અસંતુષ્ટ રહેવું મનનો સ્વભાવ છે. આ સ્વભાવના કારણે જ મન વ્યક્તિની અંદર સ્થાયી અસંતોષનો ભાવ ભરી દે છે. જેના પરિણામે અનેક લોકોને એવું લાગવા લાગે છે કે તેમનેજે કંઈ પણ મળ્યું છે તે તેમની યોગ્યતાથી ઓછું છે. બીજાને જોઈને લોકો એવું વિચારવા લાગે છે કે જે અયોગ્ય છે તે અમારાથી આગળ નીકળી ગયા છે. મનુષ્ય પોતાનું મૂલ્યાંકન કરતી વખતે પોતાની યોગ્યતાઓ તરફ ઓછું અને ન મળેલી સફળતાઓ તરફ વધુ ઝૂકી જાય છે. અહીંથી જ પરેશાની ચાલુ થાય છે. આપણો અહંકાર તેમાં વધુ ઉછાળા મરાવે છે. અસંતુષ્ટ મન વધુ ચંચળ બની જાય છે. ચંચળ મનમાં પરમાત્માની ઝલક દેખાતી નથી અને આવી સ્થિતિમાં આપણે પરમાત્માનું જેટલું સ્મરણ કરીશું તેટલા ઝડપથી શાંત થઈ જઈશું. મન વિક્ષિપ્ત હોય છે ત્યારે સંસાર તરફ વધુ ભાગે છે.
મન જેટલું શાંત હશે તેટલું પરમાત્મા તરફ વધુ ખેંચાય છે. પરમાત્માને મેળવવાનો અર્થ એ નથી કે સંસારને નકારી દેવામાં આવે. અધ્યાત્મ કહે છે કે પરમાત્મા અને સંસાર બે જુદી-જુદી વાતો નથી. સંસાર પોતાની જગ્યાએ છે અને તેનો પણ સ્વીકાર કરવાનો છે. પરંતુ સંસારમાં પરમાત્માને જોવાની દ્રષ્ટિ બનાવી રાખવી જોઈએ. આપણે સંસારમાં પરમાત્માને જેટલો વધુ જોવા લાગીશું, આપણો વિચાર એ બાબતે દ્રઢ બની જશે કે આપણી અંદર જેટલી નબળાઈઓ છે તેની સરખામણીએ આપણને ઓછાં દુ:ખ મળ્યાં છે તથા આપણે જેટલા યોગ્ય છીએ તેના કરતાં વધુ પ્રાપ્ત કરી ચૂક્યા છીએ. તમારી યોગ્યતા કરતાં વધુ મળશે તો તેમાં પ્રભુકૃપા હશે અને નહીંતર તમારે બેઈમાની કરવી પડશે. બેઈમાનીનું પરિણામ પાછું દુ:ખના સ્વરૂપમાં જ મળશે અને પ્રભુકૃપાથી મળેલી સફળતા જીવનમાં ખુશી લાવે છે.