ૐ
શ્રીકૃષ્ણ ભગવાને ગીતાજીના ૧૬મા અધ્યાયમાં દૈવી સંપત્તિ તથા આસુરી સંપત્તિ વિષે ચર્ચા કરી છે. પહેલા ત્રણ શ્લોકમાં જ દૈવી સંપત્તિ વિષે કહ્યું કે : ‘‘હે ભારત ! નિર્ભયતા, અંતઃકરણની શુધ્ધિ, અધ્યાત્મ, ધ્યાન, યોગમાં દ્રઢ સ્થિતિ, સાત્વિક દાન, ઇન્દ્રિયો પર કાબૂ, યજ્ઞ, સ્વાધ્યાય, તપ, સરળતા, અહિંસા, સત્ય, અક્રોધ, ત્યાગ, શાંતિ, ચાડીરહિતપણું, જીવદયા, અલોલુપતા, મૃદુતા, લજ્જા, અડગ નિશ્ચય, તેજ, ક્ષમા, ધૈર્ય, પવિત્રતા, અદ્રોહ અને અભિમાનનો ત્યાગ આ બધાં દૈવી સંપત્તિને પ્રાપ્ત થયેલા પુરુષનાં લક્ષણો છે.’’
ચોથા શ્લોકમાં આસુરી સંપત્તિ વિષે કહ્યું કે : ‘‘હે પાર્થ ! પાખંડ, ગર્વ, અહંકાર, ક્રોધ, કઠોરતા અને અજ્ઞાન આ ગુણો આસુરી સંપત્તિ તરફ વળેલા મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે.’’
દૈવી સંપત્તિ મોક્ષ આપનારી છે, જ્યારે આસુરી સંપત્તિ બંધનમાં નાખનારી માનવામા આવેલી છે. આસુરી સ્વભાવવાળા મનુષ્યો, શું કરવું જોઇએ અને શું ન કરવું જોઇએ, તે જાણતા નથી. તેઓમાં બહારની કે અંદરની પવિત્રતા, સદાચાર કે સત્ય હોતાં નથી. તેઓ કહે છે કે જગત અસત્ય, આધાર વિનાનું અને ઇશ્વર વિનાનું છે. તે સ્ત્રી પુરુષના સંયોગથી ઉત્પન્ન થયેલું છે. તેથી ભોગ તૃપ્તિ સિવાય તેનો બીજો શો હેતુ હોય ? દંભ, માન અને મદથી ભરેલા તે લોકો પૂરી ન થવાવાળી કામવાસનાઓમાં રચ્યાપચ્યા રહે છે.
વિષયભોગમાં જ આનંદ છે એવું માનનારા મરણની છેલ્લી ઘડી સુધી, સેંકડો આશારુપી પાશથી બંધાયેલા, કામ ક્રોધમાં રહેનારા અને વિષયભોગ માટે અન્યાયપૂર્વક ધનનો સંગ્રહ કરવાની વૃત્તિ વાળા હોય છે. શ્લોક ૧૩થી ૧૬માં કહ્યું કેઃ ‘‘તેઓ વિચારે છે કે આજે મેં આ મેળવ્યું અને હવે પછી આ વસ્તુ મેળવીશ. આટલું ધન તો મારી પાસે છે અને હવે ફરી આટલું ધન મેળવીશ. આ શત્રુને મેં માર્યો અને બીજાઓને પણ મારીશ.’’
હું સર્વાધીશ છું. ઐશ્વર્યનો ભોક્તા છું. સર્વ સિધ્ધિઓથી પરિપૂર્ણ છું. હું સુખી છું. હું ધનાઢ્ય છું. હું મોટા કુટુંબવાળો કુલીન છું. મારા જેવો બીજો કોણ છે ? હું યજ્ઞ કરીશ, હું દાન કરીશ. ( આવું સારાં કાર્યો માટેનું અભિમાન પણ અયોગ્ય છે.) પોતાને જ શ્રેષ્ટ માનનારા ઘમંડી પુરુષો, ધન અને માનના મદવાળા, શાસ્ત્રવિધિ છોડીને દંભથી કેવળ નામ માત્રના યજ્ઞો કરે છે. આવા મનુષ્યો મારો દ્વેષ કરવાવાળા હોય છે, તેથી મને પામી શકતા નથી.
‘‘હે કૌંતેય ! કામ, ક્રોધ તથા લોભ એ ત્રણ પ્રકારનાં નરકનાં દ્વાર આત્માને નુકસાન કરે છે. માટે એ ત્રણેને તજી દેવાં જોઈએ. આ ત્રણથી મુક્ત થયેલો મનુષ્ય પોતાનું કલ્યાણ થાય એવાં કર્મ કરે છે તેથી પરમ ગતિ પામે છે.’’
સારા, નરસાની આ વ્યાખ્યા કોઈ સામાન્ય માણસે નથી કરી, પણ જગતના તાતે કરી છે. પરમાત્મા સારાં કાર્યોનું અનુમોદન કરે છે અને અયોગ્ય કાર્યોનું અનુમોદન કરતા નથી એ તો દીવા જેવું સ્પષ્ટ છે. આ સીધીસાદી વાત સમજ્યા પછી પણ આપણે અયોગ્ય કાર્યો તજીએ નહીં તો આપણે મહામૂરખ છીએ એમ માનવું પડે.
આપણે સંત કક્ષાના મહાનુભાવ નથી એટલે પ્રયત્નો છતાં આપણામાં ઘણી ખામી રહેવાની એ સ્વાભાવિક છે. તેમ છતાં આપણો પ્રયત્ન તો વધુ ને વધુ સારા બનવાનો હોવો જોઈએ, સારા દેખાવાનો નહીં. સંત જેટલી ઊંચી કક્ષાએ ન પહોંચીએ તો પણ આપણા અયોગ્ય સ્વભાવ કે કર્મનો આપણને અફસોસ થવો જોઈએ અને ફરીથી તેવી ભૂલ ન થાય એવી કાળજી લેવી જોઈએ.
શ્રી બ. ક. ઠાકોર નામના વિદ્વાન કવિએ કહ્યું છેઃ ‘‘નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન.’’ ઘણા લોકો માને છે કે સારા થવાની વાત સહેલી છે, પણ વાસ્તવિક જીવનમાં એ બહુ અઘરી છે. એ વાત સાચી છે, પરંતુ સહેલા દાખલા તો સહુ ગણે એમાં કાંઈ નવું નથી. અઘરા દાખલા ગણવાની મજા માણવા જેવી છે. પ્રયત્ન કર્યા વિના હાર શા માટે સ્વીકારી લેવી ? જો આપણા મહાન વૈજ્ઞાનિકોએ કોઈ શોધ કર્યા પહેલાં જ હાર સ્વીકારી લીધી હોત તો આજે આપણે જેટલી ભૌતિક સુખ સગવડ ભોગવીએ છીએ તે ન ભોગવી શકત. કાંઈ પણ સારું પરિણામ મેળવવા માટે અથાક પ્રયત્ન કરવો અત્યંત જરૂરી છે. જે વાત ભૌતિક બાબતોને લાગુ પડે છે એ જ વાત આધ્યાત્મિક બાબતોને લાગુ પડે છે.
શ્રીકૃષ્ણ ભગવાનનાં પરમ ભક્ત મીરાંબાઈ, પ્રભુની ભક્તિ કરતાં કરતાં જીવનને એટલી બધી ઊંચી કક્ષાએ લઈ ગયાં કે ભગવાન શ્રી દ્વારિકાધીશજીની મૂર્તિમાં સદેહે સમાઈ ગયાં. તેમણે ગાયું કે :
‘‘પાયોજી મૈંને રામ રતન ધન પાયો……’’
અને એ ધન પણ કેવું ?
‘‘ખર્ચ્યો ન ખૂટે, વાકો ચોર ન લુંટે, દિન દિન બઢત સવાયો.’’
આને કહેવાય દૈવી સંપત્તિ. પરમાત્માનું સ્મરણ કરતાં કરતાં જે આનંદ મળે તે ક્યારેય ખૂટે નહીં. તેને કોઈ લૂંટી ન શકે અને તે સતત વધતો જ રહે. એ આનંદ જ પરમ આનંદ તરફ લઈ જાય.
કહેવાય છે કે રાવણ ભગવાન શિવનો પરમ ઉપાસક હતો. તે પરાક્રમી હતો, નવ ગ્રહને તેણે વશ કરેલા. તેની નગરી સોનાની લંકા કહેવાતી. આમ તેની પાસે અખૂટ શક્તિ અને ભૌતિક સંપત્તિ હતી. અહંકારને લીધે કુબુદ્ધિ સુઝતાં, તેની શક્તિ અને સંપત્તિનો સંપૂર્ણ નાશ થયો. એ આસુરી શક્તિ અને સંપત્તિ હતાં, એટલે જ વિનાશ થયો. દૈવી સંપત્તિનો નાશ ન થાય.