ઓખાહરણ-કડવું-૬૧ (રાગ-સિંધુ)
અનિરુદ્ધ-બાણાસુર વચ્ચે વાર્તાલાપ
આવી સેન્યા અસુરની, અનિરુધ્ધ લીધો ઘેરી;
કામકુંવરને મધ્યે લાવી, વીંટી વળ્યો ચોફેરી.
અમર કહે શું નીપજશે, ઇચ્છા પરમેશ્વરી;
રિપુના દૈત્યના જુથ માંહે, અનિરુધ્ધ લઘુ કેસરી.
બાણરાયને શું કરૂં, જો ભોંગળ ધરી ફોગટ;
વેરી વાયસ કોટી મળ્યા, હવે કેમ જીવશે પોપટ.
બાણાસુરે સુભટ વાર્યા, નવ કરશો કો ઘાત;
વીંટો ચો દિશ સહુ મળીને, હું પૂછું એને વાત.
માળિયેથી ઓખાબાઇએ, રુદન મૂક્યું છોડી;
પિતા પાસે જોધ્ધા સરવે, હાથ રહ્યા છે જોડી.
બલવંત દિસે અતિ ઘણું, સૈન્ય બિહામણી;
પવનવેગા પાખરીઆ તે, રહ્યા રે હણહણી.
આ દળ વાદળ કેમ સહેશો, ઓ સ્વામી સુકોમલ;
અરે દૈવ હવે શું થાશે, પ્રગટ કામનાં ફલ.
દેવના દીધેલ દૈત્ય મૂવા, તેને દયા નહિ લવલેશ;
કાચી વયમાં નાથજીને, નથી આવ્યા મૂછ ને કેશ.
ચાર દિવસનું ચાંદરણું તે, ચડી ગયું છે લેશ વહી;
આ જોધ્ધા પિયુને મારશે, દૌવડા જીવું નહિ.
અર્ભક તમારો એકલો, તેને વીંટી વળ્યા અસુર;
એવું જાણીને સહાય કરજો, ઓ શામળિયા સુર.
કષ્ટ નિવારણ કૃષ્ણજી, હું થઇ તમારી વહુ;
જો આંચ તમ આવશે પુત્રને, લજવાશે જાદવ સહુ.
પ્રજાના પ્રતિપાળ છો, તમે પનોતા મોરારી;
સંભાળ સર્વની લીજીએ, નવ મૂકીએ વિસારી.
અમને તો પણ આશા તમારી, અમે તમારાં છોરું;
લાજ લાગશે વૃધ્ધને, કોઇ કહેશે કાળું ગોરું.
પક્ષી પલાણે પ્રભુજી, પુત્રની કરવા પક્ષ;
ભગવાનને ભજતી ભામિની, ભરથાર છે રિપુ મધ્ય.
મુખ વક્ર નેત્ર બીહામણાં, મુખ મૂછો મોટી;
તેવા અસુર આવી મળ્યા, એક શંખ ને સપ્ત કોટી.
દળ વાદળ સેના ઊલટી, મધ્યે આણ્યો અનિરુધ્ધ;
વીર વીંટ્યો વેરીએ, જેમ મક્ષિકાએ મધ.
ધનુષ્ય ચઢાવ્યાં પાંચસે, બહુ ચઢાવ્યાં બાણ;
ગાયે ગુણીજન ગુણ બહુ, ગડગડે નિશાન.
અનંગ અર્ભક એમ વીંટીયો, તેમ શોભે છે ઇન્દુ લઘુ;
જેમ ઉલટે, ધણીને લલાટે, શ્વેતબિંદુ લઘુ.
કુંજરની સૂંઢ સરખા, શોભે છે બે ભૂજ;
સરાશન સરખી ભ્રકુટી, નેત્ર બે અંબુજ.
તૃણ માત્ર જે વઢતો નથી, બાણનો જે બાહુ,
અનિરુધ્ધ અસુર એવા શોભે, જેમ ચંદ્રમાને રાહુ.
આવી જોયું વક્ર દ્રષ્ટે, મૂછો મોટી ચક્ષ;
વપુ શોભાવે ભુજ ભાલાને, કેશ રૂપનું છે વૃક્ષ.
આ સમે કોવાડાને, અથવા ભોંગળની ધાર;
અરે ટાળું રિપુ સંસારનો, ઉતારૂં એનો ભાર.
શિવબાણનું બળ છે, માહે સર્પનો સાથ;
કે પેટાળમાં પૂરવજ વસે છે, પીંડ લેવા કાઢે છે હાથ.
કાષ્ટના કે લાખના, એણે ઘડીને ચોડ્યા કર;
અથવા પંખી કોઇ દિસે છે, એણે વંખેર્યો છે પર.
ત્યારે હસવું આવ્યું બાણને, એ શું બોલે છે બાળ;
કૌભાંડ કહે સાંભળો, એ તમને દે છે ગાળ.
બાણાસુર અંતર બળ્યો ને, ચૌદ લોકમાં બળવાન;
શું કરું જો લાંછન લાગે, નીકર વિધિએ દઉં કન્યાદાન.
સુભટ નિકટ રાય આવ્યો, બોલ્યો બહુ ગરવે;
નફટ લંફટ નથી લાજતો, વિંટ્યો હણવા સરવે.
કુળલજામણો કોણ છે, તસ્કરની પેઠે નિરલજ;
અપરાધ આગળથી કેમ ઉગરે, જેમ સિંહ આગળથી અજ.
અમથો આવી ચઢ્યો, કાંઇ કારણ સરખું ભાસે;
સાચું કહે જેમ શીશ રહે તુજ, બાળક રહે વિશ્વાસે;
કોણ કુળમાં અવતર્યો, કોણ માત તાતનું નામ;
અનિરુધ્ધ કહે વિવાહ કર્યો, હવે પૂછ્યાનું શું કામ ?
પિતૃ પિતામહ પ્રસિધ્ધ છે, દ્વારિકા છે ગામ;
છોડી છત્રપતિને વર્યો, હવે ચતુર મન વિચાર.
વૈષ્ણવ કુળમાં અવતર્યો, મારું નામ તે અનિરુધ્ધ;
જો છોડશો તો નક્કી બાંધી, નાખીશ સાગર મધ્ય.
બાણાસુર સામું જોઇને, કૌભાંડ વળતું ભાખે;
ચોરી કરી કન્યા વર્યો તે, કોણ વૈષ્ણવ પાખે ?
પુત્ર જાણી કૃષ્ણનો, પછી બાણ ધસે છે કર;
નિશ્ચે કન્યા વરી, મારું દૈવ બેઠું ઘર.
રીસે ડોકું ધુણાવીને, ધનુષ્ય કરમાં લીધું;
બાણાસુરે યુધ્ધ કરવાને, દળમાં દુંદુભી દીધું.