વિના કારણે જીવનમાં મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે, તે માટે કેટલીક તૈયારી આપણે અત્યારથી જ કરી લેવી જરુરી છે.
ઘણા લોકો બેંક એકાઉન્ટ, ઇન્શ્યોરન્સ પોલીસી, લોકર, વગેરેમાં સિંગલ નામ રાખે છે. માત્ર પોતાના જ નામે એકાઉન્ટ ખોલાવે, શેર ખરીદે કે લોકરમાં ક્યારેક નોમિની તરીકે કોઇનું નામ જ ન હોય. આમાં ક્યારેક પરિવારના અન્ય સભ્યોને મુશ્કેલી ઊભી થઇ શકે છે.
એકથી વધારે હોય નોમિની
તમારી રકમ કે સંપત્તિમાં પરિવારના એકથી વધારે સભ્યોને નોમિની બનાવો. જો અરજી કરનાર અને નોમિની એક્સાથે કોઇ અકસ્માતનો ભોગ બને તો આવી સ્થિતિમાં નિશ્વિત રકમ વિશ્વાસપાત્ર હાથોમાં જ આપવામાં આવશે. જમીનનો વીમો, પ્રોવિડન્ડ ફંડ, બેંક એકાઉન્ટ, બેંક લોકર વગેરેમાં એકથી વધારેને નોમિની બનાવી શકાય છે.
બેંક લોકર હોય સહિયારું
બેંક લોકર પણ ઘરના બે સમજદાર સભ્યો વચ્ચે કોમન (સહિયારું) હોય, તો વધારે સારું રહેશે.
આમ ન હોય તો જો લોકર જેના નામનું હોય તેનું અવસાન થાય ત્યારે પરિવારના બીજા કોઇ સભ્યે પોતાના નામે લોકર કરાવવા માટે અનેક મુશ્કેલ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. આ ઉપરાંત, તેની ટ્રાન્સફર માટે લોકરમાં કુલ જમા રકમ અથવા સંપત્તિના સરવાળાના ૧૦થી ૧૨ ટકા કાયદેસર ખર્ચ પણ કરવો પડશે.
બેંક લોકરનો સદુપયોગ
ઘરેણાં અને કિંમતી વસ્તુની સાથોસાથ અગત્યના દસ્તાવેજો (જમા રોકડ અને મિલકતના તમામ અગત્યના ડોકયુમેન્ટ્સ)ની મૂળ નકલ બેંકના લોકરમાં રાખો. અહીં આ ડોકયુમેન્ટ્સ વધારે સુરક્ષિત રહેશે. ઘરમાં રાખવા માટે તમે દરેક ડોકયુમેન્ટ્સની ઝેરોકસ કરાવી અને દરેકની જુદી જુદી ફાઇલ બનાવો.
રેસિડન્સ પ્રૂફ
કેટલાક જરૂરી કામ માટે અરજી કરતી વખતે આપણે વર્તમાન એડ્રેસપ્રૂફ (રેસિડન્સ પ્રૂફ) આપવું પડે છે. જો ઘર તમારું પોતાનું હોય તો લાઇટ, પાણી, લેન્ડલાઇન ફોન વગેરેના બિલની ફોટોકોપી અથવા તો પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, વોટર આઇડેન્ટિટી કાર્ડ વગેરેની ફોટોકોપીનું બીડાણ કરી શકો છો. જો તમે ભાડેથી રહેતાં હો, તો રેસિડન્સ પ્રૂફ માટે તમારે રેન્ટ એગ્રીમેન્ટ (મકાન માલિક સાથે નક્કી કરેલા કરારપત્ર)ની ઝેરોકસ લગાવવાની હોય છે. આથી તમારી પાસે રેન્ટ એગ્રીમેન્ટની એક કોપી અવશ્ય રાખો.
એગ્રીમેન્ટ ન હોય તો
– રેન્ટ એગ્રીમેન્ટ ન હોય અથવા એગ્રીમેન્ટનો નક્કી કરેલો સમય પૂરો થઇ જાય ત્યારે ઘરના સરનામાંના પુરાવારૂપે રજિસ્ટર્ડ પોસ્ટની એનોલેજમેન્ટ સ્લીપ માન્ય ગણાય છે. આથી જો કોઇ રજિસ્ટર પોસ્ટ મોકલે, તો તમને મળેલી એનોલેજમેન્ટ સ્લીપને રેસિડન્સ પ્રૂફ તરીકે સાચવી રાખો.
– આ ઉપરાંત, જો બેંક એકાઉન્ટમાં તમારું વર્તમાન સરનામું નોંધાયેલું હોય, તો બેંકની પાસબુક કે ચેકબુક અથવા તો લેન્ડલાઇન ફોનના બિલની નકલ પણ આપી શકાય છે.
– જો વોટર આઇડેન્ટિટી કાર્ડ, રેશન કાર્ડ વગેરેમાં વર્તમાન ઘરનું એડ્રેસ આપેલું હોય, તો તે પણ રેસિડન્સ પ્રૂફ તરીકે ગણાશે.
એડ્રેસ બદલવાની પ્રક્રિયા
જો તમારું વર્તમાન એડ્રેસ બદલાયું હોય, તો વહેલી તકે બેંક, વીમા કંપની વગેરેમાં નવું સરનામું નોંધાવી દેવામાં જ સમજદારી છે. એ માટે તમારે આ બધાની ઓફિસમાં અરજી કરવાની સાથે નવા એડ્રેસના રેસિડન્સ પ્રૂફની નકલ જમા કરાવવાની રહેશે. આ ઉપરાંત, તમારી પાસે બાનાખતની માંગણી પણ કરવામાં આવી શકે છે.
આ છે ઓળખપત્ર
પાસપોર્ટ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ અને સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ કોઇ પણ ઓળખ પત્ર જેમ કે, રેશન કાર્ડ, વોટર આઇડી, સરકારી કર્મચારી હોવાનું આઇડિન્ટટી કાર્ડ વગેરે માન્ય આઇડિન્ટટી પ્રૂફ (પરિચય પત્ર) તરીકે ગણતરીમાં લેવાય છે. આથી આમાંથી ગમે તે એક ઓળખ કાયમ તમારી સાથે રાખો. મૂળ નકલ સાથે ન રાખતાં કલર ઝેરોકસ સાથે રાખવાનું વધારે હિતાવહ છે.
આ ભૂલશો નહીં!
તમારા મોબાઇલની ફોનબુકમાં તમારો બેંક એકાઉન્ટ નંબર, ઘરનો પિન કોડ અને તમારો પાન કાર્ડ નંબર સાચવીને રાખો. આ જાણકારીઓની વારંવાર જરૂર પડતી હોય છે. આથી સમય આવ્યે સગવડ રહેશે. સુરક્ષાની દ્રષ્ટિએ સ્પષ્ટ શબ્દોને બદલે સંક્ષિપ્ત શબ્દાવલીનો ઉપયોગ કરવો વધારે સારો.