આખું નામ: સુરસિંહજી તખ્તસિંહજી ગોહેલ
ઉપનામ: કલાપી
જન્મ: ૨૬મી જાન્યુઆરી – ૧૮૭૪, લાઠી
અવસાન: ૯મી જૂન – ૧૯૦૦, લાઠી
કુટુંબ:પત્ની:
રમાબા ઉર્ફે રાજબા – રૂહા, કચ્છનાં કુંવરી (૧૮૮૯ – ૧૫ વર્ષની વયે); એમનાંથી ૮ વર્ષ મોટા
આનંદીબા ઉર્ફે કેસરબા – કોટડા, સૌરાષ્ટ્રનાં કુંવરી (૧૮૮૯ – ૧૫ વર્ષની વયે) ; એમનાંથી ૨ વર્ષ મોટા
શોભના – રમાબા સાથે પિયરથી ૭-૮ વર્ષની ઉંમરે આવેલ મોંઘી નામની દાસી (૧૮૯૮) ; એમનાંથી ૭-૮ વર્ષ નાના
અભ્યાસ:
૧૮૮૨ થી ૧૮૯૦ સુધી રાજકોટની રાજકુમાર કૉલેજમાં પ્રાથમિક શિક્ષણ, જે આંખોની તકલીફ, રાજ્કીય ખટપટો ને કૌટુંબિક કલશોને કારણે એ વખતના અંગ્રેજી પાંચમા ધોરણ આગળ અટક્યું.
વ્યવસાય:
૧૮૯૫- લાઠી (ગોહિલવાડ)ના રાજવી
પિતા અને મોટાભાઈના અવસાનથી સગીર વયે જ ગાદીવારસ ઠરેલા એમને ૧૮૯૫ માં લાઠી સંસ્થાનનું રાજપદ સોંપાયું
યોગદાન:
પ્રજાત્સલ રાજવી,
ઊર્મિકવિ જેણે ગુજરાતી કલા સાહિત્યને સમૃધ્ધ કર્યું.
પ્રવાસ લેખન
મુખ્ય કૃતિઓ: કાવ્યસંગ્રહ- ૧૮૯૨ થી ૧૯૦૦ કલાપીનો કેકારવ, કલાપીનો કાવ્યકલાપ , હમીરજી ગોહેલ (દીર્ઘકાવ્ય )કાન્તને હાથે ૧૯૦૩ માં મરણોત્તર પ્રકાશન થયું.
વર્ણન – ૧૮૯૧-૯૨ કાશ્મીરનો પ્રવાસ
નિબંધ- સ્વીડનબોર્ગનો ધર્મ વિચાર
કલાપીની પત્રધારા- (સં.જોરાવરસિંહજી સુરસિંહજી ગોહિલ, ૧૯૩૧)
જીવન:
૨૧ વર્ષની વયે રાજ્યાભિષેક ( ૨૧મી જાન્યુઆરી ૧૮૯૫)
નાનપણથી જ લાગણીપ્રધાન, સાહિત્ય અને કુદરતી સૌન્દર્યનો ઘણો શોખ અને આદર્શ રાજવી બનવાની ઇચ્છા
માતા પ્રત્યે ખૂબ જ પ્રેમ રાખતા અને માતાના મૃત્યુ બાદ રમાબા પ્રત્યે પણ તેવો જ પ્રેમ રાખતા.
આનંદીબા પ્રત્યે કદી પ્રેમ રાખી શક્યા નહીં પરંતુ પતિ તરીકેની બધી ફરજો અદા કરી.
રાજ્યની ખટપટમાં રમાબા સાથે ઉભા થયેલા મતભેદો દરમ્યાન દાસી મોંધી (પાછળથી શોભના) જોતાં ૨૦ વર્ષની ઉંમરે એની સાથે પ્રેમ થયો
૧૬ થી ૨૬ વર્ષની ઉંમરનાં ૧૦ વર્ષના ગાળામાં જ ૫૦૦થી વધુ વિવિધ પુસ્તકોનો અભ્યાસ કરેલો અને ૨૫૦ થી ઉપર ગુજરાતી સાહિત્યના ઘ્રેણા જેવી રચનાઓ કરેલી (કાવ્યસર્જન ૧૮૯૨થી શરૂ થયેલ)
મિત્રો અને સંબંધીઓને લખેલા તેમના પત્રો ,
૨૬ વર્ષની યુવાન ઉંમરે મૃત્યુ (કલાપીનું છપ્પનિયા દુકાળ વખતે લાઠીમાં અવસાન થયું.)
(કહેવાય છે કે રમાબાએ યુક્તિથી ઝેર પાયું હતું)
સન્માન:
‘રાજવી કવિ કલાપી’ નામનું એમનાં જીવન વિશેનું પુસ્તક
એમના નામથી કુમારનો ‘કલાપી’ એવોર્ડ – ગઝલ માટે
૧૯૬૬માં ગુજરાતી ચલચિત્ર ‘કલાપી’ બનાવાયું
રચનાઃ
જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની,
આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની!
માશૂકોના ગાલની લાલી મહીં લાલી, અને
જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની!
જોઉં અહીં ત્યાં આવતી દરિયાવની મીઠી લહર,
તેની ઉપર ચાલી રહી નાજુક સવારી આપની!
તારા ઉપર તારા તણાં ઝૂમી રહ્યાં જે ઝૂમખાં,
તે યાદ આપે આંખને ગેબી કચેરી આપની!
આ ખૂનને ચરખે અને રાતે હમારી ગોદમાં,
આ દમબદમ બોલી રહી ઝીણી સિતારી આપની!
આકાશથી વર્ષાવતા છો ખંજરો દુશ્મન બધા,
યાદી બનીને ઢાલ ખેંચાઇ રહી છે આપની!
દેખી બૂરાઇ ના ડરું હું, શી ફિકર છે પાપની?
ધોવા બૂરાઇને બધે ગંગા વહે છે આપની!
થાકું સિતમથી હોય જ્યાં ના કોઇ ક્યાં એ આશના,
તાજી બની ત્યાં ત્યાં ચડે પેલી શરાબી આપની!
જ્યાં જ્યાં મિલાવે હાથ યારો ત્યાં મિલાવી હાથને,
અહેસાનમાં દિલ ઝૂકતું, રહેમત ખડી ત્યાં આપની!
પ્યારું તજીને પ્યાર કોઇ આદરે છેલ્લી સફર,
ધોવાઇ યાદી ત્યાં રડાવે છે જુદાઇ આપની!
રોઉં ન કાં એ રાહમાં બાકી રહીને એકલો?
આશકોના રાહની જે રાહદારી આપની!
જૂનું નવું જાણું અને રોઉં હસું તે તે બધું,
જૂની નવી ના કાંઇ તાજી એક યાદી આપની!
ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી,
જોયું ન જોયું છો બને જો એક યાદી આપની!
કિસ્મત કરાવે ભૂલ તે ભૂલો કરી નાખું બધી,
છે આખરે તો એકલી ને એ જ યાદી આપની!