કૃષ્ણલાલ શ્રીધરાણી: ગુજરાતના અગ્રણી સાહિત્યકાર અને પત્રકાર
ઈ. ૧૯૬૦ના જુલાઈની ૨૩મી તારીખે હ્રદય બંધ પડી જવાથી ૪૯ વર્ષની વયે જેમનું અવસાન થયું તે ડૉ.કૃષ્ણલાલ શ્રીધરાણી ગુજરાતી તથા અંગ્રેજી ભાષાના કલમકશ તરીકે તેમજ વિશ્વમાન્ય પત્રકાર તરીકે અને સ્વદેશની આઝાદીની ભાવનાના વિદેશમાં પ્રચારક અને પ્રતિનિધિ તરીકે તેમણે જે ખ્યાતિ મેળવી હતી તે જેટલી ઊજળી અને ઉચ્ચ છે તેથીયે ઉચ્ચ છે તેમની કવિ તરીકેની પ્રતિભા. ઈ. ૧૯૪૫ પછી તેઓ કલકત્તાના ‘અમૃતબજાર પત્રિકા‘ના ખાસ ખબરપત્રી તરીકે નિમાયા હતા. તદુપરાંત ‘ન્યુયૉર્ક ટાઇમ્સ‘, ‘વૉગ‘, ‘કરન્ટ હિસ્ટરી‘, ‘સેટરડે રિવ્યુ ઑવ લિટરેચર‘, ‘ન્યુયૉર્ક હેરૉલ્ડ ટ્રિબ્યૂન‘, ‘દ વિલ્ટ હામ્બુર્ગ‘ અને ‘ટોકિયૉ શિમ્બુન‘ વગેરે અગ્રણી વિદેશી સામયિકોમાં તેમની કલમ અવારનવાર ચમક્યા કરતી હતી. માય ઇન્ડિયા, માય અમેરિકા; વૉર વિધાઉટ વાયોલન્સ વગેરે તેમણે લખેલાં અંગ્રેજી પુસ્તકોએ તેમને અંગ્રેજી ભાષાના ઊંચીકોટિના લેખક તરીકેની પ્રતિષ્ઠા અપાવી હતી.
ડૉ. શ્રીધરાણીનો જન્મ ઈ. ૧૯૧૧ની ૧૬મી સપ્ટેમ્બરે સૌરાષ્ટ્રના ઉમરાળા નામના ગામડામાં તેમના મોસાળમાં થયો હતો. દક્ષિણામૂર્તિ વિદ્યાભવનમાં માધ્યમિક શિક્ષણની સાથોસાથ ચિત્રકામ અને લખાણની શરૂઆત થઈ. અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠમાં બે વર્ષ અભ્યાસ કરી ઈ. ૧૯૩૧માં રવીન્દ્રનાથ ઠાકુરની શાંતિનિકેતન ખાતેની વિશ્વભારતીમાં દાખલ થયા અને ઈ. ૧૯૩૩માં સ્નાતક થયા. પછી અમેરિકા જઈ જઈ ઈ. ૧૯૩૫માં ન્યૂયૉર્ક વિદ્યાપીઠમાંથી એમ.એ.ની ઉપાધિ મેળવી. ઈ. ૧૯૩૮માં કોલંબિયા વિદ્યાપીઠમાંથી પીએચ.ડી. થયા. ઈ. ૧૯૪૬ સુધી ત્યાં જ કર્મચારી તરીકે રહ્યા. અમેરિકાના કુલ ૧૨ વર્ષના વસવાટ દરમિયાન ભારતીય તથા એશિયાઈ રાજકારણ અને સંસ્કૃત વિષેના ધંધાદારી વ્યાખ્યાતા તરીકે અનેક પ્રવાસો કર્યા. ઈ. ૧૯૪૬માં રાજકોટ ખાતે ભરાયેલી ગુજરાતી સાહિત્ય પરિષદના ઇતિહાસ અને આર્થિક વિભાગનું પ્રમુખપદ તેમને અપાયેલું.
એમની ગુજરાતી કૃતિઓમાં વડલો, ઇન્સાન મિટા દૂંગા, પીળાં પલાશ, પદ્મિની, મોરનાં ઈંડા, પીયો ગોરી, કોડિયાં વગેરે કીર્તિદા બન્યાં છે. કવિતા અને નાટક આ બે ભિન્ન સાહિત્ય અંગોનો તેમના સર્જનમાં વિલક્ષણ સંવાદ જોવા મળે છે. કમનીય, રસોજ્જવલ પદાવલિ, કાવ્યની ઇન્દ્રિયગ્રાહ્યતા, બુલંદ ભાવનામયતા અને જીવનના વાસ્તવની સહજ પકડમાં શ્રીધરાણીની કવિતાનું આકર્ષણ રહ્યું છે. તેમનાં બાળનાટકો વિષે તો સ્વ. ગિજુભાઈ બધેકા જેવાએ કહેલું કે આનાથી બાળ-નાટકસાહિત્યની ભૂમિકાનું સુરૂપ અને સ્પષ્ટ મંડાણ થશે.
ડૉ. શ્રીધરાણીએ છેલ્લાં વર્ષોમાં દિલ્હીમાં ગુજરાતી લેખકસંઘની સ્થાપના કરી હતી. પોતે તે સંઘના પ્રમુખ હતા. જેમ કવિ કાન્તની સર્વોત્તમ કૃતિઓ ત્રેવીસ વર્ષની વય સુધીમાં રચાઈ હતી તે જ રીતે ડૉ. શ્રીધરાણીની શ્રેષ્ઠ કૃતિઓ બાવીસ વર્ષ પછીના છ માસમાં રચાઈ હતી.
ઈ. ૧૯૬૦માં ગુજરાતીમાં શ્રેષ્ડ સર્જન માટે અર્પણ કરાયેલો રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવાનો સમારંભ યોજાય તે પહેલાં તેમણે ચિરવિદાય લીધી.