માણસની આંખ ન પટપટે તો જ નવાઈ ! કુદરતે આંખના પોપચાંને અનેક કાર્યો સોંપ્યા છે. પહેલું કાર્ય લેન્સરૂપી ડોળાને સ્વચ્છ રાખવાનું. પોપચાનો દરેક પલકારો જાણે કે ભીનું પોતું ફેરવતો હોય તેમ ડોળા પર બાઝતા રજકણો જેવા કચરાને સાફ કરે છે. બીજું કે ડોળા જો ભીના ન રહે તો હવાના ઑક્સિજનને શોષી પણ શકે નહિ. શરીરના બધા અવયવોમાં માત્ર ડોળાને લોહી દ્વારા ઑક્સિજન મળતી નથી, એટલે તે પુરવઠો તેમણે હવા દ્વારા મેળવવો પડે.
ઈજા થવાનું કે ઝાપટ વાગવાનું જોખમ હોય ત્યારે પણ ઘડીના છઠ્ઠા ભાગમાં બીડાતાં પોપચાં આંખોને રક્ષણ આપે છે. આ કાર્યો જોતાં કુદરતે જ પોપચાંને અનૈચ્છિક રીતે ઑટોમેટિક પલકારા માર્યા કરે તેવાં બનાવ્યાં છે. માણસની આંખનાં પોપચાં સરેરાશ પાંચ સેકન્ડે ૧ પલકારો મારે છે. દિવસમાં ૧૭,૦૦૦ વખત પલકે છે અને એક વર્ષમાં તો ૬૨,૫૦,૦૦૦ વખત !