માનવીના જીવનમાં કોઇ બાબતમાં અતિરેક જોવા મળે એનો અનુભવ થાય ત્યારે એની વિશ્વસનીયતા અંગે શંકા જાગે. એમાં કેટલી સચ્ચાઇ હશે તે સવાલ પણ થાય. જેમાં સહજતા નથી તે દંભ છે.મનુષ્યે હોઇએ તેવા દેખાવું, તે રીતે વ્યક્ત થવું એમાં પ્રામાણિકતા છે, સહજતા છે. પોતે ન હોઇએ તેવા દેખાવા મથામણ કરવી તે દંભ છે. સહજતા પ્રાકૃતિક હોય છે. એના માટે કશા પ્રયત્ન કરવા પડતા નથી. એમાં નીતયાઁ નીર જેવી પારદર્શકતા હોય છે. સહજતા કુદરતી છે. એમાં મનુષ્યત્વનો રંગ અને સુગંધ હોય છે. સહજ ન દેખાવું તે અપ્રાકૃતિક છે. કાગળનાં ફૂલ જેવું. કાગળનાં ફૂલોને બનાવટી રંગ હોય છે અને સુગંધ તો બિલકુલ હોતી નથી. એને વૃક્ષનો પરિચય નથી હોતો. વૃક્ષો ફૂલોનાં જનક હોય છે ને જે જનક છે તે ઈશ્વર છે.
સતી ન હોય તેવી સ્ત્રી વધારે લજજા બતાવતી હોય છે, જે પાણી ખારું હોય છે તે વધારે શીતળ હોય છે, જે વધુ પડતો વિવેક બતાવતો હોય છે તે દંભી હોય છે અને જે વધુ પડતું મીઠું બોલતો હોય છે તે ધૂર્ત હોય છે.
દંભને ઈશ્વર સાથે સંબંધ નથી. પ્લાસ્ટર ઊખડી ગયેલી દિવાલને રંગરોગાન કરવાથી એની જીર્ણ હાલતને છુપાવી શકાતી નથી અથવા સૌંદર્ય પ્રસાધનોથી ચહેરાની કુરૂપતા છાની રહેતી નથી. વધુ પડતી લજજાશીલ હોવાનો ડોળ કરતી ચારિત્રયહીન સ્ત્રી પોતાની ઉણપ ઢાંકી શકતી નથી.
કેટલાક માણસો ગમે ત્યારે, ગમે તેની સામે હાથ જોડી નમ્રતા દેખાડવાના દેખાવ કરતા હોય છે. હાથ જોડવા-ઝૂકી જવું એની સાથે પ્રેમ અને આદર જોડાયેલા હોય છે, જે યંત્રવત્ હાથ જોડવામાં કે ઝૂકી જવામાં ક્યાંય દેખાતા નથી. કાગળનાં ફૂલ જેવા એમના વિવેકમાં મનુષ્યત્વની સુવાસ પ્રગટી શકતી નથી.
ધૂર્ત અને શઠ અન્યને છેતરવાના પ્રયાસમાં નમ્ર હોવાનું મહોરું પહેરી એ પોતે પોતાની જાતને સૌથી વિશેષ છેતરે છે. પોતાની જાતને છેતરવી એટલે પોતાના આત્માને છેતરવો. આત્માને છેતરવો એટલે પરમાત્માને પણ છેતરવો. આત્મા સો પરમાત્મા. જે પોતાની જાતને છેતરે છે તે પોતાનામાં પણ શ્રદ્ધા ધરાવતો નથી ને જેને પોતાનામાં શ્રદ્ધા નથી – વિશ્વાસ નથી એને આત્મા સાથે- ઈશ્વર સાથે શું સંબંધ? એ સૌથી મોટો નાિસ્તક છે.
હાથ જોડાય કે ન જોડાય, માથું ઝૂકે કે ન ઝૂકે, તો પણ માણસ નમ્રતા પ્રગટ કરી શકે છે, સાચા હૃદયથી. મૌન રહીને પણ એ આદર અને પ્રેમ પ્રગટ કરી શકે છે. ચોખ્ખું હૃદય માણસના ચહેરાનું બિંબ આત્માના સરોવરમાં ડહોળાઇ જવા દેતું નથી. હૃદયની નિર્મળતા સત્યની ધાર તીક્ષ્ણ બનાવે છે. માણસમાં દંભ પ્રગટવાની શક્યતાઓને ભૂંસી નાખે છે. માણસને સો ટચના શુદ્ધ સોના જેવો બનાવે છે અને સોનાને કદી કાટ લાગતો નથી.