નવલકથાઓના લેખક-ઇશ્વર પેટલીકર

જન્મઃ ૯-૫-૧૯૧૬ના રોજ પેટલી

અભ્યાસઃ  માધ્યમિક શિક્ષણ પેટલી
મલાતજ અને સોજિત્રામા. ૧૯૩૫માં મૅટ્રિક
વડોદરાની પુરુષ અધ્યાપનશાળામાં તાલીમ લઈ, ૧૯૩૮માં ઉત્તમ પદની પદવી મેળવી
એવોર્ડઃ૧૯૬૧માં રણજિતરામ સુવર્ણંચંદ્રક.

રચનાઃ
ગ્રામીણ સમાજ એની પૂરેપૂરી લાક્ષણિકતાઓ સાથે નિરૂપતી નવલકથાઓ અને ટૂંકીવાર્તાઓએ એમને સાહિત્યક્ષેત્રે આગવું સ્થાન અપાવ્યું છે. એમની પ્રથમ છતાં યશોદાયી નવલકથા ‘જનમટીપ’ (૧૯૪૪)માં મહીકાંઠાના ખેડ-ઠાકરડાની પછાત કોમનાં પાત્રો અને તેમના લોકવ્યવહારની સાથે કથાનાયિકા ચંદાની ખુમારી અને છટાનું પ્રભાવક રીતે નિરૂપણ થયું છે. એમની શ્રેષ્ઠ ગણાયેલી નવલકથા ‘ભવસાગર’ (૧૯૫૧)માં ગ્રામીણ સમાજની સાથે માનવીના આંતરમનની સંકુલ વાસ્તવિકતાનું કરુણ અને સ્પર્શક્ષમ આલેખન થયું છે. ‘પંખીનો મેળો’ (૧૯૪૮) અને તેના અનુસંધાનમાં લખાયેલી ‘પાતાળકૂવો’ (૧૯૪૭)માં ચોર-બહારવટિયાઓના આંતરબાહ્ય જીવનનું અને પોલીસોની ખટપટોનું રોમાંચક લાગે તેવું પણ મર્મસ્પર્શી ચિત્રણ છે. ‘કાજળની કોટડી’ (૧૯૪૯)માં સ્વરાજ્ય મળ્યા પછીની પોલીસતંત્રની આંટીઘૂંટીઓનું આલેખન છે. આ ઉપરાંત ‘ધરતીનો અવતાર’ (૧૯૪૬), ‘કંકુ ને કન્યા’ (૧૯૪૬) ‘મારી હૈયાસગડી’ (૧૯૫૦) વગેરે નવલકથાઓમાં ગ્રામપ્રદેશનાં મનુષ્યોનાં સુખદુઃખ, આશાનિરાશા, સાંત્વનો, સમસ્યાઓ, રાગદ્વેષ, ગુણદોષ વગેરેનું એમણે પોતાના નક્કર અનુભવો તથા સમુચિત ભાષાશૈલીના બળ વડે સ્પર્શક્ષમ નિરૂપણ કર્યું છે.

ગ્રામજીવનની સજીવ અને રસિક નવલકથાઓની સાથોસાથ એમણે સાંપ્રત નગરજીવનને આલેખતી ‘તરુણા ઓથે ડુંગર’ (૧૯૫૪), ‘યુગના એંધાણ’ (૧૯૬૧), ‘ઋણાનુબંધ’ (૧૯૬૩), ‘લાક્ષાગૃહ’ (૧૯૬૫), ‘જૂજવાં રૂપ’ (૧૯૬૭), ‘સેતુબંધ’ (૧૯૬૯), ‘અભિજાત’ (૧૯૭૧) વગેરે નવલકથાઓ પણ આપી છે. આ નગરકથાઓમાં સમયના બદલાતા જતા સંદર્ભમાં સ્ત્રી-પુરુષના સંબંધો અને લગ્નજીવનની સમસ્યાઓનું સમતોલપણે અને વાસ્તવવાદી દ્રષ્ટિએ નિરૂપણ થયું છે. એમની નવલકથાઓમાં સામાજિક સમસ્યાઓ અને એના ઉકેલો તથા નગરજીવનનાં દસ્તાવેજી ચિત્રો મોખરે રહ્યાં છે.

એમની નવલિકાઓ મુખ્યત્વે હેતુલક્ષી અને ઘટનાપ્રધાન છે. સંવેદનશીલ કથાવસ્તુ અને કલાત્મક નિરૂપણને કારણે એમની ‘લોહીની સગાઈ’, ‘દિલનું દર્દ’, ‘ગૃહત્યાગ’, ‘મધુરાં સ્વપ્નાં’, ‘ચતુર મુખી’ ઇત્યાદિ વાર્તાઓ હૃદયસ્પર્શી અને નોંધપાત્ર છે. સામાજિક નીતિ-રીતિને કારણે સરળહૃદયી મનુષ્યોએ ભોગવવી પડતી યાતનાઓ અને તેનાં કરુણ-ગંભીર પરિણામો એમની વાર્તાઓનો મુખ્ય વિષય રહ્યાં છે. ‘પારસમણિ’ (૧૯૪૯), ‘ચિનગારી’ (૧૯૫૦), ‘આકાશગંગા’ (૧૯૫૮), ‘કથપૂતળી’ (૧૯૬૨) વગેરે એમના નવલિકાસંગ્રહો છે.

જીવનનો વિશાળ અનુભવ, વૈવિધ્યભર્યા પાત્રો અને પ્રસંગો, પાત્રોનું મનોવિશ્લેષણ ગામડાની લોકબોલી, કહેવતો અને રૂઢિપ્રયોગોનો ઉચિત ઉપયોગ તથા શૈલીની સાદાઈ ને સરળતાને કારણે એમનું કથાસાહિત્ય હૃદ્ય અને લોકપ્રિય બન્યું છે.

‘ગ્રામચિત્રો’ (૧૯૪૪), ‘ધૂપસળી’ (૧૯૫૩), ‘ગોમતીઘાટ’ (૧૯૬૧) અને ‘વિદ્યાનગરના વિશ્વકર્મા’ (૧૯૬૪) એમનાં ચરિત્રલક્ષી પુસ્તકો છે. ‘ગ્રામચિત્રો’માં કટાક્ષ અને નર્મ-મર્મ દ્વારા ગામડાંના કેટલાંક પાત્રોનો પરિચય યથાતથ રીત આપ્યો છે. ‘ધૂપસળી’ની મુલાકાતોમાં ગાંધીયુગની ભાવનાઓ અને તેમને ચરિતાર્થ કરવાના પુરુષાર્થનો આલેખ છે. અહીં દાદાસાહેબ માવળંકર, રવિશંકર મહારાજ મુનિ સંતબાલજી, ડૉ. કૂક વગેરેની મુલાકાતો દ્વારા તેમની પ્રતિભાનો પરિચય કરાવ્યો છે. ‘ગોમતીઘાટ’માં ‘ધૂપસળી’નું અનુસંધાન છે. ‘વિદ્યાનગરના વિશ્વકર્મા’ માં ભાઈકાકાના હૃદયગુણોની મુદ્રા અંકાયેલી છે.

‘જીવનદીપ’ (૧૯૫૩), ‘લોકસાગરને તીરે તીરે’ (૧૯૫૪), ‘સંસારના વમળ’ (૧૯૫૭), ‘સુદર્શન’ (૧૯૬૦), ‘મંગલ કામનાં’ (૧૯૬૪), ‘સંસ્કારધન’ (૧૯૬૬), ‘અમૃતમાર્ગ’(૧૯૬૮) વગેરે લેખસંગ્રહો એમના પત્રકારત્વની નીપજ છે.

જનમટીપ (૧૯૪૪) : પાટણવાડિયા ખેડુ ઠાકરડાની સૌથી નીચલી કોમના સામાજિક વાસ્તવને અને એના ગ્રામસમાજને ઉપસાવતી ઈશ્વર પેટલીકરની નવલકથા. ચંદા અને ભીમાનાં પ્રણયપાત્રોની આસપાસ ફરતી આ કથામાં પાટણવાડિયા કોમનું કૌવત અને હીર પ્રગટ થયા છે. ભીમાને પરણેલી, સાંઢ નાથનારી પરાક્રમી ચંદાની પૂંજો બામરોલિયો મશ્કરી કરે છે અને શરત પ્રમાણે વેરની વસૂલાત ન થાય ત્યાં સુધી ચંદા પિયર જઈ રહે છે. પછીથી ગામશાહુકારને ત્યાં ધાડમાં ભીમો ઘવાય છે ત્યારે હૉસ્પિટલમાં એની સારવાર માટે ચંદા આવે છે ખરી પણ એને સાજો કરી ટેકીલી ચંદા પાછી પિયર ચાલી જાય છે. છેવટે પિતા સાથે રહી ભીમાએ પૂંજાનુ ખૂન કરી વેર લેતાં ચંદા પાછી ફરે છે અને જનમટીપ પામેલા ભીમાનાં ઘર-ખેતરને કુશળતાથી સંભાળી લે છે. નાયિકાકેન્દ્રી કથાના નિરૂપણમાં ક્યાંક કૌતુકરાગી અભિનિવેશો પ્રવેશી ગયા હોવા છતાં ‘માનવતાનું હાર્દ પકડવામાં’ આ કથા સફળ થઈ છે.

ભવસાગર (૧૯૫૧) : ઈશ્વર પેટલીકરની ગ્રામસમાજની જડતા – નિષ્ઠુરતા નીચે રિબાતી અને એ અસહ્ય બનતાં આત્મવિલોપન કરતી નારીની વેદનાને નિરૂપતી નવલકથા. દીકરી અને અબુધ દીકરાને સૂરજને માથે નાખીને એનો પતિ આફ્રિકા કમાવા ગયો છે; ત્યાં એ દારૂજુગારની લતમાં ખુવાર થાય છે; ચોરી કરી હોવાથી ભાગીને આવી શકતોય નથી. ભવસાગરમાં એકલી સૂરજ ઝૂરે છે. પરણાવવા લાયક દીકરી માટે મૂરતિયો શોધવા એ મથે છે. સાસુ-જેઠાણી-જેઠ મદદરૂપ થવાને બદલે એને મહેણાં મારે છે. ઘરની સામે રહેતો ચિમન સૂરજની મનોવેદનાને સહી શકતો નથી, તે એનો આધાર બનવા ઝંખે છે; પણ જડ ને સંવેદનહીન સમાજનો લોકાપવાદ સહન કરવાની એની તૈયારી નથી. કદાચ સૂરજને એથી વધારે હડધૂત થવું પડશે એમ માનીને તે ચૂપ રહે છે. ક્યારેક મદદ કરીને આધાર બનનારા ચિમન પ્રત્યે સૂરજને અપાર લાગણી છે, પણ એ ઠીંગરાઈને-હિજરાઈને રહી જાય છે. દીકરીનું ગોઠવાયેલું લગ્ન અચાનક ફોક થતાં સૂરજ હામ હારી બેસે છે; એની સહન – શક્તિની સીમા આવી જાય છે. આખરે માદીદીકરી કેરોસીન છાંટીને સળગી મરે છે. સૂરજને લેખકે આવા એક પછી એક કપરા અનુભવમાંથી પસાર કરી છે, આથી એની સઘન વેદના ઊપસી રહે છે. ઉપદેશક બન્યા વિના લેખકે અહીં કૃતિને માનવ અને સંવેદનની સીમાઓ સાથે ખૂલવા-ઊકલવા દીધી છે. પાત્રોચિત ને ભાવોચિત ભાષા અહીં સાહજિક બળકટતા પ્રગટાવી શકી છે. એમની ખુદની અન્ય નવલકથાઓમાં પણ આટલી કલાભિમુખતા વિરલ જોવાય છે.

લોહીની સગાઈ : ઈશ્વર પેટલીકરની પ્રસિદ્ધ ટૂંકીવાર્તા. અહીં ગાંડી દીકરી પરત્વેની માતૃત્વની ઉત્કટતાનું છેવટે ઉન્મત્તતામાં થતું પરિવર્તન લક્ષ્ય બન્યું છે.

લોકસાગરને તીરેતીરે (૧૯૫૪) : સમાજમાંથી મળેલાં પાત્રો અને પ્રસંગોને રજૂ કરતું ઈશ્વર પેટલીકરનું પુસ્તક. પહેલો ખંડ સત્તર પાત્રોનો છે; એમાંથી ઘણાંખરાં સ્ત્રીપાત્રો છે. એનું લેખન લગ્ન, પ્રેમ, સાસરાના પ્રશ્નોની આસપાસ થયું છે. બીજો ખંડ સિત્તેર પ્રસંગોનો છે. સામાજિક, રાજ્કીય, ધાર્મિક પ્રવાહોનું એમાં નિશ્લેષણ નિરીક્ષણ છે. પ્રજાની નબળાઈઓ અને સમાજની બદીઓનાં આ ચિત્રણો પાછળ સુધારણાનું ધ્યેય છે. લોકહિતચિંતક તરીકે આ લેખક પાત્રો ને પ્રસંગોને કોઈ પણ કલાઘાટ આપવાની ખેવના કર્યા વગર સીધેસીધાં રજૂ કરે છે, તેમ છતાં વાર્તાતત્ત્વ ક્યાંક ક્યાંક નોંધપાત્ર બન્યું છે

મારી હૈયાસગડી – ભા.૧-૨ (૧૯૫૦) : નારીના અણપ્રીછયા કરુણજીવનનો ખ્યાલ આપતી ઈશ્વર પેટલીકરની સમસ્યાપ્રધાન નવલકથા. ચિત્રલેખા પુરુષત્વહીન ગાંડા પતિ અને કામી જેઠ વચ્ચે ઝઝૂમી છેવટે સુધારક જયંતિલાલ સાથે પરણે છે અને એમ છેવટ સુધી પુરુષનું રમકડું નહીં બનીને સળગતી હૈયાસગડીમાં લાંબો સમય શેકાય છે એની આ કથા છે. બાળલગ્ન અને નારી તરફની ચોક્કસ સમાજવૃત્તિમાંથી જન્મતા અનિષ્ટાનું અહીં નિરૂપણ છે. કથા નાયિકામુખે કહેવાયેલી છે છતાં લેખકનો અવાજ એમાં સ્પષ્ટ વર્તાય છે. માવજત સાદી, સરલ અને દસ્તાવેજી છે.

અવસાનઃ૨૨-૧૧-૧૯૮૩

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors