કિશનસિંહનો જન્મ ઈ. ૧૯૦૪ના નવેમ્બર માસની ૧૭મી તારીખે વડોદરામાં ક્ષત્રિય રાજપૂત કુળમાં થયો હતો. પિતાનું નામ ગોવિંદસિંહ હતું. કિશનસિંહે માધ્યમિક શિક્ષણ વડોદરામાં લઈ અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠમાંથી સ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતી. શાંતિનિકેતનમાં પણ થોડો સમય શિષ્યભાવે રહ્યા હતા. થોડો મુંબઈની એક હાઈસ્કૂલમાં નોકરી કરી એકાદ વર્ષ પૉંડીચેરી આશ્રમાં ગાળ્યું હતું. અમેરિકામાં પ્રિંટિંગ પ્લાંટ મેનેજમેન્ટનો અભ્યાસક્રમ શીખી વડોદરા આવી ‘સાધના‘ મુદ્રણાલય શરૂ કર્યું હતું. પછીથી આ પ્રેસ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીને અર્પણ કર્યું હતું. ‘ક્ષત્રિય‘ માસિકના તંત્રી તરીકે તેમજ ‘નવગુજરાત‘ના સહતંત્રી તરીકે તેમણે સેવાઓ આપી હતી. અનેક આધ્યાત્મિક સંસ્થાઓ સાથે તેઓ ગાઢ સંપર્કમાં હતા.
રમણલાલ વ. દેસાઈએ એક વખત કિશનસિંહને માત્ર ‘કિશન‘ કહીને બોલાવ્યા. અર્થઘટનની એક એવી શક્તિ કિશનસિંહમાં હતી કે તેમણે તરત જ જવાબ આપ્યો, ‘તમે મારામાંથી પશુ એટલે ‘સિંહ‘ કાઢી નાખ્યો.‘ તેમની સમગ્ર જીવનસાધના સ્વમાંથી પશુને નિષ્કાસિત કરી માનવને પ્રગટ કરવાની હતી.
ઈ. ૧૯૫૩માં ‘જિપ્સી‘ ઉપનામથી તેમણે ‘અમાસના તારા‘ નામના પુસ્તકમાં મર્મસ્પર્શી સ્મૃતિચિત્રો અને રેખાચિત્રો આપ્યાં છે. કિશનસિંહને રાજામહારાજાઓ સાથેનો સંબંધ, સંગીતકારો સાથે નાતો, ગાંધીજી – શ્રી અરવિંદ – માતાજી – કૃષ્ણપ્રેમ – વિમલાબહેન ઠાકર – બળવંતરાય ઠાકોર – ઉમાશંકર જોષી એમ કેટલાયે સાથે ઘરોબો. કબીર અને જ્ઞાનેશ્વર સાથે પણ તેમણે ભક્તિની મૈત્રી જમાવી હતી. ભાવસ્મરણોનું પુસ્તક ‘જિપ્સીની આંખે‘, હિમાલય પ્રતિ ભાવનાપ્રેમ? પ્રદર્શિત કરતું. ‘હિમાલયની પદયાત્રા‘, ચરિત્રરેખાઓ આલેખતું ‘તારામૈત્રક‘, જીવન અને અધ્યાત્મને સ્પર્શતા ગંભીર લેખો સમાવતું ‘સમુદ્રના દ્વીપ‘, સત્ય શોધ માટે ઉદ્દીપ્ત થયેલી જિજ્ઞાસાનું રસમય આલેખન કરતું ‘અમાસથી પૂનમ ભણી‘ વગેરે પુસ્તકોમાં વિવિધ અને રમણીય મુદ્રા ધારણ કરતું ગદ્ય રજૂ થયું છે.
‘કુમકુમ‘ અને ‘શવેરી‘ નામના તેમના વાર્તાસંગ્રહો, ‘ધરતીની પુત્રી‘ નામની સીતાના પાત્રનું નવતર અર્થઘટન કરતી નવલકથાઓ અભ્યાસનિચોડરૂપ ‘હિન્દી સાહિત્યનો ઇતિહાસ‘ અને ‘કબીર સંપ્રદાય‘ અન્ય જાણીતા ગ્રન્થો છે.
તેમણે અનેક ગ્રન્થોનો અનુવાદ પણ કર્યો છે જેમાં ‘ઘોંડો કેશવ કર્વેનું આત્મચિત્ર‘, ‘ગરીબની હાય‘, ‘જીવનનાં દર્દ‘, ‘સંસાર‘, ‘ભૈરવી‘, ‘અનાહત નાદ‘ અને ‘જ્ઞાનેશ્વરી‘નો સમાવેશ થાય છે. ‘શ્રી રમણલાલ વસંતલાલ દેસાઈ અભિનન્દન પ્રંથ‘, ‘પંચોતેરમે‘, ‘પ્રો. બ. ક. ઠાકોર અધ્યયનગ્રન્થ‘, ‘અરવિંદ ઘોષના પત્રો‘, ‘પ્રેમાનંદ સાહિત્ય સભા રજત-મહોત્સવ ગ્રંથ‘ વગેરેનું તેમણે સંપાદન પણ કર્યું છે.
કિશનસિંહમાં સુપ્ત રહેલાં આધ્યાત્મિકતાના બીજ કૃષ્ણપ્રેમ તથા વિમલા ઠકારના સાન્નિધ્યમાં જાગૃત થયાં. ગાંધીની ચળવળ દરમિયાન સૈનિકની અદા કરતા કિશનસિંહ પરમતત્વના સેવક બની રહ્યા. કિશનસિંહ ક્યારેય જીવનદ્રોહી નહોતા. તે હતા જીવનપ્રેમી. સમય જતાં એમનાં રસક્ષેત્રો બદલાયાં, ભાષા બદલાઈ પણ શ્રીમંતાઈ એવી ને એવી જ રહેલી.