કલોલ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ગાંધીનગર જિલ્લાના મહત્વના તાલુકા કલોલ તાલુકાનું નગર છે જે આ તાલુકાનું મુખ્ય મથક પણ છે.
ભારતની ૨૦૧૧ની વસ્તી ગણતરી અનુસાર કલોલની વસ્તી ૨,૦૭,૬૯૩ છે. ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ પુરુષ સાક્ષરતા દર ૬૬.૭૧% જ્યારે સ્ત્રી સાક્ષરતા દર ૪૨.૯૨% છે. કલોલમાં, 13% વસ્તી 6 વર્ષથી ઓછી વયની છે. ૨૦૦૧ની વસ્તી ગણતરીમાં પુરુષોની વસતી ૫૪ ટકા અને સ્ત્રીઓ ૪૬ ટકા હતી. કલોલનો સરેરાશ સાક્ષરતા દર ૬૮% હતો જે રાષ્ટ્રીય સરેરાશ ૫૯.૫% કરતાં વધારે છે.
કલોલ મુખ્ય રેલવે લાઈન પર આવેલું છે કે જે અમદાવાદને જયપુર, મારવાડ જંક્શન, આબુ રોડ, દિલ્હી અને અન્ય ઉત્તર ભારતીય રાજ્યો સાથે જોડે છે. ગુજરાતના તમામ મોટા શહેરોને સાંકળતી ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC)ની બસો અહીંથી ઉપલબ્ધ છે. કલોલની નજીકનું એરપોર્ટ અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે જે ૩૫ કિમી દૂર છે. આબુ-અંબાજી ને અમદાવાદ સાથે જોડતો હાઇવે પણ કલોલ શહેરમાંથી પસાર થાય છે. પ્રખ્યાત અડાલજની વાવ કલોલથી અમદાવાદ જતાં માર્ગ પર ૧૮ કિમી દૂર આવેલી છે.
કલોલ શહેરનાં મુખ્ય વિસ્તારોમાં ટાવર ચોક, પાંચહાટડી બજાર, ઘાંચીવાડ, મટવાકુવા, આયોજન નગર, પુર્વ વિસ્તાર, પંચવટી વિસ્તાર વિગેરે મુખ્ય વિસ્તારોનો સમાવેશ થાય છે.