અમદાવાદ(કર્ણાવતી)

અમદાવાદ ગુજરાત રાજ્યનું સૌથી મોટુ નગર છે સાબરમતી નદી ના કિનારે સ્થિત આ શહેર અમદાવાદ જિલ્લા નું મુખ્ય મથક છે અને ૧૯૬૦ થી ૧૯૭૦ સુધી ગુજરાત રાજ્ય નું પાટનગર પણ રહી ચુક્યુ છે, જેના પછી ગાંધીનગર શહેર ને પાટનગર બનાવવા માં આવ્યુ. આ શહેર ને કર્ણાવતી પણ કહેવાય છે. કર્ણાવતી એ અમદાવાદ ની જગ્યા એ સ્થિત એક શહેર હતું.
ગાંધી આશ્રમઃ
અમદાવાદ શહેરમાં સાબરમતી નદીના કિનારે આવેલ છે. અંગ્રેજો સામેના સત્યાગ્રહની છાવણી તરીકે જાણીતા આ આશ્રમની સ્થાપના ઇ.સ. ૧૯૧૭ના વર્ષમાં અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલા કોચરબ આશ્રમ ખાતે મહાત્મા ગાંધીજીએ કરી હતી.

ગાંધી આશ્રમ એ ગાંધીજીનું આઝાદી પહેલાનુ રહેઠાણ હતું. અહીંથી તેમણે આઝાદીની ચળવળની શરૂઆત કરી હતી. ગાંધીજી સાંજના સમયે સાબરમતીને કિનારે બેસીને પ્રાર્થના કરતાં હતાં. મીઠાના સત્યાગ્રહ માટે ગાંધીજીએ ગાંધી આશ્રમથી દાંડી કૂચની શરૂઆત કરી હતી. આ આશ્રમ સાબરમતી આશ્રમ કે હરીજન આશ્રમ તરીકે પણ જાણીતો છે. આજે પણ ગાંધી આશ્રમની ગરીમા જળવાયેલી રહી છે અને અનેક વિદેશીઓ ગાંધી આશ્રમની મુલકત લે છે.અહી ગાંધીજીની જૂની વસ્તુઓ પણ મુકવામાં આવેલી છે.
સરખેજનો રોજો : અમદાવાદ
અમદાવાદના લગભગ પાદરમાં જ કહી શકાય તેટલું નજીક આવેલું સરખેજ ત્યાંના રોજા માટે ખૂબ જાણીતું છે. કડા તળાવને કાંઠે આવેલા રાજાનું બાંધકામ સ્થાપત્ય અને કોતરણીની ર્દષ્ટિએ એટલું સુંદર છે તેમજ અમદાવાદના ઇતિહાસ સાથે તેનો એવો સંબંધ છે કે અમદાવાદ આવનાર કોઈ પણ દેશી-વિદેશી પ્રવાસી સરખેજ ગયા વગર રહેતો નથી. મુસ્લિમો માટે તે ત્યાંની સંતની દરગાહને કારણે યાત્રાસ્થળ પણ બની રહ્યું છે. પવિત્રતા, વિદ્વતા અને પોતાની ઊંચી ધાર્મિક ભૂમિકા માટે વિખ્યાત-આદરણીય સંત શેખ અહમદ ખટ્ટુ ગંજબક્ષ ૧૧૧ વર્ષની ઉંમરે ૧૪૪૬માં જન્નવતનશીન થયા ત્યારે એ જ સાલમાં અમદાવાદના – ગુજરાતના – સુલતાને એમનો રોજો બંધાવવો શરૂ કર્યો તે ૧૪૫૧માં બંધાઈને પૂરો થયો.
વચલા ચોગાનમાં સંત અહમદ ખટ્ટુ ગંજબક્ષનો મુખ્ય ‍અને વિશાળ રોજો છે. ગુજરાત-ભરમાં જે રોજાઓ છે તેમાં આ સૌથી મોટો છે. તેનો ફેલાવો ૩૫ ચો.મીટર જેટલો છે. નજીકમાં જ મહંમદ બેગડો અને તેની બેગમોના રોજા છે. રોજાની ભીંતો અને કબર પર સુંદર કોતરણી છે. ખાસ કરીને મુખ્ય રોજાની – કબરના વિશાળ ખંડની આરસની દીવાલોમાં – કોતરેલી જાળીઓ ખૂબ સુંદર છે. હવાની આરસની દીવાલોમાં – કોતરેલી જાળીઓ ખૂબ સુંદર છે. હવાની આવન-જાવન ચાલુ રાખીને તે પ્રકાશનું સરસ નિયંત્રણ કરે છે. જાળીઓમાંથી પસાર થતો પ્રકાશ અંદર અને બહારની આરસની ફરસબંધી પર સૂર્યની ગતિ સાથે પરિવર્તન થતી છાયા-પ્રકાશની જે આકૃતિઓ રચે છે તે એ સફેદ ફરસબંધીને કલાપૂર્ણ અને મનોહર બનાવે છે. સુલતાન મહંમદ અને અન્ય સુલતાનોની કબરો પણ અહીં છે. તેમાં બેગડાની વિશાળ કબર તેના પડછંદ વ્યક્તિત્વ અને તેના પરાક્રમોના પ્રતીક સમી બની રહે છે, તો સંત સમા સુલતાન મુઝફ્ફરશાહની કબર સંત ગંજબક્ષના સાંનિધ્યને વધુ પૂરક બનાવે છે.
અમદાવાદની ખૂબ જ ભવ્ય અને સુંદર જામા મસ્જિદ
ત્રણ દરવાજાની અંદર જતાં જમણે હાથે વિશાળ જામા મસ્જિદ આવેલી છે. અમદાવાદની આ ૧૪૨૩માં બંધાયેલી સૌથી મોટી મસ્જિદની ગણના ભારતની મોટી મસ્જિદોમાં થાય છે. ઉપરાંત સ્થાપત્ય-રચના અને શિલ્પશોભાની ર્દષ્ટિએ પણ તે મહત્વનું સ્થાન ધરાવે છે. એક સમયમાં તે મોટા મેદાનની વચ્ચે અને ચાર રસ્તાના કેન્દ્રમાં હતી. આજની બજારભીંસને દૂર કલ્પીને વિચારતાં આ મસ્જિદની સ્થાપત્યકલાનો ખ્યાલ આવશે. એની મુખય કમાનની આસપાસ બે ઊંચા મિનારા હતા જે ધરતીકંપને કારણે તૂટી ગયા છે. ઈ. સ. ૧૬૧૮માં બાદશાહ જહાંગીરે આ મસ્જિદની મુલાકાત લીધી હતી. વિશાળ ચોકની એક પાસ રચાયેલી અને કમાનો-થાંભલાઓવાળી આ મસ્જિદ ખૂબ જ ભવ્ય અને સુંદર છે.
આખી મસ્જિદની લંબાઈ ૧૩૦ મીટર અને પહોળાઈ ૮૨ મીટર છે. તેના ત્રણ દરવાજા છે એક માણેકચોકમાં, બીજો પાનકોરનાકાએ ને ત્રીજો કાગદીઓળમાં પડે છે. બાંધકામ રેતિયા પથ્થરનું છે. પણ નમાજ પઢવાની જગ્યાએ આરસનો ઉપયોગ થયો છે. ચારે તરફ કાંગરા ને છજાદાર બારીઓ છે. પાછળથી કેટલીક બારીઓ ચણતરથી બંધ કરવામાં આવી છે. તેનું ધાબું ૧૯૦ થાંભલાના આધારે રહેલું છે. એક તરફ જવા માટે જાળીવાળો અર્ધમાળ છે તો વચમાંના થાંભલાને અન્યથી ઊંચા કરી તેની ઉપર ઘુમ્મટ આકૃતિઓ કરીને અજવાળા માટે સવલત કરી છે. ચોકમાં વચ્ચે હોજ છે. ઉત્તરની પડાળીમાં બે મીટરના કદના પવિત્ર વાક્યો મોટા અક્ષરે કોતરેલાં છે.
અમદાવાદની આ બેનમૂન ને ભવ્ય ઇમારત ચોપાસ વળગેલી દુકાનોનાં બેડોળ બાંધકામ અને ગંદા બજારની ભીડમાં ઢંકાઈ ગઈ છે. જામામસ્જિદમાંથી જ બાદશાહના હજીરામાં જઈ શકાય છે અને તેની સામે જ રસ્તાની સામી બાજુએ રાણીનો હજીરો છે. અહમદશાહે – પોતાના મૃત્યુ બાદ પોતાના અને બેગના દફન માટે બંધાવેલા રોજાઓ સુંદર છે. માણેકચોકની વચમાં આવેલી ઇમારતો પણ જોવા જેવી છે. માણેકચોકમાં ખૂબ ખુલ્લી જગ્યા હશે. ત્યાં ધંધાનું કેન્દ્ર તો હશે જ. વેપાર વધતાં આ વિસ્તારમાં મકાનો-દુકાનો વધતાં ગયાં. માણેકચોક અમદાવાદનું સૌથી મુખ્ય ચૌટું ને વ્યાપારી કેન્દ્ર બની ગયું. અત્યારે તે સૌથી ગીચ ને ભીડવાળો વિસ્તાર છે. અમદાવાદની નગરરચના લગભગ પાટણ પ્રમાણે જ થઈ અને પાટણની જેમ અમદાવાદમાં પોળો બનતી ગઈ.
અમદાવાદમાં જામા મસ્જિદ ઉપરાંત પણ સુંદર કલાકારીગરીવાળી બીજી અને મસ્જિદો આવેલી છે. એમાં રિલીફ રોડ પરની ઝકરિયા મસ્જિદ, દિલ્હી ચકલામાંની કુતુબુદીન શાહની મસ્જિદ, સારંગપુરની મસ્જિદ, ખાનપુરમાં આવેલી રાણી રૂપમતીની અને આસ્ટોડિયા દરવાજા પાસેની રાણી સિપ્રીની, ઘીકાંટા વિસ્તારમાંની મહાફિઝખાંની ને લાલદરવાજા પરની સીદી સઈદનીએ મુખ્ય છે. સીદી સઈદની જાળીઓની કોતરણી તો વિશ્વવિખ્યાત છે અને તેના પથ્થરના નમૂના પરદેશનાં સંગ્રહાલયોમાં છે તો તેની ચાંદીની પ્રતિકૃતિઓ અમદાવાદના નગરપ્રતીક તરીકે લોકપ્રિય સોગાદ બની છે. વાસણા પાસેનો આઝમખાનનો, શાહઆલમનો રોજો અને શાહીબાગમાંનો ખૂબ જ વિશાળ ઊંચો અને ઈંટનો બનેલો દરિયાખાનનો ઘુમ્મટ પણ અગત્યના મુસ્લિમ સ્થાપત્યો તરીકે જોવાલાયક છે.

અમદાવાદના પ્રતિકસમી વિશ્વપ્રસિદ્ધ સીદી સઈદની જાળીઓ
લાલ દરવાજે આવેલી સીદી સઈદની મસ્જિદની અદ્દભુત કોતરણીવાળી આ જાળીએ અમદાવાદની કારીગરીનો આખી દુનિયામાં ડંકો વગાડ્યો છે. પોણાચાર મીટર પહોળી અને અઢી મીટર ઊંચી, જાડા પથ્થરમાં આરપાર કોતરેલાં ચોસલાંઓ જોડીને બનાવેલી એ જાળીઓનું ખરું મહત્વ તેની સળગરચનાનું છે. આ જાળીઓની પહેલી નકલ લાકડામાં એક હજાર રૂપિ‍યાને ખર્ચે થઈ હતી. આજે અમેરિકા તથા લંડનનાં મ્યુઝિયમોમાં એની નકલો છે. એ મસ્જિદ અમદાવાદના એક કાળે સર્વસત્તાધીશ જેવા જુઝારખાન સીદીના મિત્ર સીદી સયીદે તે બંધાવેલી.
મુગલ સામ્રાજ્યની હકૂમત દરમ્યાન અમદાવાદનું મહત્વ ઘણું હતું. બાદશાહના દીકરાઓ અહીં સૂબા તરીકે આવતા. જહાંગીર ગાદીએ બેસતાં પહેલાં અને પછી અમદાવાદમાં ઘણું રહ્યો છે. સર ટૉમસ-રૉને મુલાકાત આપીને રાજા જેમ્સ પર તેણે અહીંથી જ પત્રો લખ્યા છે. સર ટૉમસ-રૉને તે વખતે અમદાવાદ લંડન જેવડું લાગેલું. ૧૬૧૮માં કાંકરિયામાં આવેલી નગીનાવાડીમાં બાદશાહ જહાંગીર અને સર ટૉમસ-રૉની એ ઐતિહાસિક મુલાકાત વખતે બેમાંથી કોઈનેય ક્યાંથી ખ્યાલ હોય કે આ ક્ષણે રોપાયેલું વેપારના પરવાનગીરૂપી બીજ પછી ભારત પરના બ્રિટિશ સામ્રાજ્યમાં વિસ્તરશે ! કોને ખબર હતી કે, પરદેશીઓને વેપાર કરવાની પ્રેમથી અપાયેલી પરવાનગી ગુલામીની શ્રૃંખલા બનીને ભારતને જકડી લેશે ! અમદાવાદની ધરતી પર એ ક્ષણે ઇતિહાસની એવી મહાઘટનાનાં બીજ રોપાયાં-જેની અસરો પછીના બસો વર્ષ સુધી રહેવાની હતી.
અમદાવાદનું ત્યારે મોગલ દરમારમાં માન હતું. અમદાવાદના શાંતિદાસ નગરશેઠે રાજ્યના ઝવેરી હતા. અમદાવાદ જૈન સાધુ અકબરના સામાન્ય સલાહકાર હતા. જહાંગીરને ચિત્રકળાનો ભારે શોખ હતો. તેની ચિત્રકળામાં ગુજરાતના ચિત્રકારો હતા. છેક મોગલશાસનના લગભગ અંતભાગે જ્યારે ફારસીને બદલે ઉર્દૂ ભાષા વધુ પ્રચલિત થઈ ત્યારે ઉર્દૂ કવિઓમાં અગ્રેસર ગણાતો ‘વલી ગુજરાતી‘ અમદાવાદનો હતો. શાહીબાગ અંડરબ્રિજ પાસે એની દરગાહ જોઈ શકાય છે.
અંગ્રેજોએ ૧૮૧૮માં અમદાવાદ પર યુનિયન જેક ફરકાવ્યો. ૧૮૧૯માં થયેલા એક મોટા ધરતીકંપમાં જામા મસ્જિદના મિનારા તૂટી પડ્યાં. ૧૮૩૨માં મિરઝાપુરની રાણી રૂપમતીની મસ્જિદમાં મિ. વાઇબર્ટે વાઘ માર્યો હતો. (એ શહેરની પરિસ્થિતિ સૂચવે છે.)અત્યારે મ્યુનિસિપાલિટી ને મહાનગરપાલિકા જે પ્રકારનાં કામો કરે છે તેવાં કામો 1846માં રસ્તા પર પાણી છાંટવું ને શેરીમાં દીવા મૂકવા વગેરે શરૂ થયાં. ૧૮૪૯માં ભદ્ર પર મોટું ઘડિયાળ મુકાયું. અમદાવાદની પ્રજાએ ગુલામી વીસરીને અંધાધૂંધીમાંથી રાહતનો શ્વાસ લીધો. આથી જ કેટલાક સમય પછી કવિ દલપતરામે ગાયેલું ‘એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન !‘
૧૮૫૭ના બળવાના સમયે અહીં ઝાઝી પ્રવૃત્તિ જણાતી નથી. ૧૮૫૯માં રણછોડલાલ છોટાલાલે પહેલી કાપડ મિલ ઊભી કરી. ૧૮૬૪માં કાળુપુર દરવાજા બહાર બી. બી. ઍન્ડ સી. આઈ. નું રેલ્વે સ્ટેશન થયેલું. 1855 માં મ્યુનિસિપાલિટી માટે લોક‍પ્રતિનિધિઓની રીતસરની પહેલી ચૂંટણી થઈ અને ગુજરાતમાં મિલ-ઉદ્યોગના પિતા રણછોડલાલ છોટાલાલ તેના પહેલા પ્રમુખ થયા. એમણે અનેકનો વિરોધ વેઠીને અમદાવાદમાં પાણીના નળ અને ગટરોની શરૂઆત કરી. એમના પૌત્ર ચીનુભાઈ માધુભાઈ (બેરોનેટ) મોટા દાનવીર થયા.
દિલ્હી દરવાજા બહારનું એ હઠીસિંગનું જિનાલય તો કળાનો અદ્દભુત નમૂનો છે. ૧૮૫૦માં પ્રેમચંદ સલાટે સફેદ આરસનું આ મંદિર રચ્યું. મંદિરમાં આગળ એક માળવાળો સુંદર મંડપ છે મેઘનાદ મંડપ, અંદર ચોકમાં વચ્ચે મુખ્ય મંદિર અને આસપાસ બાવન જિનાલયો છે. મંદિરનો આગળનો મંડપ, વચલો મંડપ અને ગભારાનું બાંધકામ ઉત્તમ કોટિનાં છે. ઉપર માળ ને નીચે ભોંયરું છે. આ મંદિર સાથે શેઠ હઠીસિંગે આસપાસ વિસ્તારમાં વાડી-ધર્મશાળા ને થોડી વસ્તી વસાવેલી જે હઠીપરું તરીકે ઓળખાતી.
શેઠ હઠીસિંગ કેસરીસિંગ મોટા વેપારી હતા. તેમનાં પત્ની હરકુંવર શેઠાણી પણ ઉદાર ધર્મપરાયણ અને સમાજ-સુધારક હતાં. જ્યારે કન્યા-કેળવણીની વિરુદ્ધ વાતાવરણ હતું ત્યારે 1850માં તેમણે એક કન્યાશાળા બંધાવેલી – ‘મગનલાલ કરમચંદ કન્યાશાળા.‘
હઠીસિંગનાં દેરાં ઉપરાંત ઝવેરીવાડનું સંભવનાથનું ચિંતામણી પાર્શ્વનાથનું તેમજ આદીશ્વરનાથનું-વગેરે દેવાલયો અને નિશાપોળમાં હરકુંવરે બંધાવેલું ધર્મનાથનું – ધનાસુથારની પોળમાંનુ આદીશ્વર ભગવાનનું, ફતાશાની પોળનું મહાવીર સ્વામીનું આમ અનેક દેરાસરો છે. પાલડીમાં ધરણીધરનું, વીર ઘંટાકર્ણ અને વીર પદ્માવતીજી માતાનું વગેરે અર્વાચીન દેરાસરો પણ બનાવાયા છે.
જૈનેતર મંદિરોમાં પ્રાચીન જડવાં મુશ્કેલ છે – પણ રાયપુર દરવાજા પાસેના કામનાથ મહાદેવ, શાહીબાગના ભીમનાથ મહાદેવ, ભદ્રનાં ભદ્રકાળી તથા અંબાજી, બહુચરાજી વગેરે માતાનાં મંદિરો, દોશીવાડાની પોળમાંની વૈષ્‍ણવ હવેલી તથા રણછોડજી, શ્રીકૃષ્‍ણ સાથે રામનાં અનેક મંદિરો છે. કેટલાંક અર્વાચીન દેવાલયો નવા પ્રકારની સ્થાપત્યશૈલીનાં ને તે રીતે જોવાલાયક છે. તો ઘણાંખરાં જિનાલયો ને અન્ય પ્રાચીન શૈલીએ રચાયાં છે.
પછી તો અમદાવાદમાં અનેક સંસ્થાઓ વિકસી, ગુજરાત કૉલેજ શરૂ થઈ – શહેરનો ને પ્રજાનો વિકાસ થતો ગયો – ઉદ્યોગોની ભીડ થઈ – અમદાવાદના મિલઉદ્યોગે તેને ભારતનું માંચેસ્ટર બનાવ્યું. ગાંધીજી આવ્યા – આશ્રમો થયા – આઝાદી સંગ્રામમાં તો અમદાવાદનો અનોખો ફાળો – આઝાદી આવી – ગુજરાતનું અલગ રાજ્ય ને એમ આપણે છેક ‘આજ‘ના ઉંબરે આવી પહોંચ્યા છીએ.
આમાંથી જ પ્રગટ થતું આ નગરનું એક વિશિષ્‍ટ વ્યક્તિત્વ, અહીંની પ્રજાનો આગવો સ્વભાવ. અહીંની પ્રજા કશાને ગણકારતી નથી ને કોઈને ગાંઠતી નથી. એનું દિમાગ ઓર છે. એનો મિજાજ આઝાદ છે. આથી જ અર્વાચીન કાળમાંય અનેક ‘પ્રતિકારો‘ ને ‘પડકારો‘ અહીંથી જ શરૂ થયા છે. ક્રાન્તિનો ઉત્સાહ જાણે એની રગોમાં છે. પડકારને ઝીલવો એ એનો સ્વભાવ છે, પ્રતિકાર કરવો એ એની ખાસિયત છે. જેટલી નિરાંતથી એ બેફિકરાઈપૂર્વક મોજ કરી શકે છે તેટલી જ આસાનીથી એ કોઈનીય નેતાગીરીની રાહ જોયા વગર સ્વયંભૂ પ્રેરણાથી અનાયાસ વ્યવસ્થિત રૂપે લોકઆંદોલન સ્વરૂપે પ્રગટ થઈ શકે છે. અહીંની પ્રજા જ્યારે રમણે ચઢે છે ત્યારે તેમાં યુવાન-વૃદ્ધોનો કોઈ વય-પ્રાપ્‍ત તફાવત નથી હોતો. યુવાન અને યુવતી સમાન હિંમત ને કૌશલ્યથી પોલીસો સામે પથ્થરબાજી કરી શકે છે ને એ જ પ્રજા આપત્તિકાળે એટલે જ સાહજિકતાથી કામે લાગી શકે છે ને ધર્મપ્રસંગે પલાંઠીવાળી બેસી જાય છે.
રૂઢિચુસ્તતા ને પ્રાગૈતિહાસિકતાનો પ્રાચીન અને અર્વાચીનનો આ નગરની રચનામાં માત્ર ઇમારતોમાં જ નહીં લોકસ્વભાવમાં પણ અજબનો મેળ છે. આ એક એવું શહેર છે જેમાં પૈસાપાત્ર મિલમાલિક હારી જાય ને ફકીર ચૂંટણી જીતી જાય. આ એક એવું શહેર છે જેમાં યુવક-યુવતીઓ નવરાત્રિમાં માતાની પૂજા-ઉપવાસ કરે છે ને રાત્રે ગરબામાં ડિસ્કો રમે છે. આ એક એવું નગર છે જ્યાં માણસ વાપરવામાં કંજૂસાઈ કરે છે ને બહોળે હાથે દાન કરે છે. આ એક એવું શહેર છે જ્યાં કેટલીક સ્ત્રીઓ ઘૂમટો તાણે છે પણ પોલીસને પોળમાં પ્રવેશવા દેતી નથી. આ એક એવું નગર છે જ્યાં રસ્તા પર અદ્યતન પરદેશી મોટરગાડી અને ઊંટગાડી સાથે સાથે સરતાં દેખાય છે
અનુપમ સૌંદર્ય ધરાવતી : અડાલજની વાવ

ગાંધીનગરથી નજીક અડાલજ ગામની ઐતિહાસિક વાવનું સ્થાપત્ય, એના કોતરણીવાળા સ્તંભો-ગોખલા વગેરેનાં મનોરમ્ય શિલ્પ આ વાવને કલાના ઉત્કૃષ્ટ નમૂના તરીકે પુરવાર કરે છે. વાવો ગુજરાતના લોકસ્થાપત્યની વિશિષ્ટાઓ છે.
અડાલજની વાવના કૂવામાં ઊતરવા માટે લાંબી – ત્રાંસી ને શક્ય એટલી પહોળી પગથિયાંની શ્રેણી રચવામાં આવી છે. આથી તેના પ્રવેશ અને કૂવા વચ્ચે ખાસ્સું અંતર હોય છે. આ અંતરના વિસ્તારને વિવિધ માળ બાંધી ભરવામાં આવ્યા છે.
એ ધરતીની ઉપર પણ એક માળ બાંધવામાં આવ્યો છે. પ્રવેશ આગળ મંડપિકા- ચોતરો વગેરે રચાયાં છે. અહીં વાવમાં અન્ય રચના દેખાતી નથી. પણ વાવની બે બાજુએ પથ્થરની દીવાલો-સ્તંભો રચવામાં આવ્યા છે. ગોખ બનાવ્યા છે અને આ બધાંને સુંદર કોતરણી અને શિલ્પોથી શણગારેલ છે.
સ્થાપત્યર્દષ્ટિએ વાવ મહત્વનો પ્રકાર છે. ગુજરાતના માર્ગો ઉપર તેમજ નગરો-ગામોમાં  કે દેવસ્થાનો પાસે પુરાણા સમયની અનેક વાવો છે.
અડાલજની વાવની સુંદરતાને કારણે સરકારે તેની જાળવણી કરીને પ્રવાસસ્થાન તરીકે ત્યાં  સવલતો કરી છે. અમદાવાદથી તે લગભગ ૧૮ કિલોમીટર દૂર છે. આ વાવ રુદા બાઈએ તેના પતિ વીરસિંહની યાદમાં સંવત ૧૪૯૯માં બંધાવી હતી. તેને પાંચ મજલા છે.
વાવમાં જવા માટે ત્રણ દ્વાર છે. અંદર જતાં મંડપ આવે છે એના પર અષ્ટકોણ ઘુમ્મટ બાંધેલો, જે અત્યારે રહ્યો નથી. પણ તેના થાંભલા સારી હાલતમાં છે.
પગથિયાંની બંને બાજુ સુંદર કોતરણીવાળા ઝરૂખા છે. નીચે હાથી વગેરે આકૃતિઓનાં કંદોરા કરેલા છે. વાવમાંના ગોખ પણ શણગારેલા છે. વાવની લંબાઈ કુલ ૮૪ મીટર જેટલી છે.
વાવમાં સંસ્કૃત ભાષામાં લેખ છે જેના પરથી તે બંધાયાની સાલ વગેરેની માહિતી મળે છે.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors