માધવપુર સૌરાષ્ટ્રનું દરિયાકિનારે આવેલું મહત્ત્વનું યાત્રાનું કૃષ્ણધામ છે. આ યાત્રાધામ પોરબંદરથી ૪૦ કિલોમીટર દૂર આવેલું છે. આ સ્થળે મલુમતી નદી સમુદ્રને મળે છે. અહીં બ્રહ્મકુંડ છે અને કૃષ્ણ ભગવાનનું મંદિર છે.એવું કહેવાય છે કે આ સ્થળે ભગવાન શ્રીકૃષ્ણે રુકિમણીની સાથે લગ્ન કરેલાં. અહીં માધવરાય અને રુકમિણીજી બંનેનાં મંદિરો છે.
અહીં દર વર્ષે ચૈત્ર સુદી ૯ થી ૧૩ સુધી ભવ્ય મેળો યોજાય છે. હજારો ભાવિકો આ મેળા દરમ્યાન ભેગા થાય છે. જેમ જૂનાગઢનો ભવનાથનો મેળો તે તરણેતરનો મેળો લોકપ્રિય છે. તેવી જ રીતે માધવપુરનો મેળો પણ લોકપ્રિય છે. મેળા દરમ્યાન આ પંથકમાં લોકઉત્સાહ અને ઉમંગનો પ્રસંગ હોય છે. શણગારેલાં ગાંડા- બળદ, ઘોડા, ઊંટ અને આસપાસના લોકોને રંગબેરંગી કપડાં અને આભૂષણોમાં જોઈએ તો શુદ્ધ ગ્રામીણ સંસ્કૃતિનાં દર્શન થાય છે.
સોલંકી યુગના સમયનું તેરમી- ચૌદમી સદીનું માધવરાયનું તૂટેલી અવસ્થાનું મંદિર છે.આ મંદિરમાં વિવિધ શિલ્પો અને ઉત્તમ કારીગરી નજરે પડે છે.આ મંદિરનું શિખર,ગર્ભાદ્વાર તથા અન્ય શિખરો મંદિરની પ્રાચીનતા અને કલાસમૃદ્ધિનો ખ્યાલ આપે છે.મંદિરમાં શ્રી માધવરાય અને ત્રિકમરાયની પૂરા કદની મૂર્તિઓ છે.એવી લોકવાયકા છે કે આ મૂર્તિઓ જેવડી બીજી મૂર્તિઓ ભારતભરમાં નથી. આ મંદિર ભૂતકાળના ભવ્ય ઈતિહાસની સાક્ષી પૂરે છે.
તીર્થીધામ માધવપુરમાં કપિલ મુનિની દેરી, ગણેશજાળું, ગદાવાવ, બ્રહ્મકુંડ, પાળિયા હનુમાન,અને હાલનું રામદેવજીનું મંદિર,બળદેવજીનો મંડપ,રેવતીકુંડ તથા ગામમાં સમુદ્રકિનારે માધવરાયજીનું મંદિર- હવેલી છે.
માધવરાયજીનું મંદિર સમુદ્રના કિનારા ઉપર જ રેતીથી અર્ધ દટાયેલું છે. જૂના મંદિરમાં તો માત્ર શિખરનો ભાગ સચવાયો છે. આ શિખરનો ભાગ વર્તુળકાર છે. તેના ઉપર સુશોભનો માટે શિલ્પો કંડારેલાં છે. આ પુરાતત્ત્વ ખાતાએ ઉત્ખન્ન કરીને મંદિરમાં જઈ શકાય તેટલો ભાગ ખુલ્લો કર્યો છે. આ મંદિરની આસપાસ જીર્ણવાવ,સાત માતૃકાઓ અને મંદિરના ભગ્ન અવશેષો સાંપડયા છે.કેટલાંક નાનાં મંદિરોને ગર્ભગૃહ,મંડપ તેમ જ નાના પ્રવેશમંડપ પણ હોય છે.મંડપ મુખ્યત્વે ચોરસ જણાય છે,પરંતુ તે બંને બાજુએ વિસ્તરેલો છે. આ મંદિરમાં સોળ થાંભલા છે. સોળ થાંભલાવાળો મંડપ “સિંહમંડપ”તરીકે જાણીતો છે. આ થાંભલાને આધારે છત ઊભી છે. મંદિરના ઓટલા પાસે સુંદર શિલ્પો છે. આ શિલ્પોમાં અષ્ટકોણીય થરમાં યુદ્ધ,મૈથુન, રમતગમત,હાથીઓની સાઠમારી,નૃત્ય,ગીતાવાધ વગેરેનાં આલેખન શિલ્પમાં રજૂ થયેલા જણાય છે. મધ્યના પદ્મશિલ્પના શિલ્પો ગુમ થયાં છે તેવું લાગે છે.
આ મંદિર માધવરાયના મંદિર તરીકે ઓળખાય છે. કૃષ્ણે રુકિમણીનું હરણ કરીને ગામમાં તેની સાથે લગ્ન કર્યું હતું.લગ્નનાં ચોરી અને માયરું આજે પણ અસ્તિત્વમાં છે.આ ઉપરથી જ ગામનું નામ માધવપુર પડયું છે.
મૂળ માધવપુર માં માધવરાયનું જૂનું દહેરું છે. તેના ઘુમ્મટમાં નાગ દમનની કલકૃતિ છે.અહીં ચાર હાથવાળા વિષ્ણુ શેષશાયી બનીને બેઠેલો છે. માધવપુરનો ઇતિહાસ દ્વારકા, જૂનાગઢ, સોમનાથ જેટલો જૂનો છે.