ઉમિયાજીએ પુત્રી આપી – આકાશવાણી થઈ
ઓખાહરણ-કડવું-૧૫ (રાગ-ઢાળ)
ઉમિયા વાણી બોલિયાં, તું સુણ બાણાસુર રાય;
તારા મનમાં જો ગમે તને, આપું એક કન્યાય.
ત્યારે બાણાસુર કહે, પુત્રી મારે કોટીક પુત્ર સમાન;
મુજને ટાળે વાંઝિયો, આપો એ વરદાન.
કોઇક દેશનો રાજા જોઇશ, રાખશે મારું નામ;
પોષ માસથી પૂરણ માસે, પુરણ થશે કામ.
વર પામી બળીઓ બાણાસુર, શોણિતપુરમાં જાય;
બાણામતીને ગર્ભ રહ્યો છે, તેનો કહું મહિમાય.
પોષ માસથી પુરણ માસે, પ્રગટ થઈ કન્યાય;
વધામણિયા પરવરિયા, રાજસભામાં જાય.
શાણા જોશી તેડિયા, તેની જન્મપત્રિકા થાય;
વિદ્યાબળે કરી ગુરુજી બોલ્યા, પોતે તેણીવાર.
પહેલી ઉમિયાજીના અંગથી, પ્રગટી છે કન્યાય;
તેને નામે રાશી જોઇને, નામ ધરો ઓખાય.
ગ્રહ વેળા શુભ લગ્નમાં, સંતાન પ્રગટી છે સાર;
એથી તારા હાથનો, વેગે ઉતરશે ભાર.
ત્યારે આકાશવાણી એવી થઈ, તું સાંભળને ભુપ નિરધાર;
એ પુત્રી ઇચ્છાવર વરશે, કો કારણ રૂપકુમાર.
જ્યારે પુત્રી પરણશે, વરતશે હાહાકાર;
ભાર ઉતારશે તુજ હાથનો, તુજ જામાત્ર તે વાર. )
તે માટે તેડી પ્રધાન, એણીપેર પુછે છે રાજન;
દેવ વચન મિથ્યા નવ થાય, તે માટે કરવો શો ઉપાય ?
રચો માળિયા સુંદર સાર, તે માટે કરો ઉપાય;
ઓખા અને ચિત્રલેખાને, મેલો મંદિર માળિયા માંય રે.