બારિસ્ટિર તો થયા – પણ પછી ?
બારિસ્ટર થવા સારુ બે વસ્તુની જરૂર હતી. એક તો ‘ટર્મ ભરવી’ એટલે સત્ર સાચવવાં. વર્ષમાં ચાર સત્ર હોય. તેવાં બાર સાચવવાં. બીજી વસ્તુ કાયદાની પરીક્ષા આપવી. સત્ર સાચવવાં એનો અર્થ ‘ખાણાં ખાવાં’ ; એટલે કે, દરેક સત્રમાં લગભગ ચોવીસ ખાણાં હોય તેમાંથી છ ખાવાં. ખાણાં ખાવાં એટલે ખાવું જ એવો નિયમ નહીં; પણ નીમેલે વખતે હાજર થવું ને ખાણું પૂરુ થવાનો વખત થાય ત્યાં સુધી બેઠા રહેવું. સામાન્યા રીતે તો સૌ ખાય ને પીએ જ. ખાણામાં સારી સારી વાનીઓ હોય, અને પીવામાં સારો ગણાતો દારૂ હોય. તેનું દામ અલબત્ત આપવાનું જ. તે અઢીની સાડા ત્રણ શિલિગ હોય, એટલે બેત્રણ રૂપિયાનું ખર્ચ થયું. આ દામ ત્યાં ઘણું ઓછું ગણાય, કેમ કે બહારની વીશીમાં એવું ખાણું લેનારને દારૂના જ લગભગ એટલા પૈસા પડે. ખાવાના ખર્ચ કરતાં દારૂ પીનારને પીવાનું ખર્ચ વધારે હોય છે એ વાત આપણને હિંદુસ્તાનમાં – જો ‘સુધર્યા’ ન હોઇએ તો – આશ્ર્ચર્યજનક લાગે. મને તો વિલાયત જતાં આ જ્ઞાનથી પુષ્કાળ આઘાત પહોંચેલો; ને દારૂ પીવાની પાછળ એટલા પૈસા બરબાદ કરતાં લોકોનો જીવ કેમ ચાલતો હશે એ ન સમજાતું. પાછળથી સમજતાં શીખ્યો ! હું આરંભકાળમાં કંઇ જ ન ખાતો. કેમ કે મને ખપે એવું તો માત્ર રોટી, બાફેલાં પટેટા ને કોબી હોય. આરંભમાં તો તે ન ગમ્યાં તેથી ન ખાધાં; પાછળથી જયારે તેમાં સ્વાદ જોઇ શકયો ત્યારે તો બીજી વાનીઓ પણ મેળવવાની શકિત મારામાં આવી ગઇ હતી.