લીલાં શાકભાજી તરીકે ફણસી સૌથી વધુ પ્રમાણમાં વપરાય છે.ફણસી હલકી રેતાળ જમીનથી માંડીને ભારે ચીકાશવાળી એમ બધા પ્રકારની જમીનમાં થાય છે. છાંયડાવાળી ઠંડી જગ્યા તેને વધુ માફક આવે છે. સફેદ બીની ફણસી શિયાળામાં અને કાળા બીની ફણસી ઉનાળા કે ચોમાસામાં વવાય છે. જોકે ફણસી શિયાળુ પાક ગણાય છે.
ભારતમાં દર વર્ષે લગભગ છ હજાર હેકટર જમીનમાં તેનું વાવેતર થાય છે અને સાડા બાર લાખ મેટ્રિક ટન જેટલો પાક થાય છે. એક એકરે ફણસીનું પાંચ હજાર રતલથી વધુ ઉત્પાદન થાય છે.
ફણસી મુખ્યત્વે ઠીંગણી અને ઊંચી એવી બે જાતની થાય છે. ઠીંગણી જાતના છોડ ફૂટ-દોઢ ફૂટ ઊંચા થાય છે. તેના વેલાને ચડવા માટે આધાર આપવો પડતો નથી. બીજી જાતના છોડના વેલા પાંચ-છ ફૂટ ઊંચા થાય છે અને તેને ચડવા માટે સૂકી ડાળખીઓ રોપવી પડે છે. અમેરિકામાં ફણસીના વેલાને ઉપર ચડાવવામાં આવે છે. ઠીંગણી જાત અઢીથે ત્રણ મહિનામાં અને ઊંચી જાત ચારથી પાંચ મહિનામાં પાક આપે છે.
ફણસીની શીંગો ચારથી છ ઈંચ લાંબી થાય છે. શીંગોમાં બી નાના કદનાં હોય અને શીંગો પૂરા કદની ન થઈ હોય એ પહેલાં જ તેને ઉતારી લેવામાં આવે છે. ગામડાના લોકો ફણસીથી બહુ પરિચિત નથી. પણ શહેરોમાં તેનો બહોળો ઉપયોગ થાય છે.
વૈજ્ઞાનિક મત પ્રમાણે ફણસીમાં પ્રોટીન, પોટૅશિયમ, કૅલ્શિયમ, ગંધક, ફૉસ્ફરસ, લોહ તેમ જ વિટામિન ‘એ’ તથા ‘સી’ છે. પોષણની ર્દષ્ટિએ સૂકા અને લીલા શાક તરીકે ફણસીનું મહત્વ ખૂબ ઊંચું છે.