જન્મ:સુરેન્દ્રનગર પાસેના લખતર ગામે તા. ૧-૯-૧૮૯૨
અભ્યાસઃપ્રાથમિક-માધ્યમિક શિક્ષણ મુંબઈ, વઢવાણ અને ધ્રાંગધ્રામાં. મેટ્રિક અનુત્તીર્ણ
જીવનઃ૧૯૧૭માં મુંબઈમાં હાજી મહમ્મદ અલારખિયા સંપાદિત ‘વીસમી સદી’માં નોકરી. એક વર્ષ સયાજીપુરામાં ગ્રામસેવા કરી, પછી સ્વામી આનંદ અને કાકાસાહેબના સંસર્ગથી સાબરમતી આશ્રમમાં શિક્ષણકાર્યમાં જોડાયા. વચ્ચે ૧૯૧૯-૧૯૨૩ દરમિયાન ‘નવજીવન’ સાપ્તાહિકની જવાબદારી સંભાળી. ૧૯૨૩થી ૧૯૨૭ બારડોલી સત્યાગ્રહમાં ભાગ લીધો. ૧૯૨૮થી પછીનું આખું જીવન વેડછી (જિ.સુરત) આશ્રમમાં આદિવાસી-ગ્રામસેવા ને આશ્રમી કેળવણીમાં ગાળ્યું. વિભિન્ન સત્યાગ્રહોમાં કુલ નવ વર્ષ જેલવાસ ભોગવ્યો. ૧૯૭૧થી ૧૯૭૮ સુધી ‘વટવૃક્ષ’ માસિકનું સંપાદન કર્યું.સેવાના ઓરસિયા પર ચંદનની જેમ ઘસાઈ જઈને ચિરકાળ સુધી જેમની સુવાસ પ્રસરેલી છેગામડાના ફળિયામાં નજીવા સાધનો દ્વારા તેમણે બાલવાડીના સફળ પ્રયોગો કર્યા. બાળશિક્ષણ અને આદિવાસીના સર્વાંગી વિકાસમાં તેમણે પોતાનું સમગ્ર જીવન ખર્ચી નાખ્યું. તેમને ‘જમનાલાલ બજાજ એવોર્ડ’ દ્વારા સન્માનવામાં આવ્યા હતા. એવોર્ડના એક લાખ રૂપિયા ગરીબોના ઉત્થાનના કાર્ય માટે અર્પણ કર્યા. લોકોએ ‘અમૃત મહોત્સવ’ યોજી તેમનું બહુમાન કર્યું હતું.
એમનું કાવ્યસર્જન પ્રાસંગિક પણ ઊંચી ગુણવત્તાવાળું છે. એમનાં મૌલિક કે પ્રેરિત – અનુવાદિત ગીતોમાં માધુર્ય, ગેયતા અને લોકવાણીની સરળતાનું સૌંદર્ય છે. બાળસાહિત્ય અને બાળશિક્ષણમાં એમની અધિક રૂચિ છે.ઈશોપનિષદના તત્વજ્ઞાન ને તેમણે આ રીતે સાદી લોકવાણીમાં ઊતાર્યું છે.
‘કામ કરો, ખૂબ ઘસાઓ, સુખે શતાયુ થાઓ
માનવ તુજ, પથ આજ અવર નહીં, કર્મે કાં ગભરાઓ’
અવસાનઃ ઈ.સ.૧૯૮૫માં દેહાવસાન