આજના સ્પર્ધાત્મક યુગમાં બાળકોનો અભ્યાસ એ મહત્વનો વિષય બની ગયો છે. મધ્યમ વર્ગ કે અશિક્ષિત વર્ગ પણ બાળકોના અભ્યાસ પાછળ સમય, શક્તિ તથા નાણા ખર્ચતો જોવા મળે છે. દરેક વાલી ઈચ્છે છે કે break#પોતાનું બાળક અભ્યાસમાં અદકેરૂ સ્થાન પ્રાપ્ત કરે. હાલના સમયમાં અભ્યાસમાં અનેકાનેક નવી લાઈન ખૂલી છે. ઈન્ફર્મેશન ટેક્નોલોજીથી લઈ એરોનોટિકલ સાયન્સ સુધી અભ્યાસની બોલબાલા છે. કોઈપણ વિધાર્થીને અભ્યાસમાં પાછળ રહેવું પાલવે તેમ નથી.
સારા અભ્યાસ માટે એકાગ્રતા, વાંચન તથા સારી યાદશક્તિની જરૂર પડે છે. આ બાબત ત્યારે જ શક્ય બને કે જયારે બાળકને હકારાત્મક ઉર્જાના ક્ષેત્રમાં વાંચન માટે સારો એવો સમય ફાળવવામાં આવે.
આદર્શ રીતે જોઈએ તો વાસ્તુમાં બાળકો માટે અભ્યાસરૂમ અલગ હોવો જોઈએ. અભ્યાસ રૂમની સાથે સાથે નાની એવી લાઈબ્રેરીનું આયોજન પણ કરી શકાય. અભ્યાસ રૂમમાં બને ત્યાં સુધી સુવાની વ્યવસ્થા ન ગોઠવવી જોઈએ. જો સુવાની વ્યવસ્થા ગોઠવવી જ હોય તો બાળકોએ ત્યાં સુવુ જોઈએ. હાલના સંકડામણના યુગમાં દરેક જગ્યાએ બાળકનો અલગ અભ્યાસરૂમ આપવો શક્ય પણ નથી હોતો.
અભ્યાસખંડનું નિર્માણ ઉત્તર કે પૂર્વ દિશામાં કરવામાં આવે તો શ્રેષ્ઠ પરિણામ આપનાર છે. પશ્ચિમે અભ્યાસખંડ મધ્યમ પરિણામ આપનાર છે. દક્ષિણ કે નૈઋત્ય દિશામાં કદાપિ અભ્યાસખંડ ન બનાવવો જોઈએ. અભ્યાસખંડની રચના એવી રીતે કરવી જોઈએ કે બાળકને ઉત્તર તથા પૂર્વમાંથી હવા-ઉજાસ પ્રાપ્ત થાય. વહેલી સવારના સૂર્યના કિરણો આ રૂમમાં પ્રવેશ કરે તો ઉત્તમ ગણાય. આ પ્રકારના રૂમમાં અભ્યાસ કરનારની યાદશક્તિમાં નોંધનીય વધારો થાય છે.
અભ્યાસખંડમાં ઉત્તર તથા પૂર્વમાં બારીઓ રાખવી જોઈએ, આ ઉપરાંત વેન્ટીલેશનનો ઉપયોગ પણ કરી શકાય. મેજ-ખુરશી એ રીતે ગોઠવવા કે જેથી બાળક ઉત્તર કે પૂર્વ તરફ મુખ રાખી અભ્યાસ કરી શકે.
વાંચન ટેબલ પર સારા મટીરિઅલમાંથી બનેલ પિરામિડ ગોઠવી શકાય, જેથી એકાગ્રતામાં વૃદ્ધિ થાય છે. આ ઉપરાંત અભ્યાસખંડમાં વૈજ્ઞાનિકના ફોટોગ્રાફ, સરસ્વતિમાનું ચિત્ર કે વિવેકાનંદજીનું ચિત્ર ગોઠવી શકાય જેથી બાળકને વાંચનની પ્રેરણા પ્રાપ્ત થાય. આ ઉપરાંત દિવાલ પર સુંદર સુવિચાર લગાવી શકાય.
અભ્યાસમાં ઉપયોગમાં આવતા કમ્પ્યુટર, કેલ્કયુલેટર વગેરે સાધનોને અગ્નિકોણમાં ગોઠવી શકાય. અભ્યાસખંડમાં નાની લાઈબ્રેરી જેવું કે બુકવોર્ડ ઉત્તર કે પૂર્વ દિશામાં ગોઠવી શકાય. શકય હોય ત્યાં સુધી અભ્યાસખંડમાં ટીવી, વીસીઆર, ટેપ કે વીડીયો ગેમ્સ વગેરે ન રાખવા જોઈએ, આ બધી બાબતો અભ્યાસ વખતે એકાગ્રતાનો ભંગ કરનારી બને છે. અભ્યાસખંડના ઈશાન કોણમાં એક માટલામાં સ્વચ્છ પાણી ભરી રાખવું જોઈએ. આ માટલામાં પાણી ખાલી ન થવા દેવું તથા વિધાર્થીએ આ માટલામાંથી જ પાણી પીવાનો આગ્રહ રાખવો જોઈએ. અભ્યાસખંડના ઈશાન કોણમાં બિલીના મૂળ બાંધી રાખવાથી વિધાર્થીને અભ્યાસમાં લાભ પ્રાપ્ત થાય છે. વિધાર્થીએ સવારે અભ્યાસ કરવા બેસતા પહેલા નાની એવી પ્રાર્થના હ્રદય-પૂર્વક બોલવી જોઈએ જેથી વાતાવરણમાંથી હકારાત્મક ઉર્જા પ્રાપ્ત કરી શકાય.