અહીં ઈડર વિષે થોડી હકીકત અસ્થાને નહિ ગણાય.ઈડર સંસ્થાન મહીકાંઠા એજન્સીનું એક મુખ્ય રજપૂત સંસ્થાન છે. એની ઉત્તરમાં શિરોહી અને ઉદેપુરની હદ છે. પૂર્વમાં ડુંગરપુરની અને દક્ષિણમાં તથા પશ્વિમમાં મુંબઈ ઈલાકાની અને ગાયકવાડની હદ છે. દક્ષિણ-પશ્વિમમાં થોડો પ્રદેશ સપાટ અને રેતાળ છે,પણ બાકીનો પ્રદેશ ડુંગરાળ અને ઝાડીઓથી ભરેલો છે. ઈડર સંસ્થાન માંથી ચાર નદીઓ સાબરમતી,હાથમતી,મેશ્વો અને વાત્રક પસાર થાય છે.ભાટોની દંતકથા પ્રમાણે ઈડર સંસ્થાનની સ્થાપના ગુહિલોએ કરી છે.ગુહિલો તો પહેલાં ઈડરના ધણી હતા અને ત્યાંથી મેવાડ ગયા એમ મનાય છે. ગુહિલો ગયા પછી ઈડરમાં ભીલોની સત્તા થઈ.ખરી રીતે આ પ્રદેશમાં કોળી ને ભીલોની વસ્તી ઘણી છે અને જૂના કાળમાં ભીલોની જ સત્તા હોય એ સ્વભાવિક છે.ભીલોના હાથમાંથી પરમારોએ ઈડર લીધું. ઈ.સ.૧૦૦૦ થી ૧૨૦૦ સુધી પરમારોની સત્તા રહી. પરમારોએ બીજે પમ વૈષ્ણવ મંદિરો ઊભાં કર્યાં. છે. એ જોતાં શામળાજીનું સ્થાન- મૂળ કદાચ સોમનારાયણનું મંદિર- પરમારોના પાછલા વખતમાં પ્રસિદ્ધ થયું હોય તો એ સંભવિત છે.
છેલ્લા પરમાર અમરસિંહે મરતી વખતે પોતાના પ્રીતિ પાત્ર હાથી સોડ નામના કોળીના હાથમાં રાજયની લગામ સોંપેલી અને એના પછી એનો પુત્ર શામળિયો સોડ ગાદીએ બેઠો. આ કોળી રાજા બહુ જુલમી હતો એટલે એની વિરુદ્ધ એની મંત્રીઓએ કાવતરું કરીને સામેત્રાના રાવ સોનંગને બોલાવ્યા અને આ રાવને હાથે શામળિયો સોડ મરાયો. આ બનાવ કયારે બન્યો તેની ચોક્કસ તારીખ મળતી નથી,પણ મને એક કલ્પના આવે છે,આ શામળિયાએ કોઈ મંદિર શામળાજીના સ્થાનમાં બંધાવ્યું હોય અને ત્યારથી એ સ્થાન શામળિયાજીને નામે ઓળખાયું હોય એમ તો નહિ બન્યું હોય પછી શામળિયાનો બીજો અર્થ ન બેસવાની લોકોએ કૃષ્ણનો અર્થ કર્યો. આ રાવની બાર પેઢીએ ઈડરમાં રાજય કર્યું એમ કહેવાય છે અને એ વંશના છેલ્લા જગન્નાથને ગુજરાતના સૂબા મુરાદબક્ષે ઈ.સ.૧૬૫૬માં માર્યો અને ઈડરની હકૂમત દેસાઈને સોંપી. પછી ઈ.સ. ૧૭૨૮માં જોધપુરના આનંદસંહ અને રાયસંહ નામના બે રાઠોડ ભાયાતો એ ઈડરનો કબજો લીધો અને ત્યાં રાજય કરવા માંડયું, પણ દેસાઈની ખટપટથી ગાયકવાડે તથા પેશ્વાએ ઈડરના સૂબા રાઠોડેને સુખે બેસવા ન દીધા, છેવટ બ્રિટીશ રાજયે ઈ.સ. ૧૮૪૮માં ઈડરને થાળે પાડયું. અત્યારના ઈડરના રાજા આ રાઠોડવેશના છે.
ઈડર સંસ્થાનમાં અત્યારે પોણા બે લાખ જેટલી વસ્તી હશે અને ૮૮૪ ગામ છે.