નર્મદા : ગુજરાતની જીવાદોરી સમી ધ્યાનાકર્ષક નદી તે નર્મદા-ઋક્ષ પર્વતમાંથી નીકળી તે ‘રેવા‘ નામે વિંધ્યના અમરકંટકમાંથી નીકળી બંને માંડલ નજીક સંગમ પામી એક બીજીના પર્યાયરૂપ બની જાય છે. મહાભારતના અરણ્યક પર્વમાં પાંડવોની તીર્થયાત્રામાં પયોષ્ણી પછી વૈડૂર્ય પર્વત પછી નર્મદાને ગણાવી છે. સ્કંદપુરાણમાં નર્મદા-રેવા ઉપરનાં તીર્થસ્થળોનાં ગુણગાન કર્યાં છે. જૈન સાહિત્યમાં પણ ‘નર્મદા‘નો ઉલ્લેખ થયેલો મળે છે. આચાર્ય હેમચન્દ્રના દ્વયાશ્રય કાવ્યમાં, ‘પ્રબંધચિંતામણિ‘માં, ‘વિવિધ તીર્થકલ્પ‘માં એનો નિર્દેશ જોવા મળે છે. એની ઊંડાઈને કારણે ઘણે ઊંડે સુધી વેપાર માટે એનો પ્રાચીન સમયથી ઉપયોગ થતો રહ્યો છે.
મહી : મહાભારતના આરણ્યક પર્વમાં ચર્માણ્યવતી પછી ‘મહી‘ કહી છે તે ક્યાંની તે સ્પષ્ટ નથી. એમાં એના પછી નર્મદા અને ગોદાવરી કહે છે. ‘મહતી‘ તરીકે પુરાણોમાં નોંધાયેલી નદી મહી હોય એવો સંભવ છે. માર્કેન્ડેય બ્રહ્મ અને વામન પુરાણોમાં ‘મહી‘ અને બ્રહ્માંડ પુરાણમાં ‘મહી‘ નદી કહી છે. પાર્જિટર નામે વિદ્વાન ‘મહીતા‘ અને ‘મહતી‘ને મહી કહે છે. મહી નદી મધ્યપ્રદેશની ગિરિમાળામાંથી નીકળી ડુંગરપુર-વાંસવાડા વચ્ચે પસાર થઈ, પંચમહાલમાં પ્રવેશી ખેડા જિલ્લામાં થઈ ખંભાતના અખાતમાં પડે છે જ્યાં એને ‘મહીસાગર‘ કહે છે.
સરસ્વતી : ગુજરાતમાં બે સ્થળોએ ‘સરસ્વતી‘ નામની નદીઓ છે. તેમાંની એક અંબાજી નજીક ઉદ્દભવ પામી સિદ્ધપુર પાસે પૂર્વવાહિની બની લાંબો પંથ કાપી કચ્છના રણમાં લુપ્ત થાય છે. જ્યારે બીજી દક્ષિણ ગીરના ડુંગરોમાંથી નીકળતી પ્રભાસ પાસે હીરણ નદીમાં મળે છે. સ્કંદપુરાણમાં એ ‘હરિણી‘, ‘વજ્રિણી‘, ‘ન્યંકુ‘, ‘કપિલા‘, અને ‘સરસ્વતી‘ એવાં પાંચ નામે પ્રગટ થયેલી કહી છે.
પર્ણાશા (બનાસ) : મહાભારત અને પદ્મપુરાણમાં એક ‘પર્ણાશા‘ નદી છે. તેનું પાંઠાતર ‘પૂર્ણાશા‘ અને પુરાણોમાં ‘વર્ણાશા‘ તરીકે મળે છે. ‘વર્ણાશા‘ને માર્કંડેય પુરાણમાં ‘વેણાસા‘ કહેલી છે એ હાલની બનાસ નદી છે. આમ તો બે બનાસ નદીઓ જોવા મળે છે. તેમાં એક ચંબલની શાખા છે ને પૂર્વગામીની છે. બીજી ગુજરાત બનાસ છે તે પશ્ચિમગામિની છે. ઇસ્વીસનની પહેલી સદીમાંના નાસિકના અભિલેખમાં નહપાનના જમાઈ ઉષવશતે ‘બાર્ણાશા‘ નદીથી પોતાના દાનપુણ્યનો આરંભ કરેલો. ભૌગોલિક પૂર્વાપર સંબંધ જોતાં ‘બર્ણાસા‘ એ જ ગુજરાતની બનાસ છે, જેને જૈન સાહિત્યમાં ‘બન્નાસ‘ કહી છે. આ બનાસ નાથદ્વારા (મેવાડ)ની પશ્ચિમની પહાડીઓથી નીચે ઊતરી આબુ રોડ ખાતે ખરેડીથી બનાસકાંઠામાં ઊતરી કચ્છના રણમાં પથરાઈ જાય છે.
તાપી : તાપીનું નામ રામાયણ-મહાભારતમાં જોવા મળતું નથી પણ પુરાણોમાં મત્સ્ય, કૂર્મ, વાયુ, બ્રહ્માંડ અને માર્કંડેયમાં એનો નિર્દેશ મળે છે. ઉપર જણાવ્યું તેમ ઉષવદાતના નાસિકના અભિલેખમાં બનાસ પછી તાપી વગેરે નદી જણાવેલી છે. રાજશેખરે તેને નર્મદા અને પયોષ્ણી વચ્ચે આવેલી કહી છે. તાપી વિંધ્યમાંથી નીકળી ખંભાતના અખાતના નાકે પશ્ચિમ સમુદ્રમાં મળે છે. ગુજરાતની સમૃદ્ધ નદીઓમાંની તે એક છે. નર્મદાની પેઠે વેપાર માર્ગ તરીકે તેનો ઉપયોગ થતો. સુરત એ તાપીને કાંઠે આવેલું પ્રખ્યાત બંદર છે.
શ્વભ્રવતી : આ શ્વભ્રવતી એ જ આપણી સાબરમતી. મેવાડમાંથી ઉતરી આવી કોતરોમાં વહેતી તે આજના સાબરકાંઠાના ‘શ્વભ્ર‘ પ્રદેશમાં વહેતી જૂના આસાવલ અને કર્ણાવતી-અમદાવાદ પાસેથી નીકળી ખંભાતના અખાતમાં પડે છે, તે પદ્મપુરાણની ‘સાબરમતી‘ કે સાભ્રમતી નદી છે. સ્કંદપુરાણ અનુસાર વિશ્વામિત આવતાં વશિષ્ઠે વારુણમંત્રથી વસુધા તરફ જોતાં બે રંધ્રોમાંથી પાણી નીકળ્યું. જેમાંની એક ‘સરસ્વતી‘ અને ‘સંભ્રમ‘ થી જોતાં નીકળ્યું તે નદી ‘સાભ્રમતી‘. પદ્મપુરાણ સત્યયુગમાં એનું નામ ‘કૃતવતી‘, ત્રેતામાં ‘ગિરિકર્ણિકા‘, દ્વાપરમાં ‘ચંદના‘ અને કલિયુગમાં ‘સાભ્રમતી‘ હોવાનું કહે છે. તેમાં સાબરમતીનાં બેઉ કંઠ પ્રદેશનાં અનેક તીર્થોની નામાવલિ પણ આવેલી છે. તેમાં ચન્દ્રભાગા-સંગમ પાસે દધીચિ ઋષિએ તપ કરેલું. જે આજે દધીચિ કે દૂધેશ્વરના આરા તરીકે ઓળખાય છે.
હસ્તિમતી (હાથમતી) : સાબરકાંઠામાં સાબરમતી નદીને ‘હાથમતી‘ નામે નદી મળે છે. પદ્મપુરાણમાં તેને ‘હસ્તમતી‘ કહી છે. ‘સાબ્રમતી મહાત્મ્ય‘ અનુસાર સાબરકાંઠાની ઈશાને આવેલી ગિરિમાળામાંથી નીકળી, નજીકના પાલ ગામને અડધો આંટો મારી, ત્યાંથી હિંમતનગર પાસે થઈ પશ્ચિમવાહિની બની આગળ જતાં એ સાબરમતીને મળે છે. જો કે પદ્મપુરાણમાં એને ‘શુષ્કરૂપા‘ એટલે કે સૂકી નદી કહી છે.
વાર્તદની : મધ્ય ગુજરાતમાં આવેલી વાત્રક નદીને ‘પદ્મપુરાણ‘માં ‘વાર્તધ્ની‘ કહી છે. એના પહેલાના પુરાણોમાં તેને ‘વૃત્રધ્ની‘ તેમજ વ્રતધ્ની‘ પણ કહી છે. વૃત્રને ઇંદ્રે મારી નાખેલો તેથી ઇંદ્રને બ્રહ્મહત્યાનું પાપ લાગેલું. આ બ્રહ્મહત્યાનું નિવારણ ‘વાત્રધ્ની‘ અને સાભ્રમતીના સંગમતીર્થ-આજનું વૌઠામાં નહાવાથી થયું હતું. આ નદી માળવામાંથી નીકળી પશ્ચિમ પ્રદેશમાં વહી આવે છે. પદ્મપુરાણ એનું બીજું નામ ‘વૈત્રવતી‘ જણાવે છે. મહાભારતમાં નોંધાયેલી ‘વેવતી‘ તે જુદી છે.
સેટિકા (શેઢી) : પદ્મપુરાણમાં મહી અને વાત્રકના વચગાળાના પ્રદેશમાં પશ્ચિમાભિમુખ વહેતી ખેડા પાસે એકરૂપ થઈ વૌઠા પાસે સાભ્રમતીને મળે છે. સ્તંભનક તીર્થાવતાર પ્રબંધ અનુસાર પાર્શ્વનાથના બિંબને કાંતીનગરના એક ધનપતિના મહાલયમાંથી શાતવાહનની પત્ની ચંદ્રલેખા પાસે રસ લસોટવાનું કામ ‘સેડી‘ નદીના કિનારે કરાવે છે. ‘સેટિકા‘ નદી કાંઠે સ્તંભન (થામણા) ગામ વસ્યું છે ત્યાં તેને ‘સેટી‘ પણ કહે છે.
વલ્કલિની ને હિરણ્યમય : પદ્મપુરાણમાં આ બંનેને નજીક નજીક કહી છે. એમાંની વલ્કલિની ઇડર પાસેથી નીકળી હોવાની શક્યતા છે. જ્યારે હિરણ્યમયી ખેડબ્રહ્મા પાસે વહેતી હરણાવ-હિરણ્યા છે, જે આગળ જતાં સાબરમતીને મળે છે. હિરણ્યા નદી પાણિનિના ગણપાઠમાં પણ નોંધાયેલી છે. એક હીરણ કે હિરણ્યા પ્રભાસપાટણ પાસે પણ મળેલી છે.
વિશ્વામિત્રી : મહાભારતના ભીષ્મપર્વમાં ‘વિશ્વામિત્રા‘ નદી છે તે કદાચ પારિયાત્રામાંથી નીકળતી ‘પારા‘ નદી હોય. એ નદીને ભૃગુઓ સાથે સંબંધ હોવાનું સમજાય છે. એ રીતે વિચારતાં વડોદરા પાસેથી વહેતી ‘વિશ્વામિત્રી‘ વિંધ્યના સાતપુડા-પાવાગઢ પર્વતમાંથી આવે છે. એનો મેળ ચ્યવનના આશ્રમ પાસેની ‘વિશ્વામિત્રા‘ સાથે મળી શકે.
ગોમતી અને ચંદ્રભાગા : સ્કંદપુરાણમાં દ્વારકાક્ષેત્રમાં ગોમતી, કુશાવતી, લક્ષ્મણા, ચંદ્રભાગા અને જાંબવતી એ પાંચ નદીઓનો સંગમ કહ્યો છે. આજની દ્વારિકાની પૂર્વ તરફથી આવતો વહેળો તે ‘ગોમતી‘ અને દક્ષિણ તરફનો બરડિયા ગામ તરફ નીચાણવાળો પટ તે ચંદ્રભાગા-પાણિનિના ત્રણ પાઠમાં પણ એનો ઉલ્લેખ મળે છે. તેમાં ચંદ્રભાગાને નદી કહી છે. ગોમતીનો ઉલ્લેખ પણ મહાભારતમાં મળે છે. પદ્મપુરાણમાં તેને દધીચિના આશ્રમ પાસે ‘સાભ્રમતી‘ને મળતી કહી છે.
પ્રકીર્ણ નદીઓ : નાસિકના ઉષવદાતના લેખમાં ઈબા, મારાદા, દમણ-કરબેણા-દાહાનુકા અને નદીઓને ‘તાપી‘ સાથે ગણાવી છે. આમાંની ‘પારદા‘ એ વલસાડ પાસેની ‘પાર‘, ‘દમણ‘ એ દમણ પ્રકીર્ણ નદીઓ : નાસિકના ઉષવદાતના લેખમાં ઈબા, મારાદા, દમણ-કરબેણા-દાહાનુકા અને નદીઓને ‘તાપી‘ સાથે ગણાવી છે. આમાંની ‘પારદા‘ એ વલસાડ પાસેની ‘પાર‘, ‘દમણ‘ એ દમણ પાસેની ‘દમણગંગા‘ અને ‘કરબેણા‘ એ બિલિમોરા પાસેની અંબિકાને મળતી કાવેરી દક્ષિણ ભારતની કાવેરી કરતાં જુદી છે. ‘દાહાનુકા‘ એ થાણા જિલ્લાની ‘દહાણું‘ નામે નાનકડી નદી. આ ઉપરાંત ‘કાપી‘ નામ પણ મળે છે તે કઈ નદી હશે તે સ્પષ્ટ થતું નથી.
સુવર્ણસિકતા, વિલાસિની, પલાસિની : આમાં સુવર્ણસિક્તા, સુવર્ણરેખા કે સોનરેખ. તેનું અને પલાશિનીનું પાણી એકત્ર થઈ જૂનાગઢનના \”સુદર્શન\” તળાવમાં પડતું. સ્કંદગુપ્તના લેખ અનુસાર પલાશિની, સિકતા અને વિલાસિની ત્રણ નદીઓના નામ મળે છે. આમાંથી સિકતા તે ‘સુવર્ણસિકતા‘, ‘વિવિધ તીર્થકલ્પ‘માં સિકતાને ‘સુવણ્ણારેહા‘ કહી છે તે ‘સોનરેખ‘ હોવા સંભવ છે.
અન્ય નદીઓના ઉલ્લેખો : અન્ય નદીઓમાં ગુર્જર નૃપતિવંશના દધ બીજાના ઈ. સ. ૪૯૫-૪૯૬ના દાન શાસનમાં અકુલેસ્વર(અંકલેશ્વર)વિષયમાંની ‘વરંડા‘ નદી, ઘરસેન બીજાના ઈ. સ.૫૭૧ ના દાનશાસનમાં આવેતી ‘વત્સવહક‘, સૌરાષ્ટ્રમાં થાન પાસેની કોઈ ‘પપ્રિમતિ‘ નદી, કતારગામના ૧૧૬ ગામોના સમૂહમાં ઉલ્લેખાયેલી ‘મદાવિ‘ (મીંઢોળા), ઘરાય વિષયમાંની ‘નેરાછ‘ નદી, શીલાદિત્ય ત્રીજાના ઈ.સ. ૬૬૬ના દાનશાસનમાં ઉલ્લેખિત ‘વંશિટકા‘ નદી તથા ઈ. સ. ૬૬૯ના દાનશાસનમાં આવતી ‘મધુમતીદ્વાર‘ પાસેની ‘મધુમતી‘ નદી, તેમજ ‘માણછજ્જિકા‘ એટલે કે ‘માલણ‘ નદી વગેરે નદીઓ ગણાવી શકાય.
આ અને એ ઉપરાંતની અન્ય નદીઓ કદાચ આજે પણ સૂકાઈ ગયેલી કે વહેતી હશે. આ નદીઓએ ગુજરાતના જીવનમાં એક જમાનામાં પોતાની જીવંત છાપ ઊભી કરેલી. આજે પણ લોકજીવનમાં એમનાં નામ ઘણે સ્થળે કોઈને કોઈ રૂપે સચવાઈ રહ્યાં છે.