વરસાદ સાથે મકાઇનો અનોખો મેળ છે. વર્ષાઋતુમાં મકાઇ દરેક ગલી અને કોર્નર પર મળે છે. કોઇને અમેરિકન તો કોઇને દેશી મકાઇનો સ્વાદ માણવો ગમે છે.
વરસતા વરસાદમાં ગરમ ગરમ મકાઇ પર લીંબુ મીઠાનો સ્વાદ, બંને જાણે એક જ દૃશ્યના બે ભાગ ન હોય, પરંતુ તમે મકાઇમાં રહેલ શકિત અંગે જાણો છો?
મકાઇના દાણાનો ઉપરનો ભાગ રેષાનો બનેલ હોય છે. એની નીચેનો ભાગ જેને એલ્યૂરોન પડ કહે છે. તેમાં વીસ ટકા પ્રોટીન રહેલું હોય છે. એમાં વિટામિન બીનું પ્રમાણ પણ જોવા મળે છે. એનો અંદરનો ભાગ જેને અંડોસ્પર્મ કહે છે. તેમાં સ્ટાર્ચ વધુ હોય છે અને એકદમ અંદરનો ભાગ જેને કોશાણુ કહે છે. જે પ્રોટીન, ખનીજ અને ચરબીથી ભરપૂર હોય છે.
મકાઇને દાળ, બેસન કે દૂધની કોઇ વસ્તુ સાથે લેવામાં આવે તો વધુ ફાયદો થાય છે માટે જ તો પરંપરાગત રીતે ‘મકાઇની રોટી અને સરસોકા સાગ’ સાથે ખાવામાં આવે, તો એ બહુ સંતુલિત ભોજન બની જાય છે. મકાઇ પર લીંબુ લગાવીને ખાવાથી એમાં લોહતત્ત્વનું પ્રમાણ વધી જાય છે. મકાઇમાં કેરોટીન નામનો પદાર્થ પણ જોવા મળે છે. જે શરીરમાં જઇને વિટામિન ‘એ’ બની જાય છે. એ રાત્રે જોવાની ક્ષમતા, ત્વચાની સંભાળમાં અને બીમારીઓથી બચાવવામાં મદદરૂપ થાય છે. મકાઇનો રંગ જેટલો વધુ પીળો હોય, એટલું વધારે એમાં કેરોટીન હોય છે. જે કબજિયાત અને લોહીની ઊણપ ધરાવનાર વ્યકિત માટે ફાયદારૂપ છે.