મહાત્મા ગાંધીજી જેવી વિરાટ પ્રતિભાના જમણા હાથ સમા અંગત મંત્રી બની રહેવાનું જેમને સદભાગ્ય સાંપડ્યું હતું તેવા કર્તવ્યનિષ્ઠ મૂકસેવક મહાદેવભાઈનો જન્મ ૧-૧-૧૮૯૨માં સુરત જિલ્લાના સરસ ગામમાં થયો હતો.અભ્યાસ માં પહેલેથી જ તેજસ્વી હોવાથી બી.એ.એલ.એલ.બી.માં પણ સારો દેખાવ કર્યો. શ્રી દેસાઈએ અમદાવાદમાં વકિલાત શરૂ કરી અને બીજે જ વર્ષે ગાંધીજી સાથેની એક જ મુલાકાતમાં તેમની વિચારસરણીથી પ્રભાવિત થઈ, કારકીર્દિ પડતી મૂકીને આશ્રમમાં જોડાઈ ગયા. ત્યારબાદ તેમનું જીવન ગાંધીજી સાથે જ વહેતું રહ્યું. મહાદેવભાઈનું ભાષાપ્રભુત્વ અને સુંદર હસ્તાક્ષરો જોઈ ગાંધીજીએ કહી દીધુ કે “મહાદેવ ! તમારે હવે બધા કામ મૂકી દઈને મારી જોડે જ રહેવાનું છે.” અને તે આજ્ઞાને શિરોમાન્ય ગણી તેઓ બાપુમય બની ગયા. તેમણે કવિવર ટાગોરના ૨૫ જેટલા સુંદર અનુવાદો આપ્યા છે. તો સામે ગાંધીજીની આત્મકથાને અંગ્રેજીમાં રૂપાંતરિત કરી છે. ‘મહાદેવભાઇની ડાયરી’ના સંપુટો તેમનું યાદગાર પ્રદાન છે. ૫૦ વર્ષની વયે મહાદેવભાઈ દેસાઈ ૧૫-૮-૧૯૪૨ના રોજ ચાલ્યા ગયા, પણ પોતાની અડધી જિંદગીમાં આખી જિંદગીનું કામ કરતાં ગયા. બાપુના ખોળામાં જ ગયા અને બાપુના હાથે જ તેમને અગ્નિદાહ દેવાયો. બાપુએ તેમને અંજલિ આપતા કહ્યું હતું કે “મહાદેવે મારામાં સંપૂર્ણેપણે સમાઈ જવાનું પસંદ કર્યું હતું.”