જૂનાગઢના ગરવા ગિરનારની ગોદમાં જન્મેલા બાળકૃષ્ણ (પુનિત મહારાજ) ના ભજનો નરસિંહ મહેતાના પદોની જેમ જ લોકભાગ્ય બની જઈને ગુજરાતી ભક્તિ સાહિત્યની એક અમૂલ્ય થાપણરૂપ બની ગયાં છે. પોસ્ટ ઓફિસમાં પટાવાળાથી શરૂ કરીને અમદાવાદની મિલોમાં પણ નોકરી કરી. દૈવી શક્તિથી ભજનો રચાવા લાગ્યાં, સાથે કંઠ પણ ઊઘડ્યો. અને ભજનમંડળીઓ જામતી ગઈ. પોતાના અંગતજીવન માટે કે કુટુંબ માટે કશું જ ન રાખતા, જે મળ્યું તેનું ‘પુનિત સેવાશ્રમ’નામનું એક ટ્રસ્ટ બનાવ્યું. ફંડ અંગે તેમના વિચારો મનનીય છે : ‘મેં તો અનુભવે નક્કી કર્યું છે કે ફંડ ભેગું કરવું જ નહીં. ફંડ ત્યાં ફંદ અને ફંડ ત્યાં બંડ. પરિણામે સારા કાર્યો પર તાળાં લાગી જાય.’ દ્વારિકા અને ડાકોરના પગપાળા સંઘો યોજી એમણે ભક્તિની ધૂન મચાવી. ડોકટરોએ ટી.બી.નું નિદાન કરીને કહી દીધું કે, હવે તમે થોડા જ દિવસના મહેમાન છો ત્યારે કેવળ રામનામના ઔષધમંત્રનું રટણ કરીને એ અસાધ્ય રોગ પર વિજય મેળવ્યો. પોતાને દાનમાં મળેલી એક હજાર વાર જમીન પણ એમણે લોકસેવા માટે અર્પણ કરી દીધી. કેવળ રામનામના સહારે સંસારસાગર તરી જનાર એ સંતુનું તા. ૨૭-૭-૧૯૬૨માં અવસાન થયું. તેઓ હંમેશા મુક્તકના માધ્યમથી બોધ આપતાં.
“સેવા ને સ્મરણ: બે જગમાં કરવાના છે કામ,
સેવા તો જનસેવા કરવી, લેવું રામનું નામ.