ઓખા પોતાના સ્વપ્નનું વર્ણન કરે છે
ઓખાહરણ-કડવું-૩૭ (રાગ-સાખી)
સોરઠ દેશ સોહામણો, મુજને જોયાના કોડ;
રત્નાગર ગોમતી ત્યાં રાજ કરે રણછોડ.
સોરઠ દેશ સોહામણો, ન ચડ્યો ગઢ ગિરનાર;
ન ન્હાયો ગંગા ગોમતી, તેનો એળે ગયો અવતાર.
સોરઠ દેશ સોહામણો, ઢેલ ગેલ કરંત;
ગંગોદક ભરી કંચૂકી, રાય હરિચરણે ધરંત.
સોરઠ સુઘડ માનવી, રાજ નિત નિત કરે વહેવાર;
એક નગર રહે માનવી, તેને ઊભા ઊભા જુહાર રે.
(રાગ:હુલારી)
આજે રે, સ્વપ્નમાં દીઠી ગોમતીની તીર રે,
આજ સ્વપ્નામાં દીઠા હળધરજીના વીર રે;
આજ સ્વપ્નામાં દીઠા સુંદર ભરથાર રે,
તેમાં અડધાં ઊંઘ્યાં ને અડધાં જાગતાં રે.