શ્રી ગણેશજીની પ્રાર્થના ( રાગ:આશાવરી)
એક નામ મુજને સાંભર્યું, શ્રી ગૌરીપુત્ર ગણેશ;
પાર્વતીના અંગથી ઊપજયો, તાત તણો ઉપદેશ.
માતા જેની પાર્વતી ને, પિતા શંકર દેવ;
નવખંડમાં જેની સ્થાપના, કરે જુગ ભુતળ સેવ.
સિંદુરે શણગાર સજ્યા, ને કંઠે પુષ્પના હાર;
આયુધ ફરસી કર ધરીને, હણ્યા અસુર અપાર.
પહેલા કરમાં જળકમંડળ, બીજે મોદિક આહાર;
ત્રીજા કરમાં ફરસી સોહીએ, ચોથે રે જપમાળ રે..
ચાલો સહિયરો દેરે જઈએ, પૂજીએ ગણપતિરાય;
મોટા લીજે મોદક લાડુ, લાગીએ શંભુસુતને પાય.
એવા દેવ સાચા મુનિવાચા, પૂરે મનની આશા;
બેઉ કર જોડી કહે જન વૈષ્ણવ, દાસ તણો જે દાસ.
શ્રી અંબાજીની પ્રાર્થના
ઓખાહરણ-કડવું-૧
આદ્યશક્તિ મા અંબા પ્રગટ્યાં, જ્યાં પવન નહિ પાણી;
સુરીનર મુનિજન સર્વ કળાણા, તું કોણે ન કળાણી.
તારું વર્ણન કઈ પેરે કરીએ, જો મુખ રસના એક;
સહસ્ત્રફેણા શેષનાગને, મા ! તોયે ના પામ્યો ભેદ.
જુજલાં રૂપ ધારે જુગદંબા, રહી નવખંડે વ્યાપી;
મહા મોટા જડમૂઢ હતા મા, તેમની દુરમત કાપી.
ભક્તિભાવ કરી ચરણે લાગું, મા આદ્યશક્તિ જાણી;
અમને સહાય કરવા તું સમરથ, નગરકોટની રાણી.