ધોરાજી શહેર, ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલા રાજકોટ જિલ્લાનાં એક મહત્વનાં તાલુકા ધોરાજીનું મુખ્ય મથક છે. ધોરાજી રાજકોટ – પોરબંદર રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. ૮ બ ઉપર રાજકોટથી ૮૭ કી મી દૂર આવેલું છે અને શિક્ષણ માટે જાણીતું કેન્દ્ર પણ છે. ધોરાજીનું ભૌગોલીક સ્થાન અક્ષાંશ ર૧.૪૦ થી ૭૦.ર૦ રેખાંશ છે. ધોરાજી તાલુકામાં ૩૦ જેટલાં ગામો આવેલાં છે. તાલુકાની મુખ્ય નદીમાં ભાદરનો સમાવેશ થાય છે. તાલુકાનો સરેરાશ વરસાદ રપ થી ૩પ ઈંચ જેટલો છે. ધોરાજીમાં ખ્વાજા મોકુમદ્દિન સૈરાનીની દરગાહથી ઓળખાતું પ્રખ્યાત ધાર્મિક સ્થળ આવેલું છે જ્યાં દર વર્ષે સૌરાષ્ટ્રમાં પ્રસિદ્ધ ઊર્ષનો મેળો ભરાય છે.