામાં આવે છે.
હવે તો સેલમાં પણ વીવીઆઇપી, વીઆઇપી અને જનરલ સેલ એવા નામ આપવામાં આવે છે. આમાં વીવીઆઇપી કસ્ટમર્સને કાર્ડ મોકલી આમંત્રણ આપવામાં આવે છે અને તેમને તેઓ ખાસ છે એવું દર્શાવવામાં આવે છે.
સેલમાં ખરીદી કરતી વખતે ખાસ ધ્યાન રાખો કે સેલમાં તમને જે પેકેજ વેચવામાં આવે છે. ડ્રેસ, સાડી, કુર્તીનું પેકેટ તમારે ખોલવાનું નહીં અને તેના પર જે ભાવ લખ્યો હોય છે તે આપી દેવાનો હોય છે. ઘરે જઇને જ્યારે તમે પેકેટ ખોલો ત્યારે તેમાં કપડું ફાટેલું નીકળે અથવા કલર ખરાબ હોય તેવું પણ બનતું હોય છે. સેલમાં એક શબ્દ ખૂબ વપરાય છે અને તે છે, ડિસ્કાઉન્ટ. ખરેખર તો તેમાં ડિસ્કાઉન્ટ હોતું જ નથી અને ઘણી વખત તો વસ્તુની મૂળ રકમ કરતાં પણ વધારે રકમ લખેલી હોય છે. પછી તેના પર ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. આના લીધે કેટલીક વાર ડિસ્કાઉન્ટ બાદ કરતાં વસ્તુ તેની મૂળ કિંમતમાં જ વેચવામાં આવે છે.
ઘણી વાર મોલમાં ખાણીપીણીની વસ્તુઓમાં એક સાથે એક ફ્રી લખવામાં આવે છે. આ વસ્તુઓને જો ધ્યાનથી જોઇએ તો તેની એક્સપાયરી ડેટ નજીકમાં જ હોય છે, પરંતુ એક સાથે એક ફ્રીની લાલચે આપણે બે વસ્તુઓ ખરીદી લઇએ છીએ. સેલ અથવા ડિસ્કાઉન્ટ હોય ત્યારે છેતરાવાનું એક કારણ એ પણ છે કે આવા સમયે ભીડ ખૂબ જ હોય છે. ભીડને લીધે તમે શાંતિથી કોઇ વસ્તુ જોઇ શકતા નથી. જ્યારે સેલના સ્થળે એટલે કે દુકાન કે મોલમાં વસ્તુના ઢગલેઢગલા હોય છે. તેમાંથી જ તમારે વસ્તુ ખરીદવાની હોય છે. એવામાં હું રહી જઇશ એવી ભાવના સાથે મોટા ભાગની મહિલાઓ શોપિંગ કરે છે. પછી ઘરે આવીને શાંતિથી જુએ ત્યારે તે ફાટેલી, સાંધેલી અથવા પ્રિન્ટ ખરાબ હોય એવું પણ નીકળે છે. સેલમાંથી વસ્તુઓ ખરીદવી તે મહિલાઓનો સ્વભાવ હોય છે. એક મહિલા સેલમાંથી વસ્તુ ખરીદી લાવી તો તરત બીજી મહિલા પણ નીકળી પડશે. પોતાને જરૂર છે કે નહીં તે નહીં વિચારે.
કોસ્મેટિક્સ પણ આજકાલ તો ખૂબ મોંઘાં થઇ ગયા છે ત્યારે એમાં પણ ડિસ્કાઉન્ટ આપીને ગ્રાહકને લલચાવવામાં આવે છે. આ વસ્તુ લેતી વખતે ખૂબ ધ્યાન રાખો કેમ કે આવી વસ્તુઓની એક્સપાયરી ડેટ નજીક હોય છે અથવા ક્યારેક તો તે એક્સપાયરી ડેટ વીતી પણ ગઇ હોય છે. સેલમાંથી વસ્તુ લેતાં પહેલાં તેની મેન્યુફેક્ચરિંગ ડેટ અને એક્સપાયરી ડેટ અચૂક વાંચો. ક્યારેક તેના પર લખેલું હોય છે કે મેન્યુફેક્ચરિંગની તારીખથી ત્રણ વર્ષ સુધી ચાલશે. આ વાંચવાથી તેની એક્સપાયરી ડેટનો ખ્યાલ આવી જાય છે. સેલમાંથી વસ્તુ માટે દુકાનદારે લખેલું હોય છે કે કોઇ વસ્તુ પાછી લેવામાં આવશે નહીં તેમ જ તે બદલી કે તેના કલરની પણ કોઇ પ્રકારની ગેરંટી નથી. આમ લખીને તે દુકાનદાર તરીકેની ફરજમાંથી છટકવાનો પ્રયત્ન કરે છે. આથી જ મોટા ભાગની જાહેરાત નીચે ઝીણા અક્ષરે લખ્યું હોય છે, કન્ડિશન એપ્લાય એટલે કે શરત મુજબ.
ઘણી વાર ગ્રાહક ફ્રી વાઉચરમાં પણ છેતરાય છે. જેમ કે, તમે અમુક રૂપિયાની ખરીદી કરો તો ફ્રી વાઉચર આપવામાં આવે છે. તેની જ દુકાનમાં આ વાઉચર દ્વારા પ૦૦ કે ૧૦૦૦ રૂપિયાની ખરીદી પર પ૦૦ રૂપિયાની વસ્તુ ફ્રી મળશે એવું જણાવાય છે. હવે તો અનેક સ્થળે વસ્તુની ખરીદી કે સારા પરફોર્મન્સ પર વાઉચર આપવામાં આવે છે. આમાં ક્લબ કે હોલિડેના વાઉચર આપવામાં આવે છે. આનો ઉપયોગ કરતાં પહેલાં ઓનલાઇન સર્ચ કરો. તમારો જવાનો ખર્ચ, રહેવાનો, જમવાનો, નાસ્તાનો, ડિનરનો અને ત્યાં તમને કઇ સુવિધા મળશે તે ચેક કરી લેવું જોઇએ. આવા વાઉચર નવરાત્રિમાં છોકરીઓને મળતા હોય છે.
ટૂરમાં જતાં હો ત્યારે પણ ગ્રાહક તરીકે તમામ શરત અને નિયમ સમજીને વાંચી લીધા પછી જ નક્કી કરો. બને તો રહેવા માટેની હોટલો અંગેની સુવિધા બાબતે ઓનલાઇન ચેક કરી લો. અત્યારે આપણે ઓનલાઇન ખરીદી કરીએ છીએ. તે વખતે તો તરત જ કેશ ઓન ડિલિવરી કે એકાઉન્ટમાંથી પૈસા કપાઇ જાય છે. કેશ ઓન ડિલિવરીમાં વસ્તુ તમે જે સ્થળે મગાવો ત્યાં આવતી હોય છે. આવા સમયે ક્યારેક તમે મગાવેલી વસ્તુથી અલગ વસ્તુ આવતી હોય છે. જ્યારે તે પરત કરવામાં આવે ત્યારે તેના નાણાં બેંકમાં ફરી જમા થવામાં અનેક સમસ્યાઓ નડે છે. જો તમે કોઇ વસ્તુ ખરીદો અને તમને લાગે કે તેમાં તમારી સાથે છેતરામણી થઇ છે, તો તરત ગ્રાહક તકરાર નિવારણ કેન્દ્રમાં ફરિયાદ કરી શકો છો.
Adhikar, Divya Modi, Advocate