જાણો ગુજરાતનું નગરઃભુજ

ભુજ જિલ્‍લાનું વડું મથક અને આ વિસ્‍તારનું સૌથી અગત્‍યનું સ્‍થળ છે. રા‘ખેંગાર પહેલાએ (૧૫૪૮-૮૫) ભુજ બંધાવ્‍યું અને તેના વારસદારોએ ૧૯૪૮માં તે ભારતીય ગણરાજ્યમાં જોડાઈ ગયું ત્‍યાં સુધી તેના પર રાજ્ય કર્યું.
ભુજ
ભુજ ડુંગરાળ ભૂમિમાં વસેલું ઊંચાનીચ ચઢ-ઊતારવાળા ને વાંકાચૂંકા રસ્‍તાઓવાળું પણ સરસ હવાપાણીવાળું શહેર છે. શહેરને જૂનો કોટ છે. મૂળ નગર અંદર છે, તો આધુનિક વિકાસના પરિણામે પ્રાપ્‍ત રેલ્‍વે સ્‍ટેશન, કૉલેજ, અન્‍ય સરકારી સંસ્‍થાઓ, એસ.ટી. મથક વગેરે કિલ્‍લાની બહાર છે. સીમાંત નગર તરીકે પણ તેનું મહત્‍વ હોઈ લશ્કરી છાવણી અને એરોડ્રામ વગેરે પણ અહીં વિકસ્‍યાં છે. તેના જૂના સાંકડા ભીડવાળા બજારમાં અંજાર વગેરેથી આવતી લોખંડની ચીજો-છરી, ચપ્‍પુ, સૂડી, કાતર તેમજ કચ્‍છી વણાટના ધાબળા, ભરતકામવાળા વસ્ત્રો અને અહીંથી મોટા પ્રમાણમાં બહાર જતી અજરખી-હાથછાપની ચાદરો-લુંગીઓ વહોરતા પ્રવાસીઓ જોવા મળે છે.
કચ્‍છનું મુખ્‍ય મથક છે. સંવત ૧૬૫૦થી કચ્‍છની રાજધાની રહેલ આ નગરને તેનું નામ ભુજંગનાગની લોકકથા સાથે સંકળાયેલી ઘટના પરથી મળ્યું છે. ભુજ એક ડુંગરની તળેટીમાં છે – જે ઉપર નાગનું દેવળ પણ છે. લગભગ ૫૦૦ વર્ષ પુરાણા આ નગરના ઈતિહાસમાં અનેક મહાન રાજવીઓ-સરદારો થઈ ગયા. તેમણે ઘણી ઈમારતો-મંદિરો બંધાવ્‍યાં, જેમાંનાં આજે પણ ઘણાં જોઈ શકાય છે. તેમાં મુખ્‍ય છે રામસંગ માલમે પરદેશથી કાચની કલા શીખી લાવીને બાંધેલો આયનામહેલ, મહારાવ લખપતજીની સુંદર કોતરણીઓવાળી છત્રીઓ, વીર જમાદાર ફતેહમામદ આરબનો હજીરો વગેરે પણ ખાસ જોવાલાયક છે. તેનું તળાવ અને તેમાં માઈલો દૂરથી પાણી લાવવા  માટે ડુંગરની ધાર પર થઈને જૂની ભૂગર્ભ નહેર. આ નહેરનું બાંધકામ જૂના સમયના સ્‍થપતિઓની વિદ્યાકૌશલ્‍યનું સરસ સ્‍મારક છે. તળાવ નજીકનો નેહરુ બાગ અને સ્‍વામિનારાયણ મંદિર વગેરે ભુજની શોભામાં વધારો કરે છે.

થોડાક દૂરના ખાવડા બેટના ઢોરઉછેર ઉદ્યમના પરિણામે અહીં માવો ને માવાની મીઠાઈ સારી ને સસ્‍તી મળે છે. ખાસ તો માવામાં ગુલાબનાં ફૂલો મેળવીને બનાવેલો ગુલાબપાક અહીંની વિશેષતા ગણાય છે. ભુજ જોવા ફરવા રહેવાલાયક છે. નવરાત્રિમાં ત્‍યાં જાઓ તો ચોકે-ચોકઠે ગરબાઓની રમઝટ અને દશેરાને દિવસે ફતેહમામદનો ઉર્ષ જોવા મળશે. ભુજ એ ભુજ છે. ઈતિહાસથીય પુરાણા સમયથી માંડીને આજ પર્યંતનાં ભક્તિનાં, દાનનાં, પુરુષાર્થનાં, સમરાંગણોનાં અનેક સ્‍મરણોના ચંદરવા સમું કચ્‍છનું કેન્‍દ્રવર્તી નગર છે.
ભુજથી ઉત્તરે કોટાય પાસે કોટ્યર્કમાં સૂર્યમંદિર અને શિવમંદિરના અવશેષો – તેમની એક વખતે કેવી જાહોજહાલી હશે તેનો ખ્‍યાલ આપે છે. કોટાય કાઠીઓની વસાહતનું મુખ્‍ય મથક હતું. કાઠીઓ પશુપાલકો તેમજ સમર્થ યોદ્ધાઓ હતા, બન્‍નીના ઘાસના ભંડાર સમા ઉચ્‍ચપ્રદેશમાં તેઓ ફૂલ્‍યાફાલ્‍યા. એ સૂર્યપૂજકોએ જ પ્રથમ કોટ્યાર્કમાં સૂર્યમંદિર બંધાવ્‍યું હતું. કોટાયની પડખે જ અણોગોરગઢમાં પ્રાચીન શિવમંદિર છે. આ બંને મંદિરોના અવશેષો ઉત્‍કૃષ્‍ટ ભારતીય શિલ્‍પ-સ્‍થાપત્‍યના નમૂના છે. કોટાયથી દક્ષિ‍ણપૂર્વે થોડે નીચે હબાય વિસ્‍તારમાં હબા ડુંગર પાસે સંત મેકરણદાદાની સમાધિ છે. દાદા મેકરણના બે સાથીઓ હતા : લાલિયો ગધેડો ને મોતિયો કૂતરો. મોતિયો રણમાં ભૂલા પડેલા મુસાફરોને શોધી કાઢતો ને પછી લાલિયા પર ગોઠવાયેલી પાણીની મસકો ને ખાવાનું લઈ જઈ તે મુસાફરોને પહોંચાડતો ને મુસાફરોને ઉતારે લઈ આવતો.
ભુજથી દક્ષિ‍ણે 20 કિલોમીટર પર કેરા ગામમાંના પ્રાચીન શિવાલયની શિલ્‍પસમૃદ્ધિ પણ અદ્દભુત છે. આ મંદિર કચ્‍છના લોકપ્રસિદ્ધ પ્રતાપી રાજવી લાખા ફુલાણીના સમયનું કહેવાય છે. પરાક્રમી લાખા ફુલાણી વિશે લોક-સાહિત્‍યમાં અનેક કૃતિઓ રચાઈ છે તેમજ નાટકો પણ રચાયાં છે અને તેની‍ ફિલ્‍મ પણ ઊતરી છે. ભુજથી પૂર્વે-દક્ષિ‍ણે અંજાર છે. ભુજ પછી તે બીજું મહત્‍વનું મથક છે. પાણીદાર છરી-ચપ્‍પાં ને સૂડીઓના ઉદ્યોગ માટે તે જાણીતું છે. ત્‍યાંનું જળેશ્વરનું પ્રાચીન અને કોતરણીથી ભરચક શિવાલય તથા જેસલ-તોરલની સમાધિ વિખ્‍યાત છે.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors