જુનાગઢ જિલ્લામાં ઊનાથી માત્ર ૧૨ કિલોમીટર દૂર આવેલ અહમદપુર – માંડવી નામે સમુદ્રી-પર્યટનધામ વિકસાવાયું છે. સ્થળ શાંત અને રમ્ય છે. સુંદર સાગરતટ છે.
અહમદપુર – માંડવીમાં પ્રવાસીઓ માટે બાંધવામાં આવેલા નિવાસોના બહારી દેખાવ, આ પ્રદેશની ગ્રામીણ સંસ્કૃતિની ઝાંખી થાય તે માટે સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિને અનુરૂપ કુટિરો રૂપે બનાવવામાં આવ્યા છે. અને કુટિરોને સૌરાષ્ટ્રના સંત, શૂરા અને સતીઓનાં નામ આપીને વિશિષ્ટ વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે. કુટિરો પર મેંગ્લોરી નળિયાં છે ને દિવાલોને છાણની ગારથી લીંપવામાં આવી છે. રાચરચીલાંથી ભોજન સુધીની તમામ વ્યવસ્થામાં શણગાર સહિત સૌરાષ્ટ્રની પરંપરાગત સંસ્કૃતિ અને અદ્યતન સુવીધાનો સમંવય કરવામાં આવ્યો છે. દરેક કુટિરોમાં હીંચકો તો ખરો જ. અને દરેકમાં સમુદ્ર દર્શન થઈ શવે તેવી સગવડ છે.
પર્યટનધામનાં પ્રાંગણમાં મોટી સંખ્યામાં આવેલ પામવૃક્ષોથી વાતાવરણ રમણિય બન્યું છે. મુખ્ય પ્રવેશદ્વાર ડેલી છે તેમાં સંગીતકારો અને નગારાખાનાની જોગવાઈ છે. આમ, અદ્યતન સુવીધાઓ સાથે, સૌરાષ્ટ્રની વિશિષ્ટ ને પરંપરાગત લોકસંસ્કૃતિનું વાતાવરણ અનુભવવાનો લહાવો મળે છે.
સામેજ સાવ નજીક દીવનો બેટ છે. તેના ઐતિહાસિક કિલ્લાનું દ્રશ્ય રોમાંચક વાતાવરણ સર્જે છે. આ દીવ પહેલાં પોર્ટુગીઝ થાણું હતું ને હવે દમણ રાજ્યમાં છે. લોકવાયકા છે કે દીવમાં આવેલ ખડકની ગુફામાં જ તપ કરતાં ઋષિ મુચકુંદે કાલવનનો નાશ કરેલો. એ ગમે તે હોય પણ સ્થાન ખૂબ રમણિય છે. ટાપુ ૧૨ કિલોમીટર લાંબો છેને બાજુંમાં ગામ છે, જેની આસપાસનાં કિલ્લાં ફિરંગીઓએ બનાવેલા. આ ફિરંગીઓએ અહીં કેટલાક ખ્રિસ્તી ચર્ચ પણ બંધાવેલા છે. તેમાં સેંટપોલની છતની કોતરણી તેમજ અંદરનાં કલાત્મક ગોખલાઓ પણ જોવાલાયક છે.