– સર્વપ્રથમ જોઇએ તો દ્રઢ સંકલ્પ જાગતાં, આરાધનાનો માર્ગ સરળ અને ફળદાયી બને છે.
– નવરાત્રિ દરમિયાન આંતર-બાહ્ય શુદ્ધતા, પવિત્રતા જાળવી બ્રહ્નચર્યનું પાલન કરવું.
– ‘ફળ એ જ આહાર’ નો નિયમ પાળવો. શક્ય હોય તો બીજી વખત ચાવીને કશું ખાવું નહીં. ચા, દૂધ, કોફી, જ્યૂસ વગેરે લઇ શકાય.
– જમીન પર પાથર્યા વિના જ સૂવું.
– અખંડ દીપનું સ્થાપન કરવું. (દીપ દેવતાનું પૂજન કરી શુભ, કલ્યાણ, સુ-આરોગ્ય, ધનસંપિ ત્ત અને હિતરક્ષકોની વૃદ્ધિ થાય તે માટે પ્રાર્થના કરવી.
– માના ઉપાસકો માટેની આચારસંહિતાનું પાલન કરવું જેમ કે:
સ્ત્રીની નિંદા ન કરવી, તેના પર શારીરિક-માનસિક સ્વરૂપે પ્રહાર ન કરવો, તેની સાથે કુટિલતા ન કરવી, તેને અપ્રિય વચન ન કહેવાં કેમ કે સ્ત્રી એ શક્તિ છે. સ્ત્રી એ જગદંબા છે.
– નવ, પાંચ, ત્રણ કે એક બ્રાહ્નણ જે પવિત્ર આચાર-વિચાર પાળવામાં તત્પર હોય, જિતેન્દ્રિય અને વેદાંગના જાણકાર હોય તેમને આમંત્રિત કરી. શાસ્ત્રોકત રીતે ‘વરણ’ કરી યોગ્ય સત્કાર સાથે તેમના દ્વારા જ વેદોકત કે પુરાણોકત વિધિ દ્વારા પણ નવરાત્રિ સ્થાપન, પૂજન-આરાધના થઇ શકે છે.
– મંગલકારી શુભ મુહૂર્તમાં ઘરના દેવાલયમાં કે યોગ્ય અને સાનુકૂળ સ્થળે ધોળી માટી અને છાણ વડે લીંપણ કરી તે જગા પર બાજઠ ઢાળી બાજઠને લાલ કે લીલા રેશમી વસ્ત્રથી (સ્થાપનથી) આચ્છાદિત કરી તેમાં ધાન્ય તરીકે ચોખા (અક્ષત) પધરાવી માની મૂર્તિનું સ્થાપન કરવું.
જો મૂર્તિ ન હોય તો નવાર્ણ મંત્રયુક્ત યંત્ર સ્થાપવું અને પીઠ પૂજા માટે પાંચ પલ્લવથી યુક્ત જળ ભરેલા કળશ-ઘડાનું પૂજન કરી સ્થાપન કરવું. ઘડામાં પૂજન અર્થે કંકુ, ચોખા, ફૂલ, અબીલ, ગુલાલ, સિંદૂર, હળદર, સોપારી, લીલી ધરો અને સવા રૂપિયો પધરાવી અખિલ બ્રહ્નાંડમાં જડ અને ચેતન સર્વ પરિબળો સમિન્વત સમગ્ર વિશ્વ આપણું કલ્યાણ રક્ષણ કરે તે માટે પ્રાર્થના કરવી.
– ધન અને ધાન્યની અભિવૃદ્ધિના ભાવ સાથે તે જ જગ્યાએ પાંચ, સાત કે નવ ધાન્યનું (શક્ય હોય ત્યાં સુધી નવ ધાન્ય જ લેવાં) મિશ્રણ કરી જવારા વાવી તેનું નવ દિન પયઁત જતન કરવું.
– જવારા-કુંભ સહિત માતાજીની મૂર્તિ કે યંત્રની દરરોજ શાસ્ત્રોકત વિધિ અનુસાર અધિકારી આચાર્ય પાસે યથાશક્તિ પૂજા કરવી-કરાવવી. પ્રતિદિન ચંડીપાઠ કરવો-કરાવવો.
– નવરાત્રિ પયઁત વ્રત નિમિત્તે શક્તિ પ્રમાણે પૂજા-પાઠ કરી લીધેલા સઘળા નિયમોને અવશ્ય અનુસરવું. (ભોજન સંબંધી લીધેલ નિયમો અવશ્ય પાળવા.)
– શક્ય હોય તો દરરોજ એક કુમારિકાનું પૂજન કરી દરરોજ એક કુમારિકા વધારતા જઇ નવ દિન પયઁત નવદુગૉના પ્રતીક સમાન નવ કુમારિકાઓને પૂજી પ્રત્યેક કુમારિકાને વસ્ત્ર, અલંકાર, આભૂષણ અર્પણ કરી, દક્ષિણા આપી ભોજનથી તૃપ્ત કરવી-પ્રસન્ન કરવી. શ્રેય પ્રાપ્તિ માટે પ્રાર્થના કરવી.
આ બાબત પણ નવરાત્રિ ઉપાસનામાં અતિ મહત્વની ગણાય છે
– નવરાત્રિ વ્રતમાં દરરોજ ઉપવાસ કરવા અસમર્થ હોય તેઓ આંતરે, આંતરે ત્રણ-ઉપવાસ પણ કરી શકે છે.
– અંતિમ દિવસે જપાત્મક, હોમાત્મક, ‘નવચંડીયજ્ઞ’ અથવા સંક્ષિપ્ત ‘દુગૉહવન’ પણ થઇ શકે છે.
– વ્રતના અંતિમ ચરણમાં માતાજીનું વિધિવત્ ઉત્તરપૂજન-બલિદાન વગેરે કરી થાળ-આરતી સહિત મંત્રપુષ્પાંજલિ, ક્ષમાપના તથા પ્રદક્ષિણા કરી શુભ મુહૂર્તમાં સકલ મંગલકાર્યનું વિસર્જન કરવું. (માતાજીને ઔપચારિક વિદાય આપવી.)
આ પ્રકારના પૂજનથી પરિવારમાં સુખ-શાંતિ, સમૃદ્ધિ, અભ્યુદય અને ઐશ્વર્યની અચૂક પ્રાપ્તિ થાય છે. ભય, શોક, કલેશ, દુ:ખ, દારિદ્ર અને આધિ-વ્યાધિ-ઉપાધિ જેવા સાંસારિક તાપોથી આપણી રક્ષા થાય છે