બાણાસુરને ચાંડાલણીએ વાંઝિયાપણાનું ભાન કરાવ્યુ
ઓખાહરણ-કડવું-૧૨ (રાગ-સામગ્રીની ચાલ)
રાય બાણાસુરને બારણે, વાળવા આવી રે ચંડાળણી;
નિત્ય પડી રજ વાળીને કર્યું ઝાકઝમાળ. બાણાસુરને બારણે.
રાય મેડિયેથી હેઠો ઉતર્યો, થયો પ્રાતઃકાળ;
મુખ આગળ આડી ધરી સાવરણી તે સાર. બાણાસુરને બારણે.
રાય બાણાસુર વળતી વદે, મનમાં પામી દુઃખ;
મુજને દેખીને કેમ ફેરવ્યું, અલી તારું રે મુખ. બાણાસુરને બારણે.
ત્યાં ચંડાળણી વળતી વદે, સાંભળીયે રાય;
તમો ઊંચ અમો નીચ છું, મુખ કેમ દેખાડાય. બાણાસુરને બારણે.
ત્યારે બાણાસુર વળતી વદે, સાંભળ રે ચંડાળણી;
સાચું રે બોલને કામની, કરું બે કકડાય. બાણાસુરને બારણે.
ત્યારે ચંડાળણી; વળતી વદે, સાંભળો રાજન;
સાચું બોલું જેવો ઘટે, તેવો દેજો દંડ. બાણાસુરને બારણે.
પ્રાતઃકાળે જોઇએ નહિ, વાંઝિયાનું વદન;
તમારે કાંઇ છોરું નથી, સાંભળો હો રાજન. બાણાસુરને બારણે.