પ્રાંતિજ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર પૂર્વ ભાગમાં આવેલા સાબરકાંઠા જિલ્લાનો મહત્વનો તાલુકો છે. પ્રાંતિજ નગરમાં આ તાલુકાનું મુખ્ય મથક આવેલું છે.
પ્રાંતિજ ખાતે મારકન્ડેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિર ખાતે દર વર્ષે ગોકુળ અષ્ટમીના દિવસે મેળો ભરાય છે. આ ઉપરાંત અહીં અન્ય પવિત્ર સ્થળો સ્વામીનારાયણ મંદિર, વૈષ્ણવ સંપ્રદાયનું શેઠજીનું મંદિર, હરિહરેશ્વર મહાદેવ, જબેશ્વર મહાદેવ, બ્રહ્માણી માતા, જુમ્મા મસ્જીદ તેમ જ નગીના મસ્જીદ પણ આવેલાં છે.
પ્રાંતિજ તાલુકાના ઘડી ગામથી આશરે એકાદ કિ.મી. જેટલા અંતરે કાલી માતાનું મંદિર આવેલું છે. અહીયાં આસો સુદ સાતમ તેમ જ આઠમના દિવસો દરમિયાન ભવ્ય મેળો પણ ભરાય છે.
પ્રાંતિજ તાલુકામાં એક (૧) ઔદ્યોગિક તાલિમ સંસ્થા, ચાર (૪) પી. ટી. સી. કોલેજો, ત્રણ (૩) બી. એડ. કોલેજો, ચોંત્રીસ (૩૪) માધ્યમિક શાળાઓ તથા એકસો તેર (૧૧૩) પ્રાથમિક શાળાઓ આવેલી છે. આ ઉપરાંત દરેક ગામમાં નાનાં ભુલકાંઓ માટેની આંગણવાડી પણ આવેલી છે.
પ્રાંતિજ તાલુકાની મુખ્ય નદીઓ હાથમતી નદી, સાબરમતી નદી અને ખારી નદી છે.
પ્રાંતિજ તાલુકામાં પ્રાંતિજ અને સલાલ ખાતે પાવર સ્ટેશન આવેલાં છે