પ્રાચીન સિંધુ સંસ્કૃતિના અવશેષોનું શહેર-લોથલ

પ્રાચીન સિંધુ સંસ્કૃતિના અવશેષોનું શહેર-લોથલ

વિશ્વની ચાર પ્રાચીન સંસ્કૃતિઓમાં ભારતની સિંધુ સંસ્કૃતિના અવશેષો માત્ર ‘લોથલ‘ અને ‘ધોળાવીરા‘માં આવેલા છે. આ બંને સ્થળો ગુજરાતમાં છે. આમ ‘લોથલ‘ અને ‘ધોળાવીરા‘ વિશ્વના નકશા ઉપર છે. લોથલ (સરગવાલા) મુખ્યત્વે જૂની સંસ્કૃતિનું સ્થળ છે. તેનો સમય ઇસ્વીસન પૂર્વે ૨૪૫૦ થી ૧૯૦૦ સુધીનો મનાય છે. અમદાવાદથી દક્ષિ‍ણ-પશ્ચિમે લગભગ? ૮૦ કિ.મી.ના અંતરે તે આવેલું છે. ૧૯૫૪ના નવેમ્બર માસમાં તે શોધવામાં આવ્યું. ૧૮૭૯માં પ્રસિદ્ધ થયેલા એક ગેઝેટિયરમાં કરેલી નોંધ પ્રમાણે તે કોઈ સમયે બંદર હતું. એમ જણાય છે કે, લોથલમાં લોકોનો પહેલવહેલો વસવાટ થયો તે પછી એકાદ સૈકે લગભગ ઈ. સ. પૂર્વે ૨૩૫૦માં પૂરને કારણે બધાં ઘર નાશ પમ્યાં. બાદમાં કોઈક બુદ્ધિશાળી અગ્રણીના આયોજન મુજબ કોટની દીવાલ મજબૂત કરી અને ઊંચા ટેકરા ઉપર નગર-આયોજન કર્યું. કૃત્રિમ ધક્કાની રચના કરીને વહાણોને લાંગરવાની સગવડો સુધારી. મળી આવેલા અવશેષો જોતાં તેનું નગર-આયોજન સુંદર હતું. વિશાળ મકાનો, મકાનોમાં સ્નાનગૃહ – તેમાંથી પાણી જવાની મોરીઓ, રસ્તા પર ગટરો, કારખાનાં, વખારો, બજારો, રસ્તાઓ વગેરે વ્યવસ્થિત રીતે બંધાયાં હતાં. લોથલના રસ્તાઓ સામસામા બે વાહનો જઈ શકે તેટલા પહોળા હતા. રસ્તાઓ સીધી લીટીમાં અને એકબીજાને કાટખૂણે કાપતા હતા. તેનાં મકાનો ભઠ્ઠીમાં પકવેલી ઈંટોથી બનાવેલાં હતાં. લુહાર અને સોનીઓ હથિયારો કે ઘરેણાં બનાવવા ગોળ ભઠ્ઠીનો ઉપયોગ કરતા હતા.
લોથલમાં મળી આવેલાં વાસણો માટી, પથ્થર, કાંસા વગેરેનાં હતાં. તેની ઉપર સુંદર નકશીકામ કરેલું જોવા મળે છે. ક્યાંક માનવ-આકૃતિઓનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે, તો વળી ક્યાંક માથું પશુનું અને આકૃતિ માનવની એવી મિશ્ર આકૃતિઓ પણ જોવા મળી છે. પ્રાણીઓમાં આખલાની આકૃતિ સવિશેષ છે. લોથલમાં કસબી-કલાકારો હોવા જોઈએ એમ લાગે છે. આ ઉપરાંત મુદ્રાઓ પણ મળી આવી છે. અહીંના લોકો સુંદર આભૂષણોના શોખીન હોય તેમ જણાય છે. લોથલના કારીગરો માપવા માટે વાપરતા હશે તેવી હાથીદાંતની પટ્ટી પણ મળી આવે છે. લોથલના લોકઘરની અંદરથી શતરંજને મળતી આવે તેવી રમત પણ મળી છે.
લોથલનું સ્મશાન નગરને ફરતી દીવાલની પેલે પાર આવેલા ટેકરા પર હતું એમ જણાય છે. ત્યાંથી હાડપિંજરો પણ મળી આવ્યાં છે. એક હાડપિંજરના કાનમાંથી તાંબાની કડી મળી આવી છે. બીજાં બેમાંથી છીપની બંગડીઓ મળી હતી. આ કારણે ત્યાં દફનવિધિની પ્રથા હશે તેવું માનવાને કારણ મળે છે. એક સ્થળેથી બે જોડિયાં હાડ‍પિંજરો પણ મળ્યાં છે.
પુરાવસ્તુકીય પુરાવો સ્પષ્‍ટ રીતે સૂચવે છે કે સિંધુ સામ્રાજ્યમાં અને ખાસ કરીને લોથલમાં, લોકોનો એવો સમૂહ રહેતો હતો કે, તેઓની ધાર્મિક ક્રિયાઓ, સામાજિક રીતરસમો પહેલાંના આર્યોથી બહુ જુદી ન હતી. કદાચ આ લોકોને જ ઋગ્વેદના આર્યો ‘અસુર‘ કહેતા હશે. આર્યો ભારતમાં આવ્યા ત્યારે ગુજરાતમાં પણ આવ્યા હતા. અનાર્યો કલા-કૌશલ્ય અને વિજ્ઞાનમાં આર્યો કરતાં વિશેષ આગળ હતા. જ્યારે આર્યો પાસે આર્ષર્દષ્ટિ, તત્વજ્ઞાન અને તપ હતાં. આર્યોએ વેદોમાં ઈશ્વરની જે કલ્પના કરી છે, પંચતત્વોનો સિદ્ધાંત સ્થાપ્‍યો છે, જે રીતે નિસર્ગને નિહાળી છે તે અપ્રતિમ છે. અનાર્યો પાષાણની પ્રતિમાને પૂજતા તેમજ વૃક્ષો, સર્પો અને પશુઓનું પણ પૂજન કરતા. સૂર્યવંશીય આર્યોએ સાગરતીરે, સરિતાતટે સુંદર અને રમ્ય વનશ્રીમાં આશ્રમો બાંધી યજ્ઞધૂમ્રથી આ ભૂમિને પવિત્ર કરી અને દિશાઓને વેદગાનથી પાવન કરી. ચંદ્રવંશીય આર્યો સૌરાષ્‍ટ્રના જળમાર્ગેથી આવ્યા. આર્યો અને અનાર્યો વચ્ચે દીર્ઘકાળ ઘર્ષણ થતું રહ્યું, પરંતુ સમય જતાં તેમની વચ્ચે સમાધાન થયું અને લગ્ન-વ્યવહારોથી પરસ્પરના સંબંધો પણ બંધાયા. ધીરે ધીરે બંને પ્રવાહો પરસ્પર મળી જઈને એક પ્રવાહ બની રહ્યો.
લોથલનો ઉલેટિયા પેલેસઃ

અમદાવાદ-ભાવનગર હાઇવે પર અમદાવાદથી લગભગ ૭૮ કિ.મી.ના અંતરે ડામરનો રસ્તો વળાંક લઈને કાચા રસ્તે ઉટેલિયા નામના નાનકડા ગામ તરફ દોરી જાય છે. આ નાનકડા ગામમાં એક ભવ્ય મહાલય વૃક્ષોની આડશમાં ધીરે ધીરે ર્દષ્ટિગોચર થાય છે એક ભવ્ય પ્રાસાદ – તેની સ્થાપત્ય કળા ભારતીય – મોગલ સમયકાળની છે, જેના ખાસ પ્રકારના ઇસ્લામિક યુગની યાદ અપાવતા ગુંબજો, પ્રવેશદ્વાર પર કાષ્‍ટની નકશીદાર કોતરણી, કલાત્મક થાંભલીઓ, વેભવી ઝરૂખાઓ તથા વિશાળ કમાનદાર પ્રવેશદ્વાર પરનું સ્થાપત્ય ભવ્ય પ્રાસાદની શાનમાં રોનક બક્ષે છે. અહીં પ્રાસાદ તરફ એક નજાકતભર્યો વળાંક લેતા વિશાળ આરસના પગથિયાં ઝગમગાટ ધરાવતાં મુખ્ય ઓરડામાં લઈ આવે છે. અહીંથી કલાત્મક કોરિડોર દ્વારા એક નકશીદાર દ્વારની બહાર આવો એટલે સજાવેલા તમને ૧૪ ડબલ બેડરૂમ આવકારતા જોવા મળે છે. એટેચ્ડ બાથરૂમ ગરમ-ઠંડા પાણીની ચોવીસ કલાક સગવડ જેમાં, શાવર સાથે અત્યાધુનિક ટોઈલેટની સજાવટ નીરખીને તમને મહાનગરની કોઈ પંચતારક હોટલની યાદ આવી જાય….તો રૂમમાં ભારતીય પરંપરાની રજવાડી યાદ તાજી કરાવતા છત્ર-પલંગના નકશી તથા કીમતી રંગીન પથ્થર-જડિત કાચથી સુશોભિત પલંગ અને બેઠક વ્યવસ્થા તમને મંત્રમુગ્ધ કરે છે.
આ સર્વમાં આકર્ષક તથા હ્રદયને ઝંકૃત કરે તેવી બાબત છે દરેક રૂમને એક પોતીકો અંગત-ઝરૂખો….જે પાસે વહેતી રમ્યઘોષ, ભોગાવો પર જાણે ઝળૂંબતો હોય તેમ લાગે. ઝરૂખેથી તમને નદી કિનારો અનેક સારસ-સારસી તથા વિવિધ ક્રેન, ઇગ્રેટ, કિંગફિશરની ચહલ-પહલ ર્દશ્યમાન થાય. આ ઉપરાંત તમે અહીં આવો એટલે કાઠીના અશ્વ પર સવારી કરી (વિલેજ સફારી) પ્રાકૃતિક સાંનિધ્યની મઝા પણ માણી શકો છો. શણગારેલા બળદગાડા પણ અહીં પ્રાપ્‍ય છે આપને સવારીનો અદકેરો આનંદ કરાવવા. ઉપરાંત પક્ષીપ્રેમીઓ માટે નળસરોવર તથા નૌકાવિહાર પણ છે. કુદરતની સાથે સાથે ઇતિહાસમાં દિલચશ્પી ધરાવતા સહેલાણીઓ માટે ફક્ત ૭ કિ.મી.ના અંતરે લોથલ ગામે  ૨૪૦૦-૧૬૦૦ ઈ.સ. પૂર્વેની આપણી ‘ઇન્ડસ-વેલી‘ સંસ્કૃતિના ઐતિહાસિક અવશેષો તથા નગર રચનાની ઝાંખી તો ખરી જ. આ સર્વેની મઝા માણીને થાકીને જ્યારે ઉટેલિયાની હવેલીમાં પુનઃ પધારો તો તમારા માટે પઢાર કોમના માછીમારો તથા ભરવાડ જ્ઞાતિના ભાવુક ગ્રામજનો દ્વારા લોકસંગીત તથા લોકગીતોના હળવા આસ્વાદની સાથે ભવ્ય દરબારમાં બેસીને શાહી ભોજનનો સ્વાદ માણવો તે કોઈ રજવાડી ઠાઠ-માઠથી ઓછો આનંદ ગણાય ?

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors