ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા જિલ્લાઓમાંનો એક જિલ્લો છે.આ જિલ્લામાં સાગ, સાદડ અને વાંસનાં ગાઢ જંગલો આવેલા છે. ડાંગનાં જંગલોમાં અનેક દવાઓ માટે વપરાતી વનસ્પતિઓ ઉગે છે. આ જિલ્લાનો મોટાભાગનો વિસ્તાર ડુંગરાળ પ્રદેશ છે
ગુજરાતના જિલ્લાઓમાં સૌથી નાનો અને આદિવાસીઓની સૌથી વધુ વસ્તી ધરાવે છે. પૂર્વ તરફ થાણા જિલ્લાના ડુંગરો અને જંગલોનું અનુસંધાન. વલસાડની પૂર્વે ધરમપુરનાં જંગલો, નવસારી-બીલીમોરાની પૂર્વે વાંસદા-ડાંગનાં જંગલો, પશ્ચિમે સમુદ્રનો તેમ પૂર્વે જંગલોનો સળંગ પટ્ટો. ધરમપુર અને વાંસદા જૂનાં રજવાડાં, ડુંગરો-જંગલો વચ્ચે વસેલાં રજવાડી ઘાટનાં. પણ હવે ઊતરેલી રોનક છતાં પણ કુદરતી મનોહર ભૂમિકાને લીધે રળિયામણા લાગે છે. ઘરમપુર-વલસાડ જિલ્લામાં અને વાંસદા-સુરત જિલ્લામાં. ડાંગનો તો અલગ જિલ્લો. એ પ્રદેશ વનવાસીઓની પછાત જાતિઓનો-ભીલો જેવી પ્રજા ડાંગીઓનો. તેમના વિકાસ અર્થે આ વ્યવસ્થા. સુરતથી પૂર્વમાં જઈએ એટલે ‘આહવા‘ આવે. કંઈક ઊંચાઈ પર આવેલું એ જિલ્લાનું મુખ્ય મથક. બીલીમોરાથી વધઈ સુધી તો જૂના વખતની નેરોગેજ ટ્રેન પણ ખરી. આહવામાં સરકારી કચેરીઓ છે. માત્ર વર્ષમાં એક વાર ડાંગ દરબાર ભરાય. ડાંગનું બીજું શહેર વધઈ.
ડાંગનાં જુદાં જુદાં ગામોના જૂના ઠાકોરોને શિરપાવ અપાય, મેળો જામે, આદિવાસીનું નૃત્ય થાય તે જોવા જેવું. બાકી મુખ્ય મથક સાપુતારા. ચોપાસ સઘન જંગલ. ત્યાં બારડીપાડાનું અભયારણ્ય – વન્ય પશુઓથી ભરેલું. આહવામાં ઘેલુભાઈ નાયકે અને છોટુભાઈ નાયકે આશ્રમશાળાની પ્રવૃત્તિ દ્વારા આ પ્રજાના વિકાસ માટે અનેકવિધ પ્રવૃત્તિ કરી છે. જંગલમાંથી સર્પાકાર રસ્તે ઉપર જતાં આવે ગુજરાતનુ; એકમાત્ર ગિરિમથક સાપુતારા. ગુજરાત સરકારે તે વિકસાવ્યું. સનરાઈઝ પોઇન્ટ, સનસેટ પોઇન્ટ, ઇકો પોઇન્ટ, બોટિંગ, દીપકલા ઉદ્યાન, ફ્રિફળાવન, મધમાખી ઉછેર કેન્દ્ર, ઋતંભરા વિશ્વવિદ્યાલય વગેરે સ્થળો જોતાં ફરતાં પ્રવાસીઓ આનંદથી સમય વ્યતીત કરે. આબોહવા ખુશનુમા પણ ચોમાસામાં ભારે વરસાદ. સાપુતારા ટેકરી પર જ મહારાષ્ટ્રની સરહદ દર્શાવતો દરવાજો. અહીંથી નાસિક જિલ્લામાં પ્રવેશ થાય. નાસિક તો અહીંથી ખૂબ નજીક. પ્રવાસીઓ એક દિવસમાં આંટો મારી આવે. સાપુતારા પર સરકારે વિહારધામ, કેન્ટીનની વ્યવસ્થા કરી છે. હોટેલો પણ ખરી. ગુજરાત ટુરિઝમે આ ગુજરાતના એકમાત્ર પર્વતીય સ્થાનને હવે સરસ રીતે વિકસાવ્યું છે. અહીં પૂર્ણિમા પકવાસાએ સુંદર વિદ્યાધામ વિકસાવ્યું છે. મધમાખી ઉછેર કેન્દ્ર છે, તો સરકારી અને બિનસરકારી નિવાસ-સ્થાનો પણ વિકસ્યાં છે. બંધ બાંધીને રચેલું નાનકડું તળાવ સહેલાણીઓને નૌકાવિહારની મોજની તક આપે છે, તો ટેકરીનો એક છેડો સુંદર સૂર્યાસ્ત દર્શન માટેનું કેન્દ્ર છે. પ્રવાસીઓને આનંદપ્રદ ઉત્તેજના આપવા માટે સાપુતારા પર ચઢતો સર્પાકાર માર્ગપ્રવાસ જ પૂરતો છે.
અહીંના આદિવાસીઓ હોળી અને ડાંગ દરબારના તહેવારોમાં ગંગાનદી કાંઠે સર્પપૂજા કરવા આવે. લોકવાયકા મુજબ ‘રામાયણ‘માં વર્ણવેલ દંડકારણ્યનો જ આ વિસ્તાર છે. ડાંગના આદિવાસીઓની પોતાની આગવી પ્રજાકીય સંસ્કૃતિ છે. પ્રવાસીઓ માટે ડાંગી ગીત-સંગીત અને નૃત્યો જોવાની સરકાર દ્વારા વ્યવસ્થા થાય છે. સાપુતારાની શાંત શીતળ રમણીયતા માણવા જેવી છે.
ડાંગ – આખો જિલ્લો ડુંગરાળ છે. પૂર્વ તરફનો સૌથી ઊંચો ડુંગર ૧૧૦૦ મીટર ઊંચો છે. જિલ્લામાં પૂર્ણા, અંબિકા અને સર્પગંધા મુખ્ય નદીઓ છે. પૂર્ણા સૌથી લાંબી નદી છે. એકંદરે પહાડી પ્રદેશ હોઈ નદીઓના પ્રવાહ ઝડપી છે. બધી નદીઓમાં બારે માસ પાણી રહે છે.