ઓખાહરણ-કડવું-૮૦ (રાગ-સોહિણી)
દ્રારિકાથી શ્રીક્રષ્ણનાં પરિવારને શોણીતપુર તેડાવ્યો
હરિ હર બ્રહ્મા ત્રણે મળ્યા, દુઃખ ભાગીયાં રે;
ત્યારે દાનવનું શું જોર, મળ્યા મન માનીયા રે.
હર બ્રહ્મા વિષ્ણુ ત્રણ એક રે, દુઃખ ભાગીયાં રે;
તેમાં શી વઢવાઢ, મળ્યા,મન માનીયા રે.
શિવે બાણ કૃષ્ણને નમાવીઓ,દુઃખ ભાગીયાં રે;
શરીરે કૃષ્ણે ફેરવ્યો હાથ, મળ્યા મન માનીયા રે.
કાપ્યા હાથની પીડા મટી, દુઃખ ભાગીયાં રે;
જ્યારે પ્રસન્ન થયા જદુનાથ, મળ્યા મન માનીયા રે.
હવે ગરુડને દ્વારિકા મોકલો. દુઃખ ભાગીયાં રે;
તેડાવો સઘળો પરિવાર, મળ્યા મન માનીયા રે.
સોળ સહસ્ત્ર એકસો આઠ પટરાણીઓ, દુઃખ ભાગીયાં રે;
તેડવા જાદવની નાર, મળ્યા મન માનીયા રે.
તેડો છપ્પન કોટિને, દુઃખ ભાગીયાં રે;
તમે તેડો સહુ પરિવાર, મળ્યા મન માનીયા રે.
તે ગરુડ ઉપર સહુએ ચઢીઆ, દુઃખ ભાગીયાં રે;
ત્યારે ગરુડની પાંખ ભરાય, મળ્યા મન માનીયા રે.
તેડી શોણિતપુરમાં આવીઆ, દુઃખ ભાગીયાં રે;
આવી જાદવની સર્વે નાર, મળ્યા મન માનીયા રે.
જાનીવાસ આપ્યા મન માનતા. દુઃખ ભાગીયાં રે;
તેમાં ઉતર્યા છપ્પન કરોડ, મળ્યા મન માનીયા રે.