ઓખાહરણ-કડવું-૬૭ (રાગ:બિહાગડો)
અનિરુધ્ધ શામળીયાને સમરે છે
દયા ન આવે દૈત્યપતિને, મહાબળિયા દુરમત્યજી,
બાકરી બાંધી દ્વીજવર સાથે, વેર વધાર્યું સત્યજી. દયા ન આવે…
પાતળિયા પંકજ મુખ પિયુને, નાગપાશના બંધજી,
બાંધી લીધો બળે કરીને, કોમળ રૂપે કંથજી. દયા ન આવે…
ધાજોરે રણધીર શ્રીધર, આપદા પામે નાથજી,
પુત્ર તમારા ઉપર પ્રહાર જ કરે છે, દૈત્યનો સાથજી. દયા ન આવે…
ભારે દળ કૌભાંડે મેલ્યું, વકાર્યો બળિયો વીરજી,
તો એ રણથી નવ ઓસરીઓ, સાગરનું જેમ નીરજી. દયા ન આવે…
ભેદ કરીને બાંધી લીધો, નાગપાશના બંધજી,
શ્વાસ ન માયે બહુ અકળાએ, અંગો અંગે ત્રાસજી. દયા ન આવે…
તાપ સમાય નહિ સ્વામીનો, હું કરું દેહનો પાતજી,
વાર લાગે લક્ષ્મીવર તમને, તો થશે મહા ઉત્પાતજી. દયા ન આવે…
કોમળ મુખ શ્રમથી સુકાયું, કન્યા કરે આક્રંદજી,
અનિરુધ્ધ સમરે શામળિયાને, કમળાવર ગોવિંદજી. દયા ન આવે…
ત્રાહે ત્રાહે રે ત્રિકમજી, સુતની કરજો સહાયજી,
વિપદ વેળા વારે ચડીને, કરો ભક્તની રક્ષાયજી. દયા ન આવે…
ગજ ગ્રાહથી મુક્ત પમાડયો, કીધી હરિશ્ચંદ્ર રક્ષાયજી,
દાનવ કુળ નિકંદન કીધાં, પ્રહલાદજીની સહાયજી. દયા ન આવે…
આજ આંખેથી આંસુડાં ચાલે, જાશે મારા પ્રાણજી,
સુખ શરીર શાતા નહિ અંગે, લાગ્યો દવ નિરવાણજી. દયા ન આવે…
મનસા વાચાએ વર વર્યો, અવર તે મિથ્યા જાણજી,
રૂપ અને ગુણવંતો સ્વામી, સત્ય કહું છું વાણજી. દયા ન આવે…
તાત કઠોર દયા નહિ હૃદિયે, કોમળ મારો કંથજી,
પ્રહાર કરીને બાંધી લીધા, શ્રીહરિ વેગળે પંથજી દયા ન આવે…
કોણ સહોદર આવે અવસર, શોધ કરવાને જાયજી;
ભ્રાતને જાણ નહિ, ને કોણ ઊઠીને ધાયજી. દયા ન આવે…
પિતા પિયુજીને વેરી રે દેખે, પરભવે બહુ પેરજી,
નાગના ફુંફાડા હળાહળ, ફેરવી નાખે ઝેરજી. દયા ન આવે…
હળાહળે અંગ અગ્નિ રે ઊઠ્યો, કંઠે પડ્યો શોષજી;
પૂર્વ તણાં કર્મ આવી નડિયાં, કોને દિજે દોષજી. દયા ન આવે…
પતિ મારી કાયા રે પાડું, વિખ ખાઉં આ વારજી;
સ્નેહ ન જાણે રે કોઇ મનનો, સહુ પીડે ભરથારજી. દયા ન આવે…
તાત તણે મન કાંઇ નહિ, મુને સબળો લાગે સ્નેહજી;
છોરું પોતાનાં જાણી કીજે, દયાળ ન દીજે છેહજી. દયા ન આવે…(૧૭)
બાણાસુસ મહા-પુરુષ જ્ઞાતા, જેથી ચૂક ન થાયજી;
બાળક ઉપર હાથ શો કરવો, કાદપિ હોય અન્યાયજી. દયા ન આવે…
વહાલાં થઈને વેર જ વાળો, શું નથી આવતી લાજજી;
નીચ પદારથ નથી કુળ નીચું, કૃષ્ણકુમાર મહારાજજી. દયા ન આવે…
નીચું નાક ન હોય એથી, નિરર્થક શો સંગ્રામજી;
મોટા સાથે વિરોધ ન કરીએ, નહિ નિર્બળ હળધર શામજી. દયા ન આવે…
સકળ પૃથ્વી ચાકે ચઢાવી, અસુરનો ફેડ્યો ઠામજી;
વૈર વધારી વિઠ્ઠલ સાથે, ક્યાં કરશો સંગ્રામજી ? દયા ન આવે…
જુદ્ધ સમે આકાશે રહીને, જુવે છે નારદ દેવજી;
ભય મા આણીશ અમે જાશું દ્વારામતી, જુદ્ધ કરશું તતખેવજી. દયા ન આવે…
નિર્ભય જાણી વીણાધર ગયા, પરવરીઆ આકાશજી;
પહોંચી દ્વારકાં ઊતરી હેઠા, ભેટ્યા શ્રી અવિનાશજી. દયા ન આવે…
(વલણ)
ભેટ્યા શ્રીઅવિનાશને, કુશળ વાર્તા પૂછી વળી;
કહે નારદ અનિરુદ્ધને, રાખ્યો કારાગ્રહમાં દૈત્યે મળી રે.