ગીતા મહાગ્રંથ છે..મહા કાવ્ય છે. વિશ્વનો સૌપ્રથમ મહાગ્રંથ. ભગવાન શ્રીકૃષ્ણએ મહાભારતના યુદ્ધમાં રણમેદાન પર આ ઉપદેશ અર્જુનને આપ્યો હતો.
આપણા દરેક ધર્મગ્રંથમાં જે તે ગ્રંથનો મહિમા ગાવામાં આવ્યો છે. મહર્ષિ વ્યાસ રચિત ભગવદ્ ગીતા પણ એમાં અપવાદ નથી. ગીતાનો પાઠ કરવા-કરાવવાથી શું ફાયદા થાય અને એનું શું મહત્વ છે એ ભગવદ ગીતાની શરૂઆતમાં વર્ણવવામાં આવ્યું છે. ભગવાન કૃષ્ણે કુરુક્ષેત્રના યુદ્ધમેદાનમાં અર્જુનને આ શ્લોકો ન કહ્યા હોય એ સ્વાભાવિક છે. કદાચ કાળક્રમે ગીતાની મહત્તા બતાવવા પંડીતોએ આ શ્લોકોને જોડ્યા હોય એમ પણ બને. તો ચાલો આપણે ભગવદ્ ગીતાના આરંભમાં રજૂ થયેલ મહાત્મ્ય અને ધ્યાનના શ્લોકોને જોઈએ.
અધ્યાય પહેલો : અર્જુનવિષાદયોગ
મહાભારતના યુદ્ધમેદાનમાં પાંડવો અને કૌરવોની સેના યુદ્ધ માટે એકઠી થઇ ત્યારે અર્જુને એના પરમ મિત્ર અને સારથી એવા ભગવાન કૃષ્ણને પોતાનો રથ સેનાની મધ્યમાં લેવા જણાવ્યું જેથી તે જોઇ શકે કે શત્રુ પક્ષમાં કોણ કોણ લડવા માટે એકત્ર થયા છે. જ્યારે અર્જુને પોતાના અતિપ્રિય પિતામહ ભીષ્મ, આચાર્ય દ્રોણ અને કૃપાચાર્ય તથા નિકટના સગા સંબધીઓને નિહાળ્યા ત્યારે એનું હૈયું હાલી ઉઠ્યું. એને થયું કે આ બધાને હણીને રાજ્ય મેળવવું એના કરતાં તો નહી લડવું સારું. આમ કહી પોતાના ગાંડિવનો પરિત્યાગ કરી શોકાતુર બની અર્જુન રથમાં બેસી ગયો.
ભગવાન કૃષ્ણે એ સમયે અર્જુનને જે સંદેશ સુણાવ્યો તે ભગવદ્ ગીતાના નામે સુપ્રસિદ્ધ થયો. ગીતાના પ્રથમ અધ્યાયનું શિર્ષક આથી યોગ્ય રીતે જ અર્જુનવિષાદયોગ આપવામાં આવ્યું છે.
અધ્યાય બીજો : સાંખ્ય યોગ
સગા સંબધી અને ગુરૂજનોના લોહીથી ખરડાયેલા રાજ્ય ભોગવવાની અનિચ્છાએ શોકાતુર હૃદયવાળો અર્જુન ગાંડિવને પરિત્યાગીને રથમાં બેસી ગયો, તે સમયે ભગવાન કૃષ્ણ અર્જુનના રથના માત્ર સારથિ ન રહેતા તેના માર્ગદર્શક બન્યા.
ભગવાન કૃષ્ણે કહ્યું કે તું જેના હણવાના શોકથી ચિંતાતુર છે, તે સર્વે તો મારા વડે ક્યારનાય હણાઇ ચુક્યા છે. આત્મા તો અમર છે, એનો કદી નાશ થતો નથી. જેવી રીતે લોકો જૂના વસ્ત્રોને ત્યાગીને નવા વસ્ત્રો પરિધાન કરે તેવી જ રીતે આત્મા એક દેહમાંથી બીજા દેહમાં જાય છે. શરીરનો નાશ થાય છે પરંતુ આત્માનો નાશ થતો નથી. નાશવંત એવા દેહ માટે શોક કરવો વૃથા છે. વળી ક્ષત્રિયો માટે યુદ્ધ એ તો ધર્મ છે. જો તું યુદ્ધનો ત્યાગ કરશે તો તારા ધર્મને ચુકશે અને લોકો તારી હાંસી ઉડાવશે, તને અપયશ જ મળશે. યુદ્ધ ન કરવાના અપયશ કરતાં તો યુદ્ધમાં મોત મળે તે સારું.
ભગવાને બીજા અધ્યાયમાં જેમની બુદ્ધિ સ્થિર થયેલી છે અને જેઓ સમાધિ દશાને પામી ચુક્યા છે એવા સ્થિતપ્રજ્ઞના લક્ષણો પણ કહી બતાવ્યા. સ્થિતપ્રજ્ઞ વિશેના એ શ્લોકો ભારતીય સંસ્કૃતિની દ્રષ્ટિએ આદર્શ માનવના શકવર્તી માપદંડ તરીકે ગણી શકાય. દાર્શનિકો અને ચિંતકોને એ અનંત કાળથી પ્રેરણાની અવનવીન સામગ્રી ધરી રહ્યા છે.
અધ્યાય ત્રીજો : કર્મ યોગ
ગીતાના બીજા અધ્યાયમાં ભગવાને સ્થિતપ્રજ્ઞના લક્ષણો અને જ્ઞાનનો મહિમા ગાયો એથી અર્જુનને સહજ શંકા થઇ કે જો કર્મ કરતાં જ્ઞાન ઉત્તમ હોય તો પછી યુદ્ધકર્મમાં પ્રવૃત થવાની શી જરૂર ?
ભગવાને એના ઉત્તરમાં કર્મયોગનો મહિમા ગાયો. ભગવાન કૃષ્ણે કહ્યું કે કર્મ કર્યા વિના કોઇ માનવ ક્ષણવાર પણ રહી શકતો નથી. વળી ઉત્તમ લોકો જે કરે છે તે જોઇને બીજા એનું અનુસરણ કરે છે. એથી જ અર્જુને પોતાના સ્વધર્મનું આચરણ કરવું જોઇએ અને યુદ્ધ કર્મમાં પ્રવૃત થવું જોઇએ.
અર્જુને પૂછેલ એક અન્ય પ્રશ્નના જવાબમાં ભગવાન કૃષ્ણ પાપના કારણોની ચર્ચા કરે છે. ઇચ્છા, તૃષ્ણા અને વાસના – એ ત્રણે માનવને પાપકર્મ કરવા પ્રેરે છે. પરંતુ મન, બુદ્ધિ અને ઇન્દ્રિયથી શ્રેષ્ઠ એવી આત્મશક્તિની મદદથી કામરૂપી શત્રુનો નાશ શક્ય છે એમ ભગવાન જણાવે છે.
અધ્યાય ચોથો : કર્મબ્રહ્માર્પણ યોગ
ભગવાન ચોથા અધ્યાયમાં રહસ્યોદધાટન કરતાં કહે છે કે પરાપૂર્વથી આ જ્ઞાન ચાલ્યું આવે છે. મેં (ભગવાને) વિવસ્વાનને, વિવસ્વાને મનુને અને મનુએ ઇક્ષ્વાકુને આ જ્ઞાન આપ્યું હતું. આ સાંભળી અર્જુનને વળી શંકા થઇ કે વિવસ્વાન તો ઘણાં સમય પૂર્વે થઇ ગયા અને ભગવાન તો હજુ શરીરધારી તેની સામે ઉભેલા છે. આવું કેવી રીતે શક્ય બને ?
આ પ્રશ્નના જવાબમાં ભગવાન પોતાના અવતારોનું રહસ્યોદઘાટન કરે છે. ભગવાન કહે છે કે હે અર્જુન, મારા અને તારા અનેક જન્મો જઇ ચુક્યા છે. ફરક એટલો જ છે કે મને તે બધા યાદ છે જ્યારે તને તેની વિસ્મૃતિ થઇ છે. જ્યારે જ્યારે ધર્મનો નાશ થઇ જાય છે ત્યારે ધર્મની સંસ્થાપના માટે હું પ્રગટ થાઉં છું. હું દુષ્ટોનો સંહાર કરું છે અને મારા ભક્તોનું રક્ષણ અને પાલન કરું છે.
ભગવાન કર્મ અને અકર્મ વિશે પ્રકાશ પાડતાં જણાવે છે કે ફળની તૃષ્ણા ત્યાગીને થયેલ કર્મો બાંધતા નથી, એ કર્મ કરનાર, એ કર્મ કરવા છતાં એનો કર્તા થતો નથી. ભગવાન જુદી જુદી જાતના યજ્ઞ વિશે પણ પ્રકાશ પાડે છે અને જણાવે છે કે દ્રવ્ય વડે થતાં યજ્ઞો કરતાં જ્ઞાનયજ્ઞ શ્રેષ્ઠ છે.
અધ્યાય ચોથો : કર્મબ્રહ્માર્પણ યોગ
ભગવાન ચોથા અધ્યાયમાં રહસ્યોદધાટન કરતાં કહે છે કે પરાપૂર્વથી આ જ્ઞાન ચાલ્યું આવે છે. મેં (ભગવાને) વિવસ્વાનને, વિવસ્વાને મનુને અને મનુએ ઇક્ષ્વાકુને આ જ્ઞાન આપ્યું હતું. આ સાંભળી અર્જુનને વળી શંકા થઇ કે વિવસ્વાન તો ઘણાં સમય પૂર્વે થઇ ગયા અને ભગવાન તો હજુ શરીરધારી તેની સામે ઉભેલા છે. આવું કેવી રીતે શક્ય બને ?
આ પ્રશ્નના જવાબમાં ભગવાન પોતાના અવતારોનું રહસ્યોદઘાટન કરે છે. ભગવાન કહે છે કે હે અર્જુન, મારા અને તારા અનેક જન્મો જઇ ચુક્યા છે. ફરક એટલો જ છે કે મને તે બધા યાદ છે જ્યારે તને તેની વિસ્મૃતિ થઇ છે. જ્યારે જ્યારે ધર્મનો નાશ થઇ જાય છે ત્યારે ધર્મની સંસ્થાપના માટે હું પ્રગટ થાઉં છું. હું દુષ્ટોનો સંહાર કરું છે અને મારા ભક્તોનું રક્ષણ અને પાલન કરું છે.
ભગવાન કર્મ અને અકર્મ વિશે પ્રકાશ પાડતાં જણાવે છે કે ફળની તૃષ્ણા ત્યાગીને થયેલ કર્મો બાંધતા નથી, એ કર્મ કરનાર, એ કર્મ કરવા છતાં એનો કર્તા થતો નથી. ભગવાન જુદી જુદી જાતના યજ્ઞ વિશે પણ પ્રકાશ પાડે છે અને જણાવે છે કે દ્રવ્ય વડે થતાં યજ્ઞો કરતાં જ્ઞાનયજ્ઞ શ્રેષ્ઠ છે.
અધ્યાય પાંચમો : કર્મસંન્યાસ યોગ
ગીતાના ચોથા અધ્યાયમાં કર્મત્યાગના મહિમાને સાંભળી અર્જુનના મનમાં નવી શંકાનો ઉદય થાય છે કે જો કર્મ કરતાં કર્મનો ત્યાગ ઉત્તમ હોય તો પછી ભગવાન કર્મમાં પ્રવૃત થવાની વાત શા માટે કરે છે ?
આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાન કર્મ કેવી રીતે કરવા તે વિશેનું માર્ગદર્શન આપે છે. ભગવાન કહે છે કે કર્મ તો કરવું પરંતુ કર્મફળની આશાથી રહિત થઇને કરવું. એમ કરવાથી કર્મ માનવને બાંધશે નહી. જ્ઞાનીઓ ફળની ઇચ્છા છોડીને કર્મ કરે છે જ્યારે અજ્ઞાની લોકો ફળમાં જ બદ્ધ બની જાય છે.
ભગવાન એક બીજી અગત્યની વાત જણાવે છે કે સ્પર્શજન્ય બધા ભોગો અંતે દુઃખ આપતા હોવાથી જ્ઞાનીએ એમાં ફસાવુ નહીં. જે માનવ દેહત્યાગ પહેલાં કામ ક્રોધના વેગોને સહન કરી તેની ઉપર વિજય મેળવે છે તે સુખી થાય છે અને મુક્તિને મેળવે છે. ભગવાને એ રીતે સંયમના મહિમાને ગાયો છે.
અધ્યાય છઠ્ઠો : આત્મસંયમ યોગ
ભગવાન કહે છે કે જે ફળની આશાને છોડીને કર્મ કરે છે તે જ ખરો સંન્યાસી છે અને તે જ ખરો યોગી પણ. આવા યોગીને મન પત્થર કે સોનું – બધું જ સરખું હોય છે.
આત્મસંયમયોગમાં સાધકોને ધ્યાનની ચોક્કસ સમજ આપવામાં આવી છે. સાધકે કેવા સ્થાનમાં, કેવા આસન પર, કેવી રીતે બેસવું તથા કેવી પ્રક્રિયાનો આધાર લેવો જોઇએ કે જેથી મન પર કાબુ પ્રસ્થાપી શકાય એ વિશેની વિશદ છણાવટ કરવામાં આવી છે. આત્મસંયમયોગના સાધક માટે અતિ ઉજાગરા કે અતિ આહાર વર્જ્ય છે. ગીતા મધ્યમ માર્ગનું પ્રતિપાદન કરે છે.
મનના સંયમની વાતને અર્જુને યોગ્ય રીતે જ દુષ્કર બતાવી જણાવ્યું કે મન તો વાયુ જેવું અતિ ચંચલ અને બલવાન છે. તેનો કાબૂ કરવો અતિ કઠિન છે. એના પ્રત્યુત્તરમાં ભગવાને જણાવ્યું કે પ્રયત્ન અને વૈરાગ્ય – એ બે સાધનની મદદથી મન પર વિજય પ્રાપ્ત કરી શકાય છે.
યોગમાર્ગની અધૂરી સાધનાવાળા સાધકની શી દશા થાય છે એવા અર્જુનના પ્રશ્નના અનુસંધાનમાં ભગવાન જણાવે છે આવો સાધક ફરી પુણ્યવાન ઘરોમાં જન્મીને પોતાની અધૂરી રહેલી સાધનાને આગળ ધપાવે છે. કરેલી સાધના કદીપણ નકામી જતી નથી.
અધ્યાય સાતમો : જ્ઞાનવિજ્ઞાન યોગ
ભગવાન કહે છે કે સૃષ્ટિના અસંખ્ય માનવોમાં કોઇક જ અધ્યાત્મમાર્ગે ચાલવાનો પ્રયાસ કરે છે. આવા પ્રયત્ન કરનાર હજારોમાંથી કોઇ એકાદ જ મારી પાસે પહોંચીને મને પામે છે.
પોતાના સ્વરૂપનું વર્ણન કરતાં ભગવાન કહે છે કે જેવી રીતે મણકા દોરામાં પરોવાયેલા છે તેવી જ રીતે સૃષ્ટિના સર્વ જીવ મારા થકી અસ્તિત્વ ધરાવે છે. મારા લીધે જ સત્વ, રજ અને તમ એવા ભાવોની સૃષ્ટિનું સર્જન થાય છે. માયા પણ મારું જ સ્વરુપ છે અને મારી કૃપા વિના તેને તરવાનું કામ દુષ્કર છે.
ભગવાન કહે છે કે ચાર જાતના માનવી મને ભજે છે – દુઃખી, જ્ઞાનની ઇચ્છાવાળા, સંસારી કામનાથી ભરેલા તથા માત્ર મને જ મેળવવાની કામનાવાળા જ્ઞાનીપુરુષો. આ સર્વેમાં જ્ઞાની ભક્ત શ્રેષ્ઠ છે. ભગવાન કહે છે કે મારું સ્વરૂપ સંપૂર્ણ રીતે ઓળખાય એમ નથી પણ મારા કૃપાપાત્ર ભક્ત મને આંશિક રીતે જાણી શકે છે.
અધ્યાય આઠમો : અક્ષરબ્રહ્મ યોગ
ગીતાના આ અધ્યાયમાં ભગવાન કૃષ્ણ ઇશ્વરના સર્વવ્યાપક સ્વરૂપની વાત કરે છે. તેઓ જગસર્જન અને નાશને ઇશ્વરના કર્મ તરીકે બતાવે છે. ભગવાન કહે છે કે ચાર જાતના યુગ ભેગા મળે, એ રીતે જો હજારો યુગ ભેગા મળે તો ઇશ્વરનો એક દિવસ થાય છે. દિવસે જીવો જન્મ પામે છે અને રાત્રે વિનાશ પામે છે. પરંતુ ઇશ્વર પ્રલયમાં પણ નાશ નથી પામતા.
મૃત્યુ સમયે જીવની ગતિની ચર્ચા પણ કરવામાં આવી છે. ભગવાન કહે છે કે મન અંતરના બધા દ્વારને રોકીને યોગી પ્રાણને મસ્તકમાં રોકે છે. પછી પ્રણવમંત્રનો જાપ કરે છે. આમ કરતાં જે દેહ તજે છે તે ઉત્તમ ગતિને પ્રાપ્ત કરે છે. વળી જે અગ્નિ, જ્યોતિ અને શુકલપક્ષમાં, ઉત્તરાયણે દેહ છોડે છે તે ઉત્તમ ગતિને પ્રાપ્ત કરે છે. તેવી જ રીતે ધ્રુમ, રાત, વદ અને દક્ષિણાયનમાં તન તજનારને ફરી જન્મ ધારણ કરવો પડે છે. ભગવાન કહે છે કે આવું જ્ઞાન હોવા છતાં યોગી કદી મોહિત થતો નથી અને સદાય મને મેળવવાના પ્રયત્નોમાં જ પ્રવૃત રહે છે. ભગવાન અર્જુનને એવા યોગી બનવાની સલાહ આપે છે.
અધ્યાય નવમો : રાજવિદ્યારાજગુહ્યયોગ
ભગવાન કહે છે કે બધા જીવો મારા અંશરૂપ છે. તે મારામાં રહેલા છે પણ હું તેમાં લેપાયેલો નથી. પ્રકૃતિનો આશ્રય લઇ હું આ સૃષ્ટિની રચના કરું છે. મૂઢ લોકો મને કેવળ મનુષ્યની જેમ જુએ છે પરંતુ મારા વિરાટ રૂપને પિછાની શકતા નથી. કારણ કે મૂઢ જનોના કર્મ હલકાં અને વિચાર મેલા હોય છે. તેઓ જ્ઞાનકર્મનું ફળ પામતાં નથી અને મોહમયી પ્રકૃતિમાં જ ડૂબેલાં રહે છે. કોઇ મહાત્મા જનો જ મને ભજીને મને પામે છે.
જ્યાં સુધી જીવ મને પામતો નથી, જાણતો નથી ત્યાં સુધી આવાગમનના ચક્રમાંથી છૂટી શકતો નથી. તેથી ભગવાન અર્જુનને કહે છે કે હે અર્જુન ! તું જે જે કર્મો કરે, તે મને અર્પણ કરીને કરજે, અહંભાવ રાખ્યા વિના કરજે, તો તું તેમાં લેપાઇશ નહીં અને મુક્તિને પામશે. સંસારના પ્રત્યેક જીવમાં હું રહેલો છું એમ જાણીને મનથી વંદન કરજે અને મન-વાણીથી કેવળ મારો ભક્ત બનજે તો તું શાંતિ અને સુખના સામ્રાજ્યનો અધિકારી બનશે
અધ્યાય દસમો : વિભૂતિ યોગ
ગીતાના આ અધ્યાયમાં ભગવાન પોતાના વ્યાપક સ્વરૂપનું વર્ણન કરે છે. ભગવાન કહે છે કે હું આત્મતત્વરૂપે સર્વ પ્રાણીઓમાં રહું છું. સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર – બધું મારા વડે જ છે. આ સૃષ્ટિનો આદિ, મધ્ય, અને અંત પણ હું જ છું.
ભગવાન આગળ કહે છે છે કે હું દેવોમાં બૃહસ્પતિ, મહર્ષિઓમાં ભૃગુ, પર્વતોમાં હિમાલય, યજ્ઞોમાં જપયજ્ઞ, વૃક્ષોમાં પીપળો, ગાંધર્વોમાં ચિત્રરથ, સિદ્ધોમાં કપિલ, મુનીઓમાં વ્યાસ, કવિમાં શુક્રાચાર્ય, હાથીઓમાં ઐરાવત, મનુષ્યોમાં નૃપ, ગાયમાં કામધેનુ, શશ્ત્રોમાં વજ્ર, સર્પમાં વાસુકિ, પાણીમાં ગંગા, શસ્ત્રવાનમાં રામ, ઋતુમાં વસંત …છું. હું જ જગતનું બીજ છું. મારા વિના આ જગતનું અસ્તિત્વ શક્ય નથી. મારું દૈવી રૂપ અનંત છે. વર્ણન કરતાં એનો પાર આવે એમ નથી. ટુંકમાં કહું તો જગમાં જે જે સુંદર, સત્ય, પવિત્ર અને પ્રેમલ જણાય છે તે બધું જ મારા અંશથકી થયેલું જાણજે.
અધ્યાય અગિયારમો : વિશ્વરૂપદર્શન યોગ
ભગવાને દસમા અધ્યાયમાં પોતાના વ્યાપક સ્વરૂપનું વર્ણન કર્યું એથી અર્જુનને સ્વાભાવિક જ એ સ્વરૂપ નિહાળવાની ઇચ્છા જાગી અને તેણે તે ભગવાન આગળ વ્યક્ત કરી.
ભગવાને જણાવ્યું કે દિવ્ય સ્વરૂપનું દર્શન સાધારણ ચર્મચક્ષુઓ વડે કરવું શક્ય નથી. એ માટે દિવ્ય ચક્ષુઓ જોઇએ. ભગવાને કૃપા કરી અર્જુનને દિવ્ય ચક્ષુ પ્રદાન કર્યાં કે જેના વડે તે ભગવાનનું અપાર મહિમાવંતુ રૂપ નિહાળી શક્યો. અર્જુને જોયું કે તે સ્વરૂપના હજારો હાથ હતા, હજારો મુખ હતા, હજારો પગ હતા. ઘરેણાં અને શસ્ત્રોનો ત્યાં પાર ન હતો. માળા અને ગંધથી શરીર શોભિત હતું. એમાં બધા જ લોક સમાયેલા હતા. તેનું આદિ કે અંત જણાતું ન હતું. તેજના અંબાર સમા, સૂર્ય-ચંદ્રની આંખવાળા, નભને અડનારા એ તેજોમય સ્વરૂપમાં હજારો જીવો પ્રવેશી રહ્યા હતા.
ભગવાને અર્જુનને બતાવ્યું કે જે વીરોને તે રણભૂમિમાં નિહાળી રહ્યો છે તે સર્વે નાશ પામનાર છે. યુદ્ધ તો માત્ર નિમિત્ત જ છે. માટે ભય તજી યુદ્ધ કર ને વિજયી બન.
ભગવાનના દિવ્ય સ્વરૂપ જોઇ અર્જુન સ્તુતિ કરે છે અને તેમને અત્યાર સુધી સામાન્ય માનવ ગણી, પોતે તેમની સાથે મિત્ર રૂપે કરેલ વર્તાવ બદલ માફી માગે છે.
ભગવાન અર્જુનને કહે છે તેં જે રૂપનું દર્શન કર્યું તે હજુ સુધી કોઇએ જોયું જ નથી. દેવોને માટે પણ તે રૂપ જોવું મુશ્કેલ છે. વેદ, યજ્ઞ, તપ કે દાનથી એ રૂપ નિહાળી શકાતું નથી. માત્ર અનન્ય ભક્તિથી જ તેને જોઇ શકાય છે. આમ કહી ભગવાન હવે ભક્તિનો મહિમા ગાય છે.
અધ્યાય બારમો : ભક્તિ યોગ
ગીતાના આ અધ્યાયમાં ભગવાન કૃષ્ણ, આદર્શ ભક્તનું રેખાચિત્ર દોરે છે. ભગવાન કહે છે કે આદર્શ ભક્ત મારામાં મન જોડી, ખૂબ શ્રદ્ધાથી, મને બધું જ અર્પણ કરીને ભજે છે, અને આવા ભક્તનો હું મૃત્યુલોકથી ઉદ્ધાર કરું છુ.
ભક્તિમાર્ગનો આધાર લઇને પોતાને પામવા માટેનો માર્ગ પણ ભગવાન બતાવે છે. ભગવાન કહે છે કે મારામાં મન સ્થિર કરનાર, મારે માટેના કર્મોનું અનુષ્ઠાન કરનાર, સર્વ કર્મફળનો ત્યાગ કરી મારું અનન્યભાવે શરણ લેનાર મને સર્વરૂપે પામે છે.
આદર્શ ભક્તના લક્ષણો પણ આ અધ્યાયમાં વર્ણવવામાં આવ્યા છે. સર્વ જીવ પર મિત્રતા, દયા અને પ્રેમ, સુખ અને દુઃખમાં સમતા, ક્ષમાશીલ, સંતોષી અને સંયમી, દૃઢ નિશ્ચયી, કોઇને ન દુભવનાર, હર્ષ-શોકનો ત્યાગ કરનાર, વ્યથા અને તૃષ્ણાથી પર, સંસારથી ઉદાસીન અને સ્થિર બુદ્ધિવાળો માનવ આદર્શ ભક્ત હોય છે અને આવો ભક્ત ભગવાનને અતિ પ્રિય છે.
અધ્યાય તેરમો : ક્ષેત્રક્ષેત્રજ્ઞવિભાગ યોગ
ભગવાન કહે છે કે આ શરીર એ એક ક્ષેત્ર – ખેતર છે, અને હું તેનો ક્ષેત્રજ્ઞ એટલે કે માલિક છું. આ અધ્યાયમાં ભગવાન જ્ઞાનીનાં લક્ષણોનું વર્ણન કરે છે. માની ન બનવું, દંભ અને દર્પનો ત્યાગ કરવો, દયાભાવ રાખવો, જીવોને કદી ન હણવા, કોઇ બુરૂ કરે તોય ક્ષમા દેવી, સદાય સ્વચ્છ રહેવું, ગુરૂને પૂજ્ય માનવા, ઇન્દ્રિયોના સ્વાદમાં સુખ ન જોવું, મનને કામ-ક્રોધાદિ વિકારોથી મુક્ત રાખવું, સ્ત્રી-ઘર-સંતાનમાં મમતા ન કરવી, સારા-નરસા સમયમાં ધીરજનો ત્યાગ ન કરવો, જનસમુહની પ્રીત ન કરવી અને અનન્યભાવે ઇશ્વરની ભક્તિ કરવી વિગેરે આદર્શ જ્ઞાનીનાં લક્ષણો છે.
જે રીતે સૂર્ય એક જ હોવાં છતાં બધે પ્રકાશ ધરે છે તે જ રીતે આત્મા સ્વરૂપે ઇશ્વર સર્વે જીવોમાં પ્રકાશી રહેલા છે. ભગવાન કહે છે કે હું જ એકમાત્ર જાણવા યોગ્ય છું એથી મને જ જાણવાનો પ્રયત્ન કરવો. જે માનવ આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું જ્ઞાન ધરાવે તે સહજ મોક્ષને પામે છે અને પોતાનું પરમ કલ્યાણ કરે છે.
અધ્યાય ચૌદમો : ગુણત્રયવિભાગ યોગ
આ અધ્યાયમાં ભગવાન ત્રણ પ્રકારનાં ગુણોનું વર્ણન કરે છે. ભગવાન કહે છે કે ત્રણ ગુણવાળી પ્રકૃતિના આધારથી હું સૃષ્ટિની રચના કરું છું. સત્વ, રજ અને તમ – એ ત્રણ પ્રકૃતિના ગુણો છે જે માણસને શરીરમાં મોહિત કરે છે.
સત્વગુણ જ્ઞાન સાથે, રજોગુણ કર્મ સાથે અને તમોગુણ ઉંઘ અને આળસ સાથે માણસને બાંધે છે. દરેક શરીરધારીમાં આ ગુણોનો વત્તોઓછો પ્રભાવ જોવા મળે છે. લોભ અને તૃષ્ણા વધે તો રજોગુણનો ઇન્દ્રિયો પર કાબૂ વધ્યો એમ કહી શકાય. તેવી જ રીતે વિવેક તૂટે અને પ્રમાદ, આળસ થાય તો તમોગુણ વધ્યો જાણવો. સાત્વિક ગુણવાળો ઉત્તમ, રાજસ ગુણવાળો મધ્યમ અને તમોગુણવાળો અધમ ગતિને લભે છે. જે માનવ આ ગુણોને જીતે છે તે જન્મ-જરાના બંધનોથી છૂટીને પરમપદને પ્રાપ્ત કરે છે.
અર્જુન કહે છે કે એવી વ્યક્તિ કેવી રીતે ઓળખી શકાય? ભગવાન તેના જવાબમાં ગુણાતીત વ્યક્તિનું વર્ણન કરે છે જે ઘણે અંશે સ્થિતપ્રજ્ઞ પુરૂષ, આદર્શ ભક્ત તથા આદર્શ જ્ઞાનીના વર્ણનને મળતું આવે છે.
અધ્યાય પંદરમો : પુરૂષોત્તમ યોગ
ગીતાના આ અધ્યાયમાં પરમધામનું વર્ણન કરવામાં આવ્યું છે. ભગવાન કહે છે આ સંસારનું સ્વરૂપ પીપળાના વૃક્ષ જેવું છે, જેની શાખાઓ નીચે (પૃથ્વીલોકમાં) અને મૂળ ઉપર છે. સંસારનું આવું સ્વરૂપ સહેજમાં સમજાય એવું નથી.
મૃત્યુ પછી જીવની શી ગતિ થાય છે એનું વર્ણન કરતાં ભગવાન સુંદર ઉદાહરણ રજૂ કરે છે. જેવી રીતે કોઇ ફૂલમાંથી સુવાસ લઇને પવન ચાલ્યો જાય છે તે જ રીતે શરીરમાંથી આત્મા ચાલ્યો જાય છે. સામાન્ય માનવને તેનું દર્શન થતું નથી પરંતુ સંતપુરુષો તેને જોઇ શકે છે.
ભગવાન કહે છે શરીરમાં જઠરાગ્નિ બનીને હું જ ભોજનને પચાવું છું. હું જ સ્મૃતિનો દાતા છું. હું જ જ્ઞાનનું મૂળ છું. અગ્નિ, સૂરજ, ચંદ્રમાં જે કાંઇ તેજ જણાય છે તે મારે લીધે જ છે. શરીર નાશવંત છે અને આત્મા અવિનાશી છે. આ વિશ્વમાં ક્ષર અને અ-ક્ષર એમ બંને વસ્તુઓનો વાસ છે. પરંતુ સૌમાં પરમાત્મા સૌથી ઉત્તમ છે એથી મને પુરુષોત્તમ જાણી મારું ભજન કર.
અધ્યાય સોળમો : દૈવાસુરસંપદ્વિભાગ યોગ
ગીતાના આ અધ્યાયમાં દૈવી અને આસુરી સંપત્તિઓનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. હિંસા ન કરવી, સત્ય બોલવું, ગરીબો પર દયા દાખવવી, સદા ધીરજ રાખવી, ક્ષમા આપવી, અહંકાર ન કરવો વિગેરેને ભગવાન દૈવી સંપતિના લક્ષણો તરીકે બતાવે છે. જ્યારે એથી ઉલટું, આ જગત ભોગ માટે જ છે એમ વિચારી ન કરવાના કામ કરવા, ખોટી વાતોને પકડી રાખવી, અસત્ય ભાષણ કરવું, અસંતોષ રાખવો, મમતા, મોટાઇ અને મોહમાં વિચરવું, દંભ અને પાખંડથી વિધિનું અનુષ્ઠાન ન કરવું, ઇશ્વરની સદા નિંદા કરવી – આ સર્વ આસુંરી સંપત્તિના લક્ષણો બતાવ્યા. ભગવાન કહે છે કે આસુરી સંપત્તિવાળા લોકા સદા અધમ ગતિને પ્રાપ્ત કરે છે.
કામ, ક્રોધ અને લોભ – એ ત્રણ નરકના દ્વાર છે. એથી એ ત્રણથી સદા સાવધ રહેવું. આ અધ્યાયમાં ભગવાન સારા અને નરસા વચ્ચેની સ્પષ્ટ ભેદરેખા દોરી બતાવે છે.
અધ્યાય સત્તરમો : શ્રદ્ધાત્રયવિભાગ યોગ
અર્જુન ભગવાનને પ્રશ્ન પૂછે છે કે જેઓ શાસ્ત્રોમાં બતાવેલી વિધિઓને ન પાળે પરંતુ કેવળ શ્રદ્ધાથી પ્રેરાઇને જ કર્મોનું અનુષ્ઠાન કરે તો તેને સાત્વિક, રાજસી કે તામસી ગણવા ? આના જવાબમાં ભગવાન ત્રણ પ્રકારની શ્રદ્ધાનું વર્ણન કરે છે.
ભગવાન કહે છે કે રસવાળો અને મધુર ખોરાક સાત્વિક; કડવો, તીખો, ખાટો, ખારો, ખૂબ સુકો કે ખૂબ ગરમ – એવો ખોરાક રાજસ; તથા રસહીન, ટાઢો, વાસી, એંઠો, અપવિત્ર અને દુર્ગંધીવાળો ખોરાક તામસ ગણવો.
ભગવાન કહે છે કે ફલની ઇચ્છાનો ત્યાગ કરીને વિધિપૂર્વક થનાર યજ્ઞ સાત્વિક; ફલેચ્છાથી, દંભ પોષવા થનાર યજ્ઞને રાજસ; અને મંત્ર, દક્ષિણા તથા શ્રદ્ધા વગર થનાર યજ્ઞ તામસ યજ્ઞ ગણવા.
એવી જ રીતે, ફલેચ્છાનો ત્યાગ કરી શ્રદ્ધાપૂર્વ થનાર તપ સાત્વિક; માન, બડાઇ અને પૂજાવાને ખાતર તથા બતાવવા માટે થનાર તપ રાજસ; તથા અજ્ઞાન અને હઠ થકી, જાહેરમાં, સંકટ સહીને અન્યનો નાશ કરવા માટે થનાર તપને તામસ ગણવું.
દાનના ત્રણ પ્રકારો બતાવતાં ભગવાન કહે છે કે સમય, પાત્રને જોઇને માત્ર આપવા માટે અપાતા દાનને સાત્વિક; ફળ મેળવવા, બદલાની આશા સાથે, ઉપકાર રૂપે અપાનાર દાન રાજસ; તથા પાત્ર, સમય, સંજોગને જોયા વિના અને અયોગ્યને થનાર તથા જાહેર દાનને તામસ દાન ગણવું.
ભગવાન અધ્યાયના અંતભાગમાં ઓમ અને તત્ સતનો મહિમા બતાવતાં તેને ઇશ્વરના નામ તરીકે જણાવી ઉત્તમ કર્મોમાં તેનો પ્રયોગ કરવાનું સુચવે છે.
અધ્યાય અઢારમો : મોક્ષસંન્યાસ યોગ
ગીતાના આ આખરી અધ્યાયમાં મોક્ષ વિશેની વાત કરવામાં આવી છે. આ અધ્યાયના અંતભાગમાં ગીતાના સંદેશના મુખ્ય બધા શ્લોકોને આવરી લેવાયા છે. આ અધ્યાયમાં ત્યાગના ત્રણ પ્રકાર વર્ણવવામાં આવ્યા છે. ત્રણ પ્રકારનું જ્ઞાન, ત્રણ પ્રકારના સંન્યાસ, ત્રણ પ્રકારના કર્મ, ત્રણ પ્રકારના તપ તથા ત્રણ પ્રકારના સુખની વાત કહેવામાં આવી છે.
ગીતાનો સંદેશ જે સમયે આપવામાં આવ્યો તે સમયે પ્રવર્તમાન સામાજિક વ્યવસ્થાને ધ્યાનમાં લઇને ભગવાન કૃષ્ણે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રના કર્મોને પણ બતાવ્યા છે. ભગવાન કૃષ્ણ કેવળ ભક્તિ, કેવળ જ્ઞાન કે કેવળ ધ્યાનનો મહિમા ગાવાને બદલે ત્રણે માર્ગથી ઇશ્વર સુધી પહોંચી શકાય છે એમ બતાવે છે.
શ્રી કૃષ્ણના અદભૂત સંદેશને સાંભળવાથી અર્જુનનો સંશય દુર થાય છે અને તે યુદ્ધકાર્યમાં પ્રવૃત બને છે. યુદ્ધ હવે એને એના કર્તવ્ય સમાન લાગે છે. ગીતાનો ઉપદેશ આ રીતે બાહ્ય ત્યાગને છોડી પોતાના સ્વધર્મમાં-કર્મમાં પ્રવૃત થવાનો અમૂલ્ય સંદેશ પૂરો પાડે છે.
સયાજીસમાચારમાંથી…