રમેશ મોહનલાલ પારેખ (જન્મ ૨૭-૧૧-૧૯૪૦, અવસાન ૧૭-૫-૨૦૦૬): કવિ, વાર્તાકાર, બાળસાહિત્યકાર. જન્મ અમરેલીમાં. ૧૯૫૮માં પારેખ અને મહેતા વિદ્યાલય, અમરેલીમાંથી મેટ્રિક. ૧૯૬૦થી જિલ્લા પંચાયત, અમરેલી સાથે સંલગ્ન. આધુનિક સર્જક તરીકેની સર્જનદીક્ષા ૧૯૬૭માં પામ્યા. અનિલ જોશીએ ‘કૃતિ’ના અંકો આપી, એમાં છપાય છે તેવું કશુંક નવું લખવા પ્રેર્યા. એમની સાથે લેખનચર્ચા ચાલી અને આધુનિકતાની સમજણ ઊઘડી. પડકાર ઝીલ્યો અને નવી શૈલીએ લખતા થયા. ૧૯૭૦માં કુમારચંદ્રક. ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક પ્રાપ્ત.
ગુજરાતી કવિતાસાહિત્યમાં આગવી મુદ્રા પ્રગટાવતા સર્જક છે. એમણે ગીત, ગઝલ અને અછાંદસ કાવ્યસવરૂપોને ખેડ્યાં છે. થોડાંક સોનેટ પણ લખ્યાં છે.
ભાવ, ભાષા અને અભિવ્યક્તિમાં નવીનતા, તાજગી અને વૈવિધ્ય એમની કવિતાની લાક્ષણિકતા છે. સોનલને ઉદ્દેશીને લખાયેલા ગીતો તેમ જ મીરાંકાવ્યો ખાસ ધ્યાન ખેંચે છે.
મૂખ્ય કૃતિઓ : કવિતા – ક્યાં, ખડિંગ, ત્વ, સનનન, ખમ્મા આલાબાપુને, મીરાં સામે પાર,
વિતાન સુદ બીજ, લે તિમિરા, સૂર્ય, છાતીમાં બારસાખ, ચશ્માનાં કાચ પર, સ્વગત પર્વ, સમગ્ર કવિતા – છ અક્ષરનું નામ ; વાર્તા સંગ્રહ – સ્તનપૂર્વક , નાટકો- સગપણ એક ઉખાણું, સુરજને પડછાયો હોય,
પ્રદાન : અનેક પ્રકારની છાંદસ, અછાંદસ કવિતા, ગીત, ગઝલ, સોનેટ, બાલ કવિતાઓ, બાલ કથાઓ, ચિંતનાત્મક લેખો, સંપાદન, વાર્તાસંગ્રહ, નાટક, સોનલ કાવ્યો, આલા ખાચર કાવ્યો, મીરાં કાવ્યો સહિત અનેક પ્રકારના કાવ્ય પ્રકારોમાં ખેડાણ
સન્માન : ૧૯૮૨- નર્મદ સુવર્ણ ચંદ્રક , 1986- રણજિતરામ? સુવર્ણ ચંદ્રક, ૧૯૯૪- દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર, ગિજુભાઈ બધેકા સુવર્ણચંદ્રક, કલાગૌરવ સુવર્ણચંદ્રક, ગુજ. રાજ્ય ફિલ્મ એવોર્ડ, ક્રિટીક્સ એવોર્ડ અને અન્ય પુરસ્કારો.